Charchapatra

આ મોંઘવારીનું ચક્ર ક્યાં જઈને અટકશે?

દરેક ચીજ વસ્તુઓના ભાવ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યા છે કે, આ મોંઘવારીનું કાળચક્ર ક્યાં જઈને અટકશે એનું અનુમાન કરવું મુશ્કેલ છે. મોંઘવારી વધવી એ કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી એમાં જાતજાતનાં પરિબળો ભાગ ભજવે છે. આપણા દેશમાં લોકશાહી પ્રથા અમલમાં છે અને લોકો વડે જ સરકાર ચાલે છે, તેથી આપણાં ખંધા રાજકીય નેતાઓ ચૂંટણી લડવા માટે મોટા મોટા નામાંકિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અંડરવર્લ્ડનાં અસામાજિક તત્ત્વો વિગેરે પાસેથી અબજો રૂપિયા લઈ આવે છે અને નસીબજોગે એ રાજકારણી ચૂંટણી જીતી સત્તા પર આવતાં જ નાણાંકીય ખાધ સરભર કરવા માટે, ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ તે રાજકીય નેતાનું નાક દબાવીને મોં ખોલાવે છે.

મતલબ કે ઉદ્યોગપતિઓ રાતોરાત ચીજવસ્તુના ભાવ બમણા કરી નાંખે છે તો ક્યારેક અમુક વસ્તુઓને દબાવી કે સંગ્રહ કરીને વધારે નાણાં કમાવવા માટે કૃત્રિમ અછત ઊભી કરે છે. બીજી તરફ અંડરવર્લ્ડના માફિયાઓ ગમે ત્યાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને રાતોરાત મોટું કોમ્પલેક્ષ બનાવી નાંખે છે. અચાનક દંગા ફસાદ કરાવાય છે. અને તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે. સરકારી કર્મચારીઓનાં પગારધોરણો તો વખતોવખત ઉત્તરોત્તર વધતાં જાય છે એથી એમને વધતી જતી મોંઘવારીનો વધારે અહેસાસ થતો નથી. જ્યારે ખાનગી કંપનીઓ, નાનાં કારખાનાં કે દુકાનોમાં કામ કરતાં કર્મચારીઓ કે કારીગરોના પગારધોરણમાં કોઈ ઝાઝો વધારો થતો નથી એથી મોંઘવારીનો ભાર સૌથી વધારે આવાં લોકોએ સહેવો પડે છે. બિચારી જનતાએ તો વગર વાંકે મોંઘવારીના ખપ્પરમાં હોમાવાનું જ છે.
હાલોલ    – યોગેશભાઈ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top