એક રસ્તા પર રહેતો ગરીબ છોકરો અજય તેને ચિત્રકળાનો ખૂબ શોખ હતો. સ્કૂલમાંથી ઘરે આવીને તે કાગળ, પેન્સિલ લઈને ચિત્રો દોરતો. ક્યારેક દીવાલ પર, ક્યારેક જૂના સમાચારપત્ર પર, જૂના કાગળની કોથળી પર જે હાથમાં આવે તેની પર તે ચિત્રો દોરતો રહેતો. અજયના ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. પિતા મજૂરી કરતા અને માતા ઘરકામ. ઘરમાં બે ટંક ભોજન માંડ મળતું; આવી સ્થિતિમાં ચિત્રકામ માટે રંગો, પીંછીઓ, સારા કાગળ ખરીદવાનું તો દૂરની વાત હતી.
એકવાર સ્કૂલમાં ચિત્રકામની સ્પર્ધા જાહેર થઈ. અજયએ ભાગ લેવા મન બનાવી લીધું અને નામ પણ લખાવ્યું પણ તેની પાસે રંગો નહોતા. મિત્રોએ મજાક ઉડાવી: “અરે તને ચિત્રકામ ગમે છે, પણ રંગો ક્યાંથી લાવીશ?” અજય થોડો નિરાશ થયો, છતાં મન હાર્યું નહીં. તેણે વિચાર્યું –“ચોક્કસ કોઈ રસ્તો મળશે.’ તેણે બહુ વિચાર કર્યો ઉદાસ મને ઘરે ગયો મમ્મીને વાત કરી. મમ્મીએ કહ્યું, ‘દીકરા રંગ લેવાનાં પૈસા તો નથી પણ કૈંક રસ્તો કાઢીશું.’
અજય કચરાપેટીમાંથી જૂની પેન, તૂટી ગયેલી પેન્સિલ, જૂની રંગની બોટલ અને ઢાંકણાં એકઠાં કરી આવ્યો. મમ્મીએ પાંદડાં પીસીને લીલો રંગ હળદરથી પીળો, કાજળથી કાળો અને બીટના રસથી લાલ રંગ તૈયાર કરી આપ્યા અને કહ્યું, ‘લે દીકરા હમણાં આ રંગોથી ચિત્રકામ કર, હું મંદિર જાઉં છું ત્યાં થોડા ફૂલો મળશે તો તેમાંથી બીજા રંગ બનાવી આપીશ.’ અજય ઘરના રંગોથી ચિત્ર દોરવા લાગ્યો.
સ્પર્ધાના દિવસે બધા બાળકો રંગીન પેન્સિલ અને વોટર કલર સાથે આવ્યા. અજયએ પોતાના ઘરેલું રંગો લઈને ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. તેણે એક દૃશ્ય દોર્યું – ખેડૂત, જમીન અને ઉગતી સૂર્યકિરણો. તેના ચિત્રમાં એક અલગ જ જીવંતતા હતી. કુદરતી રંગોની ખુશ્બુ ચિત્રમાંથી જ અનુભવાતી હતી.
જજોએ જ્યારે પરિણામ જાહેર કર્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું. પ્રથમ ઇનામ અજયને મળ્યું. જે બધા બાળકોએ તેની મજાક ઉડાવી હતી, તેઓ હવે તેને અભિનંદન આપતા હતા. પ્રિન્સિપાલે કહ્યું, “બેટા, તારા રંગો ઘરે બનાવેલા હતાં પણ તારો જુસ્સો અમૂલ્ય અને કળા અવર્ણનીય છે. તે આજે સાબિત કર્યું છે કે સાચી સફળતા પૈસાથી નહીં, પરંતુ હઠ અને મહેનતથી મળે છે. જ્યાં ચાહ હોય છે ત્યાં રાહ મળે જ છે.”
આ ઘટના પછી અજયનો આત્મવિશ્વાસ વધ્યો. તેણે ચિત્રકળાને જ જીવનનું ધ્યેય બનાવ્યું. વર્ષો બાદ તે પ્રસિદ્ધ ચિત્રકાર બન્યો અને પોતાના ગામમાં બાળકોને મફતમાં ચિત્રકળા શીખવતો રહ્યો. જીવનમાં પરિસ્થિતિ ભલે કઠિન હોય, સંસાધનો ઓછા હોય, પરંતુ જો મનમાં ચાહ, મહેનત અને હઠ હોય તો સફળતા ચોક્કસ મળે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.