Business

જીવનમાં કશું કરીએ કે ન કરીએ પણ સત્સંગ કરીએ

જીવનમાં બીજું કશું કરીએ કે ન કરીએ પણ બે વસ્તુ અવશ્ય કરવી જરૂરી છે એક છે સેવા અને બીજો છે, સત્સંગ. આ સેવા અને સત્સંગ નિત્ય કરો. તેથી તો તુલસીદાસજી કહે છે ‘કરવો સદા સત્સંગ’ સેવા વગરનો, સત્સંગ વગરનો એક દિવસ કોરો ગયો તે દિવસ વાંઝિયો. આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાનું એક પદ છે, તેમાં નરસિંહ મહેતા સુતક કોને લાગે અથવા તો સુતકી નર કોણ છે તેની સુંદર વ્યાખ્યા આપે છે. નરસિંહે ગાયું છે ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સુતકી’ જે મનુષ્ય પછી તે નર હોય કે નારી કૃષ્ણનું કીર્તન, કૃષ્ણનું ગાન અને કૃષ્ણનું પાન નથી કરતાં તે મનુષ્ય સદાના સુતકી છે.

 એક વખત બ્રહ્માજીની પાસે દેવ, દાનવ અને માનવ સાથે મળીને સત્સંગ માટે ગયા. બ્રહ્માજીને જઇને દેવો, દાનવો અને માનવોએ પ્રાર્થના કરી કે તમે અમને કંઇ બોધ આપો. બ્રહ્માજી કહે કે હું બોધ આપું ખરો પણ લાંબુ ભાષણ નહીં કરું. હું તમને ત્રણેયને માત્ર એક શબ્દ કહીશ. એ એક શબ્દમાંથી તમે પોતે ચિંતન કરી અર્થ તારવજો અને તે પ્રમાણે વર્તન કરજો. ત્રણેયે મસ્તક નમાવી બ્રહ્માજીની આ વાતને સ્વીકારી લીધી. પછી બ્રહ્માજીએ સૌપ્રથમ દેવોને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું ‘દ’. પછી દાનવોનો વારો આવ્યો. તેમને કહ્યું ‘દ’ અને મનુષ્યોને પાસે બોલાવી કહ્યું કે ‘દ’.

બ્રહ્માજીનો ઉપદેશ સાંભળીને ખુશ થતાં દેવ, દાનવ અને માનવ મળીને બ્રહ્માજીનું આ બ્રહ્મવાક્ય જીવનમાં ઉતારવા માટે સાથે મળીને વિચારવા લાગ્યા. દેવોના રાજા ઇન્દ્રએ કહ્યું કે બ્રહ્માજીએ જે કહ્યું છે તેનો અર્થ એવો થતો હશે કે આપણે દમન કરવું. કારણ કે આપણે રહ્યા દેવો, સ્વર્ગના નિવાસી અને સાથે વિલાસી પણ ખરા. આપણા વિલાસી જીવનને સંયમ તરફ વાળવા માટે અને તપની સાધના કરવા માટે બ્રહ્માજીએ આપણને દમન કરવા માટે ‘દ’ કહ્યું હશે.

દાનવો બ્રહ્માજીના વચનો ઉપર વિચાર કરવા લાગ્યા. વિચારને અંતે સૌએ અર્થ તારવ્યો કે બ્રહ્માજી આપણને દયા કરવાનું કહ્યું હશે કેમકે આપણે નિર્દય છીએ, પાપ કરવામાં પાછું વાળીને જોતા નથી, આપણા હૃદયમાં દયાનો છાંટો નથી માટે બ્રહ્માજીએ ‘દ’ એટલે દયા રાખો એમ આપણને કહ્યું હશે. માનવોએ અરસ પરસ મળીને બ્રહ્માજીના બોધનો અર્થ તારવ્યો કે બ્રહ્માજીએ આપણને મનુષ્યોને ‘દ’ એટલે દાન કરો એમ કહ્યું છે.

સંગ્રહ વૃત્તિ આપણાં મનમાં ઘર કરીને બેઠી હોય છે. ભેગું કરવું, સંગ્રહ કરવો, ન જોઇતું હોય તો પણ એકઠું કરવું એવી વૃત્તિ આપણી છે. આ વૃત્તિને પારખીને બ્રહ્માજીએ આપણને સંગ્રહવૃત્તિ છોડીને દાનવૃત્તિ કેળવવાની શિખામણ આપી છે. એટલે આપણે દાનને વ્યાપક રીતે જીવનમાં વણી લેવું જોઇએ. આ વાર્તાનો સાર એ છે કે આપવાનો આનંદ જેના જીવનમાં છે, તે દેવતા છે. ઘસાય એની પૂજા પહેલા થાય છે. જીવનની યાત્રા ઉત્સવ ત્યારે બને જ્યારે આપણે પરોપકાર કરીએ, દાન આપીએ અને સદાચારયુક્ત જીવન જીવીએ

Most Popular

To Top