છેલ્લાં સાત વર્ષમાં મજૂરો, કામદારો, ગરીબી રેખા નીચે જીવનારાં લોકોમાંથી કેટલાની હાલતમાં સુધારો થયો? શિક્ષણ, આરોગ્ય, રોજગારી,મોંઘવારી બાબતે કેટલો સુધારો થયો? સુધારો થયો કે જે હતું તેમાં બગાડો થયો? આવા અનેક પ્રશ્નો વર્તમાન સરકારની નીતિઓ સામે છે. આમ જનતાને બતાવેલાં સપનાંઓ પૈકી કેટલાં સાચાં પડ્યાં એ ગંભીરતાથી વિચારવું પડે એમ છે. નિમ્ન અને નિમ્ન મધ્યમવર્ગ તો બાપડો વર્ષોથી પીડાતો આવ્યો છે. આ પક્ષની સરકાર કે તે પક્ષની સરકાર હોય, પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં શું અડચણ આવે છે તે જ સમજાતું નથી.
કાશ્મીરની 370 ની કલમની વાત હોય, તીન તલાકની વાત હોય કે લવજેહાદ માટેના કાયદાની વાત હોય, સરકારે અદમ્ય રાજકીય ઇચ્છાશક્તિનો પરિચય કરાવ્યો છે, તો એ શક્તિ આમ જનતાની પીડાઓ દૂર કરવામાં ક્યાં ગાયબ થઈ જાય છે? માત્ર પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવોમાં થયેલા વધારાને જ ધ્યાનમાં લઈએ તો એનાથી મોંઘવારી, ચીજ વસ્તુઓના ભાવવધારા પર વ્યાપક અસરો પડી છે. કોરોનાએ અસંખ્ય રોજગારો છીનવી લીધા છે. ઉપરથી વારંવાર ઝીંકાતા ભાવવધારાએ જીવન મુશ્કેલ બનાવી દીધું છે.
ફિક્સ ડિપોઝિટના વ્યાજના સતત ઘટતા દરોએ વ્યાજની આવક પર જીવતા સિનિયર સિટીઝન્સનું બજેટ બગાડી નાંખ્યું છે. વેપાર-ધંધા તૂટી ગયા છે. એક તરફ હજારો કરોડોના બિનજરૂરી ખર્ચાઓ, તાયફાઓ થાય છે. બીજી તરફ દેશની આર્થિક સ્થિતિ તળિયે જઈ બેઠી છે. પ્રજા પાસે ઝાઝા વિકલ્પો પણ નથી. લાગે છે, લોકશાહીની નબળાઈઓના સૌથી વિકટ તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ.
સુરત – સુનીલ શાહ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.