આપણો સૂર્ય આપણી મિલ્કી વે ગેલેકસીના કેન્દ્રથી કેટલો દૂર છે? તે આપણી મિલ્કીવે ગેલેકસીના કેન્દ્રીય 30000 પ્રકાશ વર્ષ દૂર છે. સૂર્યનો કેન્દ્રિય ભાગમાં રહેલો હાઇડ્રોજન હિલિયમ વાયુમાં કયારે રૂપાંતરિત થાય? તે હાઇડ્રોજન જયારે અતિશય ઉષ્મા અને દબાણને આધીન હોય ત્યારે તે હિલિયમ વાયુમાં રૂપાંતરિત થાય છે. સૂર્યનો મધ્ય ભાગ 24 દિવસમાં કાલ્પનિક ધરીની આસપાસનું પરિભ્રમણ પુરૂં કરે છે. સૂર્યની ઉષ્માઊર્જા પૃથ્વીવાસીઓને ઉષ્ણતાગમનની રીતે મળે છે.
સૂર્યમાન ન્યુકિલયર ફયુઝન દ્વારા હાઇડ્રોજન હિલિયમ વાયુમાં ફેરવાય છે. સૂર્યમાળાના કોઇક ગ્રહ પર ગ્રહણ કયારે થાય? જયારે આપણા ચંદ્ર જેવા પૂરતા મોટા કદનો પદાર્થ તે ગ્રહ અને સૂર્યની વચ્ચે આવે અને તે ત્રણેય જયારે એક જ સમતલમાં હોય ત્યારે તે ગ્રહ પર ગ્રહણ થાય છે. સૂર્યમાળાના કયા ગ્રહો પર ગ્રહણ થતા નથી? સૂર્યમાળાના બુધ અને શુક્ર ગ્રહ પર ગ્રહણ થતા નથી કારણ કે તેઓ કોઇ ઉપગ્રહ ધરાવતા નથી. ગુરૂ ગ્રહ પર ગ્રહણની ઘટના સામાન્ય છે કારણ કે તે ઘણા બધા ઉપગ્રહો ધરાવે છે. મંગળ ગ્રહ પર કેમ ખંડગ્રાસ ગ્રહણ થાય છે? કારણ કે તેના ઉપગ્રહો ફોબોસ અને ડીમોસ નાના કદના ઉપગ્રહો છે.
સૌર પ્રોમીનન્સ કેવીક ઘટના છે? ‘સોલર પ્રોમીનન્સ’ એ ગરમ થવાને કારણે વૃધ્ધિ પામતા ગેસનું સૂર્યના ક્રોમોસ્ફીયર મારફતે કોરોનામાં પ્રક્ષેપણ પામતું વાદળ છે. આ સૌર પ્રોમીનન્સને અગાઉ માર્ચ 30, વર્ષ 2010ના રોજ જોવામાં આવેલા. આ સૌર પ્રોમીનન્સ અને જવાળાઓનો દળદાર ઉભરો છે. સૌર પ્રોમીનન્સના ઉદ્ભવ માટે કયું પરિબળ જવાબદાર છે? તેના ઉદ્ભવ માટે ચુંબકિય બળો જવાબદાર હોઇ શકે. આ સૌર પ્રોમીનન્સ લાખો ટન સૌર દ્રવ્ય રવાના કરે જે સૌર દ્રવ્ય વીજળી વેગ પસાર થાય. પ્રશાંત સૌર પ્રોમીનન્સ ધીમેથી ઉદ્ભવે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!
સરેરાશ અંતર 14 કરોડ 96 લાખ કિ.મી. છે. સૂર્ય આપણી મિલ્કી વે ગેલેકસીના કેન્દ્રથી 30000 પ્રકાશ વર્ષ દૂર છે. જો કોઇ જેટ એર લાઇનરમાં આપણે સૂર્યની દિશામાં પ્રતિ કલાક 1000 કિ.મી. વેગથી ગતિ કરીએ તો 17 વર્ષ પછી સૂર્યના દ્વારે પહોંચીએ! સૂર્યનો કેન્દ્રિય ભાગ હાઇડ્રોજનનો બનેલો છે. જયારે સૂર્યના કેન્દ્રિય ભાગમાં રહેલો હાઇડ્રોજન અતિશય ઉષ્મા અને દબાણને આધીન હોય ત્યારે તે હિલિયમ વાયુમાં રૂપાંતરિત થાય છે. આ ઘટના ‘ન્યુકિલયર ફયુઝન’ તરીકે જાણીતી પ્રક્રિયા મારફતે ઉદ્ભવે છે. આ પ્રક્રિયામાં વિપુલ જથ્થામાં ઊર્જા ઉત્પન્ન થાય છે. આ ઊર્જા પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે જે ઊર્જા સૂર્યમાળાના દૂર દૂર રહેલા ગ્રહો સુધી પહોંચવા માટે વિકિરણ પામી શકે.
સૂર્યનો વિષુવવૃત્તિય મધ્ય ભાગ સૌથી વધારે ઝડપે પરિભ્રમણ કરે છે
સૂર્યમાં જુદા જુદા પડ અલગ અલગ ઝડપે પરિભ્રમણ કરે છે. પોતાની કાલ્પનિક ધરીની આસપાસ એક પરિભ્રમણ પુરૂં કરતા સૂર્યને પૃથ્વીના સરેરાશ 27 દિવસ લાગે છે. પણ સૂર્યનો વિષુવવૃત્તિય મધ્ય ભાગ સૌથી વધારે ઝડપે પરિભ્રમણ કરે છે અને તે 24 દિવસમાં ધરીની આસપાસનું એક પરિભ્રમણ પુરૂં કરે છે. જયારે સૂર્યના ધ્રુવિય પ્રદેશો આ બાબતે સૌથી વધારે સમય લે છે અને તેઓ 30 દિવસમાં કાલ્પનિક ધરીની આસપાસનું એક પરિભ્રમણ પુરૂં કરે છે. ગેલેલીઓ એવા પહેલા વિજ્ઞાની હતા જેમણે વર્ષ 1612માં અવલોકન કર્યું હતું કે સૂર્ય પોતાની કાલ્પનિક ધરીની આસપાસ પોતાની જગ્યા પર સ્થિર રહીને પરિભ્રમણ કરે છે. આપણી પૃથ્વીથી સૂર્યના અને ગ્રહમાળાના ગ્રહો વચ્ચેના અંતરને રડાર અવલોકનોનો ઉપયોગ કરીને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકાર વિજ્ઞાનીઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.
સૂર્યમાં પ્રત્યેક સેકંડ દરમ્યાન 1000 લાખ ટન હાઇડ્રોજન બળતણનું દહન થાય છે
આપણા સૂર્ય અને આપણી સૂર્યમાળાના ગ્રહો વચ્ચેનો અવકાશ લગભગ ખાલી છે. તે અવકાશ મંદ વાયુ ધરાવે છે. જે સૂર્યની વિકિરણ ઊર્જામાંથી જરાયે વિકિરણ ઊર્જાનું શોષણ કરતો નથી. આ કારણથી લગભગ બધી જ વિકિરણ ઊર્જા અવકાશના દ્રવ્ય (મેટર)માંથી શોષણ પામ્યા વગર પસાર થઇ જાય છે. સૂર્યના કિરણો તે અવકાશને ગરમ કરતા નથી. ટૂંકમાં સૂર્યની ઊષ્મા ઊર્જા આપણને પૃથ્વીવાસીઓને વચ્ચેના અવકાશને ગરમ કર્યા વગર (ઉષ્ણતાગમનની રીતે) મળે છે.
આપણા સૂર્યમાં પ્રતિ સેકંડ 1000 લાખ ટન હાઇડ્રોજન રૂપી બળતણનું દહન થાય છે જે હાઇડ્રોજન ન્યુકિલઅર ફયુઝન દ્વારા હિલિઅમ વાયુમાં ફેરવાય છે. આ પ્રક્રિયા દરમ્યાન સૂર્ય 55 લાખ ટન જેટલું દળ ગુમાવે છે. જો કે આથી પૃથ્વીવાસીઓએ જરાયે ચિંતીત થવાની જરૂર નથી કારણ કે સૂર્યના કુલ દળના પ્રમાણમાં તેના દ્વારા ગુમાવવામાં આવતું આ દળ અતિશય નજીવું છે. સૂર્યનું દળ તો 19 લાખ 88 હજાર 500×10 24 (દિવસ ચોવીસ ઘાત) કિલોગ્રામ છે જેનો અંશમાત્ર ભાગ આ ન્યુકિલઅર પ્રક્રિયાઓમાં વપરાય છે. કોઇપણ અવકાશી પદાર્થનું ગુરૂત્વાકર્ષણિય ક્ષેત્ર કેટલું પ્રબળ હોય તેનો આધાર જે તે અવકાશી પદાર્થના દળ પર આધારિત હોય.
આપણી સૂર્યમાળાના તમામ ગ્રહો પર ગ્રહણ થતા નથી
સૂર્યમાળાના કોઇક ગ્રહ પર ગ્રહણ ત્યારે જ થાય કે જયારે આપણા ચંદ્ર જેવા પૂરતા મોટા કદનો અવકાશી પદાર્થ જે તે ગ્રહ અને સૂર્યની વચ્ચે આવે અને જયારે તે ત્રણેય એક જ સમતલમાં હોય. સૂર્યમાળાના તમામ ગ્રહો પર ગ્રહણો થતા નથી. તેવા જ ગ્રહો પર ગ્રહણ થાય કે જે ગ્રહને ઓછામાં ઓછો એક ઉપગ્રહ હોય. આપણી સૂર્યમાળાના પહેલા ક્રમના ગ્રહ બુધ અને બીજા ક્રમના ગ્રહ શુક્રને કોઇ ઉપગ્રહ નથી. તેથી આ બે ગ્રહો પર કદીયે ગ્રહણ થતા નથી. ચોથા ક્રમના ગ્રહ મંગળના બે ઉપગ્રહો ફોબોસ અને ડીમોસ છે જેઓ પ્રમાણમાં નાના કદ ધરાવે છે. તેથી મંગળ ગ્રહ પર ખગ્રાસ (પૂર્ણ) ગ્રહણ થતું નથી પણ ખંડગ્રાસ (આંશિક) ગ્રહણ થાય છે.
સૂર્યમાળાના બાકીના મહાકાય કદના ગ્રહો ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન પર ગ્રહણ થાય છે. આ ચાર ગ્રહોના ઉપગ્રહોના કદ મોટા પણ છે. ગુરૂ ગ્રહ માટે ગ્રહણો સામાન્ય ઘટના છે કારણ કે તે ઘણા બધા ઉપગ્રહો ધરાવે છે. ઓકટોબર, વર્ષ 2019ની જાણકારી મુજબ ગુરૂ ગ્રહ 79 ઉપગ્રહો ધરાવે છે. જો કે ગ્રહોના ઉપગ્રહોની સંખ્યા સુનિશ્ચિત કરવાનું કામ આગળ વધી રહ્યું છે.
‘સૌર પ્રોમીનન્સ’ કેવીક ઘટના છે
આ સૌર પ્રોમીનન્સ કે જે જયારે સૂર્યના ચક્ર (ડીસ્ક)ની સામે દેખાય છે ત્યારે તેને ફીલામેન્ટ કહેવામાં આવે છે. તે સૂર્યના ફોટો સ્ફીયરમાંથી ઉપર ઉઠતી તેજસ્વી ઘટના છે. તે ફોટોસ્ફીયરમાં ઉદ્ભવીને સૂર્યના ગરમ, વધારે બહારના આવરણ કોરોના સુધી વિસ્તરે છે. આ સૌર પ્રોમીનન્સ જેનો ‘ફીલામેન્ટ’ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે, તેમને જયારે સૂર્યના ચક્રની સામે જોવામાં આવે છે ત્યારે તેઓ વિશાળ ઉપરાંત તેજસ્વી ગેસની બનેલી રચનાઓ માલૂમ પડે છે. આ સોલર પ્રોમીનન્સ એ ગરમ થવાને કારણે વૃધ્ધિ પામતું ગેસનું સૂર્યના ક્રોમોસ્ફીયર મારફતે સૂર્યના કોરોનામાં પ્રક્ષેપન પામતું વાદળ છે. આવા એક સોલર પ્રોમીનન્સને માર્ચ 30, વર્ષ 2010ના રોજ ‘સોલર ડાયનેમિક ઓબ્ઝવરેટરી સેટેલાઇટ’ (સૌર ડાયનેમિક વેધશાળા કૃત્રિમ ઉપગ્રહ) દ્વારા જોવામાં આવેલ.
આ સૌર પ્રોમેનન્સનું મૂળ સૂર્યનો ફોટોસ્ફીયરમાં છે. આ સૌર પ્રોમિનન્સના ઉદ્ભવના કારણે અજ્ઞાત છે. પણ તેના ઉદ્ભવ પાછળનું કારણ ચુંબકિય બળો હોઇ શકે. આ સૌર પ્રોમીનન્સ આકાર, કદ અને ગતિ બાબતે એકબીજાથી અલગ પડે છે. તેમના બે પ્રકાર છે, સક્રિય અને પ્રશાંત. સક્રિય સૌર પ્રોમીનન્સ ઓચિંતા ઉદ્ભવે છે અને તેમનો જીવન અવધિ કેટલીયે મિનિટોથી માંડીને કેટલાય કલાકો સુધીનો હોય. પ્રશાંત સૌર પ્રોમીનન્સ સહજતા, સરળતા અને ધીમેથી ઉદ્ભવે. તેથી તેઓ કંઇ કેટલાયે મહિનાઓ સુધી દેખાય.
આ સૌર પ્રોમીનન્સ એ જવાળાઓનો દળદાર ઉભરો છે. તેઓ વિશાળ કદ ધરાવે અને ઘણા હજારો કિ.મી. સુધી વિસ્તરેલા હોય. આ સૌર પ્રમીનન્સ લાખો ટન સૌર દ્રવ્ય રવાના કરે, જે સૌર દ્રવ્ય અવકાશમાંથી વીજળી વેગે પસાર થાય. આ સૌર પ્રોમીનન્સની જવાળાઓ પૃથ્વી સુધી પહોંચી શકતી હોઇ, તેઓ નુકશાનકર્તા બની શકે. કેટલાક સૌર પ્રોમીનન્સનું પ્રસ્ફોટન થાય અને તેમના ટૂકડાઓ થાય જેને કારણે કોરોનામાંથી દ્રવ્ય બહાર ફેંકાવાની ઘટનાઓ બને. કેટલીકવાર આપણને સૂર્યની ડીસ્ક (ચક્ર)ની ધારની આસપાસ સૌર પ્રોમીનન્સ જોવા મળવાને બદલે સૂર્યના તેજસ્વી બેકગ્રાઉન્ડની સામે આ સૌર પ્રોમીનન્સ જોવા મળે. સૂર્યના તેજસ્વી બેકગ્રાઉન્ડની સરખામણીએ તે સૌર પ્રોમીનન્સ ડાર્ક દેખાય. તેમને સોલર ફીલામેન્ટ કહેવાય.