કહેવાય છે કે મનુષ્ય કપડાં વિહીન આવે છે. જન્મ બાદ તેને પહેલું કપડું પહેરાવવામાં આવે છે. તેને ઝભલું કહે છે. મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેને જે કપડું ઓઢાડવામાં આવે છે તેને કફન કહે છે. બંનેમાં ખિસ્સું હોતું જ નથી. જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવનનો ગાળો હોય છે તેમાં પરિધાન થતાં દરેક વસ્ત્રોમાં ખિસ્સું હોય છે. આ વચગાળાનાં ખિસ્સા માટે કેટકેટલી ઉપાધિ, કેટલી દોડધામ, કેટલા દગા અને કેટલા પ્રપંચ? શા માટે તો ખિસ્સાં ભરેલાં રાખવા માટે પોતાનું જીવન માટે તો સમજાય, પણ સાત પેઢી તરાવવાની પણ ચિંતા. સૌથી બુધ્ધિશાળી ગણાતા મનુષ્યની વલે તો જુઓ, જીવનની આવશ્યકતા માટે ધન આવશ્યક તો ખરું પણ ખિસ્સાં ભરતાં પહેલાં પેલા લોહીના ગ્રુપની જેમ આપણી પાસે આવતા ધનનું પણ ગ્રુપ તપાસી લેવું રહ્યું. યાદ રહે, ખોટા ગ્રુપના ધન સાથે અશાંતિ, કલેશ અને કંકાસ તેમજ અનેક દૂષણો પણ સાથે લઈને જ આવે છે તે નક્કી.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
