Comments

સમાજ મરી પરવાર્યો હોય ત્યાં શિક્ષકો આત્મહત્યા કરે અને શિક્ષણ નોંધારું રડે

એક શિક્ષકે આત્મહત્યા કરી છે અને ચાર શિક્ષકો કામના ભારણથી હાર્ટએટેકનો ભોગ બન્યા છે. આ જ સમયે ગુજરાતમાં લાલો ફિલ્મ ચાલી રહી છે જેમાં કૃષ્ણ તેના મિત્ર લાલાને કહે છે કે હું તને મદદ કરીશ. કામ તો તારે જ કરવું પડશે. શિક્ષક મિત્રો, આજે જ એક પત્ર લખો ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી ને કે ચૂંટણીની તમામ કામગીરી ફરજીયાત તે સાચી વાત પણ જીવવું તે અમારો બંધારણે આપેલો મૌલિક અધિકાર છે.

પહેલાં ચૂંટણી દર પાંચ વર્ષે આવતી હતી એટલે કામ પણ પાંચ વર્ષે આવતું હતું. હવે ચૂંટણી અંગેનાં તમામ કામ કાયમી થઇ ગયાં છે. વળી ચૂંટણીઓ પણ સતત ચાલ્યા કરે છે અને બુથ લેવલ ઓફિસરની કામગીરી વ્યાપક અને ઝીણવટભરી છે. તમે આ માટે કાયમી સ્ટાફની ભરતી કરો. આપણે આ કોલમમાં અગાઉ લખ્યું હતું કે ચૂંટણી પંચ પાસે અધિકારીઓ છે પણ કર્મચારીઓ નથી. તે તો રાજ્યના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ પાસે જ ચૂંટણીની કામગીરી કરાવે છે. વળી વર્ષો પહેલાં ભારતમાં ખાનગીકરણ નહોતું એટલે માત્ર સરકારી ક્ષેત્ર હતું. તેનાં કર્મચારીઓ હતાં વસ્તી ઓછી હતી.કર્મચારીઓ વધારે હતા.

હવે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. સરકારી કર્મચારીઓની ભરતી ઓછી થાય છે. વસ્તી વધતી ગઈ છે અને ખાનગી ક્ષેત્રમાં ખૂબ કામ કરનારાં લોકો છે. વળી દેશમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથા ચાલે જ છે તો ચૂંટણી પંચ મોટે પાયે કોન્ટ્રાકટ કે આઉટ સોર્સીન્ગથી કોઈ કંપનીને કામ આપે તો લાખો યુવાનોને કામ મળી શકે. વળી આ બધા જ કોમ્પ્યુટરના જાણકાર અને નવી ટેકનોલોજીથી સજ્જ હશે. જો આધાર કાર્ડનું કામ ખાનગી એજન્સી કે આઉટ સોર્સિંગનાં કર્મચારીઓથી થઇ શકે તો ચૂંટણીનું કામ કેમ ના થઇ શકે?

શિક્ષકો જાગો અને સૌ પ્રથમ તમારા ભાજપમાં કે કોંગ્રેસના આગેવાનોને મળો અને કહો કે તમારા ધારાસભ્યો, સંસદ સભ્યોને લેખિતમાં આવેદન આપે કે શિક્ષકોને શિક્ષણ સિવાયના કામમાંથી મુક્તિ મળે અને વસ્તીગણતરી , ચૂંટણીની કામગીરી, પોલીયોનાં ટીપાં પીવડાવવાં કે સરકારી રેલીઓમાં લોકો ભેગાં કરવાં જેવાં અનેક કામો માટે એક ખાસ ફોર્સની રચના કરે.  આ લોકશાહી દેશ છે. બળાપા કરવાથી કાંઈ નહિ થાય, લેખિત કરવું પડશે. સ્થાનિક નેતાથી માંડીને દેશના પ્રધાન મંત્રી સુધી આ વાત પહોંચાડો કે મૂળ પ્રશ્ન કામનો નથી.

મૂળ પ્રશ્ન અધિકારીઓની દાદાગીરીનો છે. ચૂંટણીની કામગીરી ફરજીયાતના નામે મામલતદાર કચેરીના નાના નાના અધિકારીઓ રાત્રે મેસેજ કરે અને ફરજીયાત આવવું પડશે તેવું કહે તે ગેરબંધારણીય છે. માત્ર ચૂંટણીના દિવસે જ આ અબાધિત સત્તાઓ છે. જેમ ચૂંટણી કામગીરીના નિયમો છે તેમ માનવ અધિકારોના પણ નિયમો છે. પણ બોલવું પડશે . બાકી મીમ્સ ફેરવવાથી કે વોટ્સેપ મેસેજ ફેરવવાથી કંઈ ના થાય અને આ સમાજ પાસે કોઈ આશા પણ ના રખાય. અહીં મોરબીનો પુલ તૂટ્યો કે રાજકોટમાં અગ્નિ કાંડ થયો કે અમદાવાદમાં પ્લેન તૂટી પડ્યું .. કોઈનું રુંવાડુંય ફરક્યું નથી. સરકારી સ્કૂલોમાં શિક્ષકો હોય કે ના હોય, આ ઉચ્ચ મધ્યમ વર્ગનાં લોકોને કાંઈ પડી નથી. ત્યાં ગરીબોનાં બાળકોનું શિક્ષણ બગડે છે.

તેમના ખાનગી સ્કૂલમાં ભણતાં બાળકોનું કાંઈ બગડતું નથી. અહીં રાજ્સ્થાનમાં એક હિન્દુને એક મુસલમાન મારી નાખે તેની રેલીઓ કાઢનારાં આયોજનો ખૂબ થાય પણ સમાજની સંવેદના મરી જાય ને તેની ચિંતા કોઈને થાય તેમ નથી. યાદ રાખો, તકવાદીઓ આતંકવાદીઓ જેવા જ હોય છે. વોટની જરૂર પડશે એટલે તમારા શિક્ષકમંડળના આગેવાનો શિક્ષક સંઘના નેતાઓ આવી જશે. જો તેમણે તમારી જરાકે ચિંતા હોય તો તેમણે આ સ્થિતિની ચૂંટણી પંચને જાણ કરવી જોઈએ. કેન્દ્ર સરકારને જાણ કરવી જોઈએ. આ કાંઈ ના ઉકલે એવી સમસ્યા નથી. જો ૩૭૦ રદ થઇ શકતી હોય, તો ચૂંટણી પંચ માટે કર્મચારીઓની ભરતી પણ થઇ જ શકે .

દેશમાં અનેક મોટી કંપનીઓ સર્વિસ પ્રોવાઈડ કરે છે. જો પાસપોર્ટની કામગીરી આપી શકાય , જો વિઝા એપ્લીકેશનની ચકાસણીની કામગીરી આપી શકાય, જો આધાર કાર્ડ પાન કાર્ડની કામગીરી આપી શકાય, ૧૦૮ સેવાના કોન્ટ્રાકટ આપી શકાય, બધે જ સિક્યુરીટી સર્વિસ અને સ્વચ્છતાના કોન્ટ્રાકટ આપી શકાય  તો ચૂંટણીની  કામગીરી પણ કોઈ સર્વિસ પ્રોવાઈડરને આપી શકાય. જરૂર છે જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં રજૂઆત કરવાની . બાકી રામ બોલો ભાઈ રામ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top