Columns

મફતની રેવડી કયાંથી આવશે?!

દરેક રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણીવચનો પૂર્ણ કરવામાં કેટલા સમર્થ છે તેની મતદારોને માહિતી આપે તેવી જોગવાઇ કરતો ચૂંટણી આચારસંહિતામાં સુધારો ચૂંટણી પંચે કરતાં વિરોધ પક્ષોને પેટમાં દુખ્યું છે. લાગે છે કે આગામી દિવસોમાં મફતની રેવડી રાજકીય મુદ્દા સ્વરૂપે ભયંકર રૂપ ધારણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને જે રેવડી અંગે વિનંતી કરી હતી તેનો જવાબ આપવાની વિરોધ પક્ષોની આશાની રેવડી દાણાદાણ થઇ હોવાનું લાગે છે. લાગે છે કે ચૂંટણી પંચે આ પહેલ જાતે નથી કરી લાગતી પણ સુપ્રીમ કોર્ટે તારણ કાઢયું હતું કે ગેરવાજબી મફતની રેવડી રાજયની નાણાંકીય સ્થિતિને અસર કરે તેમ હોવાથી આ મુદ્દાને ગેરવાજબી ગણવો જોઇએ. ચૂંટણી પંચને ચાનક ચડવાનું આ કારણ છે.

પણ ચૂંટણી પંચના પદાધિકારીઓ કહે છે કે સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે અમારા નિર્ણયને કંઇ લાગતુંવળગતું નથી.
મફતની રેવડીનું વચન આજની ચૂંટણીનું મહત્ત્વનું અંગ છે. આમ આદમી પક્ષ માને છે કે મફત પાણી-વીજળીનું વચન દિલ્હી અને પંજાબમાં અમારા વિજયનું મહત્ત્વનું કારણ છે. તમિલનાડમાં દ્રવિડ મુનેત્ર કળગમ અને કેરળમાં ડાબેરીઓએ મતદારોને કલ્યાણકારી પગલાં લેવાની વાતથી રીઝવવાની કોશિશ કરી છે. આથી ચૂંટણી પંચની હિલચાલથી તેઓ દેખીતી રીતે ચોંકી ગયા છે. તેમને લાગે છે કે મફતની રેવડીનાં વચન આપવા પરનાં નિયંત્રણો અમારા પર હુમલો છે અને મોદી અને ભારતીય જનતા પક્ષને લાભ આપવાનો એક પ્રયાસ છે.

મોદીએ વારંવાર ચેતવણી આપી છે કે રેવડી સંસ્કૃતિથી સરકારો ગરીબો માટેના અન્ય કલ્યાણ કાર્યક્રમો પૈસાના અભાવે અમલમાં નહીં મૂકી શકે. વિપક્ષો મોદી અને ભારતીય જનતા પક્ષને ઊંધા ચોંટયા છે કે તમે ગરીબો માટેની મફત યોજનાના વિરોધી છો અને પૈસાદાર કોર્પોરેટરો માટે તિજોરી ખુલ્લી મૂકો છો. તેઓ કહે છે કે મુદ્દો મફતની રેવડીનો નથી. ગરીબો માટેની કલ્યાણ યોજનાનો છે અને ચૂંટણી પહેલાં તેના પર નિયંત્રણ મૂકવાનું કોઇ પણ પગલું મુકત અને નિષ્પક્ષ ચૂંટણીના ખ્યાલને અસર કરશે. ભારતીય જનતા પક્ષ કહે છે કે આ પક્ષો ચૂંટણી જીતવા મનફાવે તે વચન આપે અને સત્તા પર આવે ત્યારે આ હેતુસર નાણાં નહીં આપવા બદલ કેન્દ્ર સરકારને દોષ દે. ચૂંટણી પંચ કહે છે કે અમારો મુદ્દો એ છે કે રાજકીય પક્ષો પોતાના ઢંઢેરામાં જે વચન આપશે તે પૂરાં કરવા પૈસા કયાંથી કાઢશે તે મતદારોને જણાવે.

તેણે જણાવ્યું છે કે રાજકીય પક્ષો તા. 19મી ઓકટોબર સુધીમાં પોતાનો પ્રતિભાવ આપે પછી આ આચારસંહિતા અપનાવાશે. વિરોધ પક્ષો કહે છે કે ચૂંટણી પંચ ગુલાંટ મારે છે. તેણે આ જ મુદ્દે અદાલતમાં સોગંદનામું કર્યું હતું અને કહ્યું હતું કે મફતની રેવડીની વ્યાખ્યા જ કરવાનું મુશ્કેલ છે ત્યારે અમે ચૂંટણીમાં મફત લાભ આપવાની બાબતમાં લવાદ કેવી રીતે બની શકીએ? ‘મફત’ અને ‘અતાર્કિક’ વ્યકિતલક્ષી છે અને તેનું અર્થઘટન ગમે તે થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે સમિતિ રચવાનું કહ્યું છે તેમાંય જોડાવાનો પંચે ઇન્કાર કર્યો છે.

વિરોધ પક્ષો કહે છે કે બંને મુદ્દાઓ કાયદેસર રીતે અને સિદ્ધાંતની રીતે અલગ છે. રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણીવચનો પૂર્ણ કરવા પૈસા કયાંથી કાઢશે તે રાજકીય ચર્ચાનો વિષય છે. તેઓ જણાવે છે કે રેવડીની વ્યાખ્યા કાયદા કે અદાલતના આદેશનો વિષય છે જયારે તેના પૈસા કયાંથી આવશે તે કાયદાનો કે અદાલતનો વિષય નથી કે તે જાહેર કરવા માટે અદાલતના હુકમની જરૂર નથી અને તેનાથી રાજકીય પક્ષોને જે યોગ્ય લાગે તે જાહેર કરવાના હક્કને અસર થતી નથી.

નવી દરખાસ્ત પ્રમાણે ચૂંટણી પંચ સમક્ષ રાજકીય પક્ષોએ એક ફોર્મ ભરવું પડશે જે આચારસંહિતાનો એક ભાગ બનશે. રાજકીય પક્ષો આ કામ નહીં કરે તો ચૂંટણી પંચ જાહેર કરશે કે જે તે રાજકીય પક્ષે આ ફોર્મ ભર્યું નથી બસ. વાત પૂરી.
કોઇ પણ રાજકીય પક્ષ પોતાના મતદારોને જે લાભ આપવા માગે છે તેની નાણાંકીય અસરનું વર્ણન કરતું ફોર્મ ભરવાની ચૂંટણી પંચની દરખાસ્તને પણ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનરોએ ટેકો આપ્યો છે. 2019થી 2021 સુધી ચૂંટણી કમિશનર રહેલા સુનીલ અરોરા કહે છે કે આ હિંમતભર્યું પગલું છે અને તની દૂરગામી વિધાયક અસર પડશે.

2009 થી 2010 સુધી ચૂંટણી કમિશનર રહેલા નવીન આપલા કહે છે કે આ ચૂંટણી પંચની હકૂમતમાં આવે છે. અદાલતોએ આવી આચારસંહિતાને ટેકો આપ્યો છે. 2006થી 2009 સુધીના આપણા ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એન. ગોપાલ સ્વામી કહે છે કે ચૂંટણી પંચ તો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઇ પણ રાજકીય પક્ષ ચૂંટણીમાં મફતની રેવડી આપવાની વાત કરે તો તે રેવડી કયાંથી લાવશે તે તેણે જણાવવું જ પડશે.

આમ છતાં 2010થી 2012 સુધી ચૂંટણી કમિશનર રહેલા એસ.વાય. કુરેશી કહે છે કે 2013માં સુપ્રીમ કોર્ટે પંચને રાજકીય પક્ષોના સથવારે આચારસંહિતા ઘડવાનું કહ્યું હતું. હવે તેણે જાહેર હિતની અન્ય એક અરજીના સંદર્ભમાં પંચને ચર્ચા કરવા કહ્યું છે. ચૂંટણી પંચને એવો કોઇ આદેશ નથી કે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં મફતની રેવડીની વાત કરે છે તે રેવડી આપવાનું શકય છે કે નહીં તેનો નિર્ણય કરે. આ કામ ધારાગૃહોનું છે. ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે તેથી તેણે તેનાથી દૂર રહેવું જ જોઇએ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top