આવતીકાલે શનિવારે તા. 6 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જનનો દિવસ છે. બાપ્પાના વિસર્જન માટે તંત્રએ આગોતરી તૈયારીઓ કરી રાખી હતી, પરંતુ કુદરત સામે ફરી એકવાર તંત્ર લાચાર બન્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી ઉભરાઈ છે અને તેને પગલે કિનારા પરના કૃત્રિમ તળાવ પર પાણી ફરી વળ્યા છે. તેથી હવે બાપ્પાની પ્રતિમાનું વિસર્જન ક્યાં કરવું તે પ્રશ્ન ઉભો થયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાના લીધે ઉકાઈ ડેમમાં ઈનફ્લો 2 લાખ ક્યૂસેકને વટાવી ગયો હોઈ ડેમમાંથી દોઢ લાખ ક્યૂસેક કરતા વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું, જેના પગલે તાપી નદી ઉભરાઈ છે અને પરિણામે તાપી કિનારે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ ડુબી ગયા છે, જેથી પાલિકાના તંત્ર સામે હવે બાપ્પાની નાની મૂર્તિઓના વિસર્જન માટે નવેસરથી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રશ્ન ઉભો થયો છે.
સેન્ટ્રલ ઝોનના એડિશનલ સીટી ઈજનેર ધર્મેશ ભગવાકરે કહ્યું કે, ગુરુવારે મોડી રાત્રિથી તાપી નદીના પાણી કૃત્રિમ તળાવમાં ભરાવાના શરૂ થયા હતા. આજે સવારે કૃત્રિમ તળાવ ડૂબી ગયા હોવાનું ચિત્ર ઉભું થયું છે. હવે અમારી સામે ગણેશ વિસર્જન માટેની વૈકલ્પિક તૈયારીઓ ઉભી કરવાનો ટાસ્ક ઉભો થયો છે, જે માટે પ્લાનિંગ શરૂ કરી દેવાયું છે.
સૌ પ્રથમ તો અમારો પ્રયત્ન એ જ રહેશે કે પાણીનું લેવલ ઘટી જાય અને કૃત્રિમ તળાવને ફરી એકવાર વિસર્જનની કામગીરી માટે તૈયાર કરીએ. જો પાણીનું લેવલ નહીં ઘટે તો કૃત્રિમ તળાવના સમાંતર અપર લેવલના રોડનો ઉપયોગ કરીશું. તેના પરથી જ મૂર્તિઓનું સાંકેતિક વિસર્જન કરી ત્યાર બાદ હજીરાના ઓવારા પર મૂર્તિઓનું સંપૂર્ણ વિસર્જન કરી શકાય. પ્લાન બીની પણ તંત્ર તૈયારી કરી રહ્યું છે.
ઉકાઈ ડેમમાં ઈનફ્લો આંશિક ઘટ્યો, પણ આઉટફ્લો યથાવત
ગઈકાલે તા. 4 સપ્ટેમ્બરે ઉકાઈ ડેમમાં ઈનફ્લો 2.34 લાખ ક્યૂસેક પર પહોંચી હતી, જેના લીધે ડેમમાંથી 1.62 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જોકે આજે તા. 5 સપ્ટેમ્બરે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં મહ્દઅંશે ઘટાડો નોંધાયો છે.
તા. 5 સપ્ટેમ્બરને બપોરે 2 કલાકે ઉકાઈ ડેમમાં ઈનફ્લો 1,79,068 ક્યૂસેક નોંધાયો છે, ગઈકાલ કરતા ઓછો છે. જોકે, ડેમમાંથી સતત 1.63 લાખ ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ રાખી ડેમની સપાટી રૂલ લેવલથી નીચે જાળવવાનો પ્રયાસ ઉકાઈના તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેથી તાપી નદીની સપાટી ઘટે તેવી કોઈ શક્યતા જણાતી નથી.