હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઑર્બને તાજેતરમાં રશિયાની મુલાકાત લીધી જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. તેના કારણે વરિષ્ઠ યુરોપિયન નેતાઓએ તેમનો ભારે વિરોધ કર્યો હતો. યુરોપના દેશો રશિયા વિરુદ્ધ યુક્રેનને પોતાના રક્ષણ માટે મોટા પ્રમાણમાં સૈન્ય અને સામગ્રીની સહાયતા કરી રહ્યા છે, ત્યારે યુરોપના કોઈ પણ નેતા મૉસ્કોની મુલાકાત લે તો તેને યુરોપ સાથે વિશ્વાસઘાત તરીકે જોવામાં આવે છે.હંગેરીને ઘણી વખત યુરોપમાં એક બહારની વ્યક્તિ તરીકે જોવામાં આવે છે અને ઑર્બનને ઘણા લોકો એક આપખુદ શાસક તરીકે ગણે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 8 અને 9 જુલાઈની રશિયા મુલાકાત વિશે પશ્ચિમી દેશો કેવો પ્રતિભાવ આપે છે તે જોવું રહ્યું.પશ્ચિમી દેશોના નેતાઓએ હજુ સુધી આ મુલાકાત પર ખૂલીને ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.
પરંતુ ગુરુવારે ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું કે તેમનો દેશ રશિયાને જવાબદાર ઠરાવવા માટે મળીને કામ કરવા અંગે ભારત સાથે સતત સંપર્કમાં છે.નરેન્દ્ર મોદી રશિયામાં પુતિનને ભેટે તે જોઈને યુરોપ અને અમેરિકા ચોક્કસ ખુશ નહીં થાય, કારણ કે રશિયાના યુક્રેન પરના આક્રમણના કારણે તેઓ પુતિનને યુરોપમાં ઉથલપાથલ કરનાર વ્યક્તિ તરીકે જુએ છે. સત્તાવાર વલણ એવું રહ્યું છે કે 22માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લઈ રહ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ દ્વિપક્ષીય બેઠક નથી યોજાઈ. છેલ્લે 2021માં આવી બેઠક થઈ હતી.બુધવારે રશિયાએ બંને નેતાઓની વાતચીતના ઍજન્ડા વિશે વાત કરી, જેમાં જણાવાયું હતું કે બંને નેતાઓ પરંપરાગત રીતે મૈત્રીપૂર્ણ ભારત-રશિયા સંબંધોમાં વધુ વિકાસની સંભાવનાઓની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક એજન્ડાના મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે.ભારતે વધુ માહિતી નહોતી આપી, પરંતુ એવું માનવામાં આવે છે કે કેટલાક મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર થશે.આ મુલાકાતના કારણે પશ્ચિમમાં ઘણા લોકોનાં ભવાં ચઢી ગયાં છે.કેટલાક તજજ્ઞો માને છે કે, ભારત રશિયા સાથે પોતાના સંબંધોને આગળ લઈ જવા માટે ઉત્સુક છે. માત્ર સૈન્ય સામગ્રી માટે રશિયા પર પોતાની નિર્ભરતાના કારણે નહીં, પરંતુ એટલા માટે કારણ કે નવી દિલ્હી એક બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે જ્યાં સરકાર દરેક પ્રકારના ભાગીદારો સાથે પોતાના હિતને આગળ વધારવાની સ્થિતિમાં છે.
આ યાત્રા રશિયાની ચીન સાથે નિકટતા સાથે પણ સંકળાયેલી છે. તેઓ કહે છે, “દિલ્હી માટે મૉસ્કો સાથે એક વિશિષ્ટ સંબંધો જાળવી રાખવા એ રશિયા અને બેઇજિંગ વચ્ચેની ઘનિષ્ઠતાને હળવી બનાવશે.મોદીએ છેલ્લે 2015માં મૉસ્કોની મુલાકાત લીધી હતી. પરંતુ 2019માં તેઓ આર્થિક ફોરમમાં ભાગ લેવા વ્લાદિવોસ્તોક ગયા હતા. પુતિન અને મોદી છેલ્લે 2022માં ઉઝબેકિસ્તાનના એસસીઓ શિખર સંમેલનમાં મળ્યા હતા. પુતિન 2021માં દિલ્હી પણ આવ્યા હતા. મોદીની મૉસ્કો યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને તેના યુરોપિયન સાથી દેશો રશિયાને વૈશ્વિકસ્તરે એકલું પાડી દેવા પ્રયાસ કરે છે અને રશિયા પર આકરા પ્રતિબંધો ઝીંક્યા છે. તેમણે ઉચ્ચ સ્તરિય બેઠકો પણ ઘણી ઘટાડી દીધી છે.
ભારતનું કહેવું છે કે તેની વિદેશ નીતિ ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ અને ‘રાષ્ટ્રીય હિત’ પર આધારિત છે.પરંતુ પશ્ચિમમાં રશિયા વિરુદ્ધ ફેલાયેલી ભાવનાને ધ્યાનમાં રાખતા શું આ મુલાકાત ભારતના વ્યૂહાત્મક ભાગીદાર અમેરિકાને નારાજ કરશે? અમેરિકાના બાલ્ટીમોરમાં જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી ખાતે ઍપ્લાઈડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કેએ પૂર્વ રાષ્ટ્રપતિ રેગનની આર્થિક સલાહકાર પરિષદમાં કામ કર્યું છે. તેઓ માને છે કે ભારતના રશિયા સાથેના સંબંધો ઐતિહાસિક છે.તેઓ કહે છે, પીએમ મોદી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનોને જોતાં એ સ્પષ્ટ છે કે ભારત તમામ દેશો સાથે સારા સંબંધ રાખવા માગે છે.
ખાસ કરીને રશિયા સાથે, એક એવો દેશ જેની સાથે સોવિયેત યુગથી ભારતના સંબંધો સારા રહ્યા છે. 1960થી 1980ના દાયકા સુધી ભારતમાં ઉછરેલી કોઈ વ્યક્તિ એવી નહીં હોય તે સોવિયેત પ્રભાવમાંથી બચી શકી હોય. ભારતના વિશાળ સ્ટીલ પ્લાન્ટ રશિયાની મદદથી સ્થાપવામાં આવ્યા હતા અને તેના અંતરિક્ષ કાર્યક્રમને પણ રશિયાની મદદ મળી હતી. સંકટના સમયમાં સોવિયેત સંઘ ભારતની પડખે રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં તાસ્કંદ સાથે ઐતિહાસિક મિત્રતા સંધિ થઈ હતી જે સોવિયેત સંઘે કરાવી હતી. તમે રશિયાની મુલાકાત લો તો વીતેલા જમાનાના વિખ્યાત બોલિવુડ સ્ટાર રાજ કપૂરનો ઉલ્લેખ થવાનો જ છે.
પુતિન જ્યારે વર્ષ 2000માં પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તે વર્ષે બંને દેશોએ ‘વ્યૂહાત્મક ભાગીદારી પર ઘોષણા’ હેઠળ સંરક્ષણ, અંતરિક્ષ અને આર્થિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સોદો અને ઊર્જા ક્ષેત્રે સહયોગ આધુનિક સમયમાં ચાલી રહેલા પ્રયત્નોનું ઉદાહરણ છે. ભારત અને રશિયા આ ગૂંચવણનો ઉકેલ લાવીને પોતાના સંબંધોને ગાઢ બનાવવાની ક્ષમતા ધરાવે છે જે બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિમાં મજબૂત રહે અને સાથે તે સુનિશ્ચિત થાય. ભારત-રશિયા સંબંધો અત્યારે તેની ટોચ પર છે. ભારતના વડા પ્રધાનની રશિયા મુલાકાત અનેક નવાં પરિવર્તનો સાથે એક નવી, બદલાતી ભૂરાજકીય વૈશ્વિક વ્યવસ્થાની શરૂઆત કરશે જેમાંથી નવાં નવાં સંયોજનો રચાશે. પુતિન હેઠળ રશિયાએ યુક્રેન પર આક્રમણ અને 2014માં ક્રિમિયા પર કબ્જો જમાવવાના પગલાંના કારણે ખાસ કરીને પશ્ચિમી દેશો તરફથી આંતરરાષ્ટ્રીય અલગાવનો સામનો કરવો પડ્યો છે.
પુતિનની આ કાર્યવાહીના કારણે અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય સહયોગીઓ તરફથી વ્યાપક પ્રતિબંધો ઝીંકવામાં આવ્યા અને કૂટનીતિક પ્રતિક્રિયા આવી. જોકે, રશિયાએ ચીન, ભારત જેવો દેશો અને મધ્ય-પૂર્વ અને આફ્રિકાના વિવિધ દેશો સાથે મજબૂત સંબંધ જાળવી રાખ્યા છે જેથી પશ્ચિમી અલગાવની અસર ઓછી કરવામાં મદદ મળે છે. મોદી અને અન્ય નેતાઓ રશિયાની રાજધાનીની મુલાકાત લે તે રશિયા કે પુતિન અલગ પડી ગયા છે તેના સંકેત નથી. તેઓ કહે છે, “મોદી અને પુતિન બેઠક કરે છે તે બહુ સારી વાત છે. આ રીતે જ વાસ્તવિક ડિપ્લોમસી કરી શકાય છે. પુતિન મોટા ભાગે સત્તાવાદી શાસનની નજીક રહે છે. રશિયા નિશ્ચિત રીતે સત્તાવાદી શાસનથી અલગ નથી. આફ્રિકાના સરમુખત્યાર શાસકો, ઈરાન, ચીન વગેરે સાથે તેમના ઘનિષ્ઠ સંબંધોથી આ સ્પષ્ટ જોઈ શકાય છે.
ઑર્બનનું હંગેરી એ એકમાત્ર યુરોપિયન યુનિયનનો દેશ છે જે મૉસ્કોની નિકટ છે. તથા તે આજે ઈયુમાં સૌથી વધુ અસહિષ્ણુ દેશ છે. લોકશાહીની અસ્વીકૃતિના મામલે સમાનતાના કારણે ભારત રશિયા સાથે સારા સંબંધો ચાલુ રાખી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ અને તેના પ્રભાવ સામે ગ્લોબલ સાઉથના નેતા તરીકે દેખાવાનો ભારતનો પ્રયાસ પણ છે. ઘણા વિશ્લેષકો માને છે કે રશિયા સામે અમેરિકાના પ્રતિબંધો પુતિનને અલગ પાડી દેવામાં મોટા ભાગે નિષ્ફળ રહ્યા છે, કારણ કે ભારત, હંગેરી અને ચીનના નેતાઓ મૉસ્કોનો પ્રવાસ કરતા રહ્યા છે. તેનાથી વેપાર સંબંધો અને સહયોગ મજબૂત થાય છે જે યુક્રેન યુદ્ધ પછી પણ ચાલુ રહી શકે છે અને વૈશ્વિક સત્તાની ગતિશીલતાને નવો આકાર આપી શકે છે.