તા.૭ એપ્રિલ ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં ૫ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે આર.ઇ. ગોલ્ડના નામે રૂ.૫,૦૦૦/- કરોડની ઠગાઈ કરનાર ડાયરેકટરનો પુત્ર પકડાયો. આખી વિગત જોતાં ગુજરાતી કહેવત ‘ લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ‘ યાદ આવી ગઈ કારણ કે આર. ઇ. ગોલ્ડની વિવિધ સ્કીમમાં રોકાણ કરનારને રૂ.૨૬ હજારના રોકાણ સામે ત્રણ મહિનામાં રૂ.૮૦,૦૦૦/- આપવાની લાલચ આપવામાં આવી હતી અને આવું રોકાણ કરનારાની સંખ્યા પાંચ પચ્ચીસ નહીં, અંદાજે દસ હજાર પરિવાર જેટલી હતી. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જો કોઈ પણ વ્યકિત ત્રણ મહિનામાં રૂ.૨૬,૦૦૦/- ના રોકાણ પર રૂ.૮૦,૦૦૦/- આપશે એવું કહે ત્યારે જ એવો વિચાર આવવો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને. પણ લોભને થોભ હોતો નથી એ ન્યાયે આટલી મોટી સંખ્યામાં લોકો આવી ઉટપટાંગ સ્કીમમાં ભેરવાયા અને જેણે રોકાણ કરાવેલું તે માલામાલ થઈ ગયો. ‘ગુજરાતમિત્ર’ના સમાચાર પ્રમાણે કુલ રૂ.૫,૦૦૦/- કરોડની ઠગાઈ આ સ્કીમમાં નાણાં રોકનારની સાથે થઈ છે. હજુ જો પ્રજા ચેતી નહીં જાય તો આવા લેભાગુ વચેટિયાઓ પ્રજાને મૂર્ખ બનાવતા જ રહેશે અને ગધા ભી ગયા ઔર રસ્સી ભી ગઈ જેવો ઘાટ થાય. ઉપરની રકમ તો બાજુ પર, મૂળ રકમ પણ ગુમાવવી પડે એવી સ્થિતિ ઉદ્ભવે. માટે આવી લોભામણી સ્કીમોથી પ્રજા દૂર રહે તેમાં જ પ્રજાનું ભલું છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
By
Posted on