તહેવારોની મોસમમાં ધૂમ ખરીદી થતી હોય છે, ત્યારે ખરીદી કરનાર ભાવતાલ પણ કરે તે સ્વાભાવિક છે. પરંતુ જ્યાં ભાવતાલ કરવો જોઈએ ત્યાં ખરેખર ભાવતાલ થતો નથી અને જ્યાં ખરેખર ન કરવો જોઈએ ત્યાં ભાવતાલ થાય છે. ફૂટપાથ પર પાથરણાં પાથરીને સિઝનલ ધંધો કરતા પાથરણાવાળા, લારી લઈને આવતા શાકભાજીવાળા, માથે ટોપલો લઈ ફરતાં ફેરિયાઓ, આ બધા સાથે ઘણાં લોકો ભાવતાલ કરી લે છે અને થોડાક પૈસા ઓછા કરાવીને આત્મસંતોષ માને છે. જ્યારે આ જ લોકો કોઈ મોટા મોલમાં કે રેસ્ટોરન્ટમાં જાય ત્યારે ત્યાં કોઈ ભાવતાલ કર્યા વગર ફિક્સ પ્રાઇસ આપી દેશે.
ભાવતાલ ન કરવા સંબંધે એક વાત વધારે નોંધપાત્ર લાગી કે બ્યુટી પાર્લર અને સલૂનમાં જનાર લોકો ક્યારેય ભાવતાલ પૂછે છે ખરા? ખરેખર તો સલૂનમાં પણ ભાવ પત્રક લખાવું જોઈએ, બ્યુટીપાર્લરમાં પણ ભાવ પત્રક લખાવું જોઈએ. એ લોકો જાહેરાત આપતા હોય છે ત્યારે એમની સેવામાં ભાવઘટાડો અથવા એક સેવા પર બીજી સેવા મફત મળશે આવું બધું લખતા હોય છે, પણ ખરેખર જ્યારે તમે ગ્રાહક તરીકે બ્યુટી પાર્લર કે સલૂનમાં સેવા લો છો ત્યારે ખરેખર તમને વધારાની સેવા ફ્રીમાં મળે છે ખરી? તમારા વાળ કાપ્યા પછી પછી એ કહેશે કે કલર કરી દઉં? એટલે તમે હા પાડી દો. કલરના કેટલાં રૂપિયા થશે એવું પૂછતાં નથી.
બ્યુટીપાર્લરમાં બહેનો આઈબ્રો કરાવવા જાય અને બ્યુટિશિયનની વાતોમાં આવીને ફેશિયલ પણ કરાવી આવે છે. વળી એની જે માંગે તે કિંમત પણ આપી આવે છે. અહીં ભાવતાલ કરવાનું યાદ જ નથી રહેતું. આવું બીજે બધે પણ થતું હશે. મલ્ટીનેશનલ કંપનીઓ અને વિશ્વબજારીકરણને કારણે આપણે ત્યાં વેપારધંધાઓમાં નાના વેપારીઓ અને ફેરિયાઓનો ખો નીકળી ગયો છે. છૂટક દુકાનો હવે નાછૂટકે ચાલે છે, કારણ કે આપણે ત્યાં ભાવતાલ કરીએ છીએ અને મોટા મોટા શોપિંગ મોલમાં કોઈ ભાવતાલ કરતા નથી. ખરેખર તો ભાવતાલ કરવો અને ક્યાં ભાવતાલ ન કરવો જોઈએ એની સમજ કેળવવા જેવી છે.
સુરત -પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.