Comments

સરકારનું ધ્યાન કયાં છે?

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ – એન.ડી.એ. સરકારના બે વારનાં શાસનને અલગ અલગ રીતે જોઇ શકાય છે. પહેલી મુદતમાં આર્થિક સુધારાની ઇચ્છા વ્યકત થતી હતી. બીજી વારે આ ઇચ્છા અન્ય કોઇ કારણે લુપ્ત થતી લાગે છે. ૨૦૧૪ થી ૨૦૧૯ ના પહેલા સમયગાળાને આપણે જોઇએ. એકંદરે ઘરેલુ પેદાશમાં ભારતના હિસ્સાને વધારવાના પ્રયાસો વડાપ્રધાને કર્યા. તે કામ તેમણે તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ શરૂ કરાયેલા મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમથી કર્યું. મેઇક ઇન ઇન્ડિયાનાં ત્રણ ધ્યેય હતાં. એકંદર ઘરેલુ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૬% વધારી ૨૫% કરવો. તેને માટે ઉત્પાદનમાં દર વર્ષે (એકંદર ઘરેલુ ઉત્પાદનમાં વાર્ષિક ૮%ના વૃધ્ધિ દરની સરખામણીમાં) ઘરેલુ ઉત્પાદન વૃધ્ધિ દર ૧૨% કરવો અને ઉત્પાદન ક્ષેત્રમાં ૧૦ કરોડ નોકરીઓ સર્જવી.

બીજું પગલું નોટબંધીનું હતું જેની પાછળનો હેતુ કાળાં નાણાં નાબૂદ કરવા અને સાથોસાથ બનાવટી ચલણ છાપવા પર અને ત્રાસવાદનો અંત લાવવાનો પણ હેતુ હતો. આની જાહેરાત તા. ૮ મી નવેમ્બર, ૨૦૧૬ ના રોજ કરવામાં આવી હતી. ત્યાર પછીના વર્ષમાં તા. ૧ લી જુલાઇ ૨૦૧૭ થી ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ આવ્યો. તેનો ઇરાદો બજાર તરીકે ભારતને એકત્ર કરવાનો અને રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ નજીક લાવવાનો હતો. (વડા પ્રધાન તેને સહકારી સમવાય તંત્ર કહેતા હતા).

સરકારે તો એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે અમે ભારતનું સ્થાન ઊંચે લાવીશું. કારણ કે વ્યાપાર ધંધો કરવા માટેની વિશ્વ બેંકની યાદીમાં ભારતની પરિસ્થિતિ સુધરી હોવાથી અમને પ્રોત્સાહન મળ્યું છે. નીતિ આયોગ ૩૨ પ્રકારના આંકડા પર નજર રાખશે અને ભારતનું સ્થાન કઇ રીતે ઊંચે જાય તે શોધી કાઢશે. આ ક્ષેત્રોમાં શું થયું તેની વ્યાપક માહિતી બહાર આવી છે પણ આપણે તેનો સંક્ષેપ કરી શકીશું કારણ કે તેની ઘણી બધી માહિતી ખુદ સરકારે જ બહાર પાડી છે.

એકંદર ઘરેલુ પેદાશના ક્ષેત્રે ઉત્પાદનનો હિસ્સો ૧૬% થી  ઘટી ૧૩% થયો છે. ૨૦૧૪ પછી વૃધ્ધિ દર નકારાત્મક રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ અડધું થઇ ગયું હતું એમ અશોકા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇકોનોમિક ડેટા એન્ડ એનેલિસીસની માહિતી જણાવે છે અને ઉમેરે છે કે આ રોજગારીની સંખ્યા પાંચ કરોડ પરથી ઘટીને ૨૦૨૨ માં ૨.૩ કરોડ થઇ ગઇ હતી. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર વધુ લોકો ખેતી ક્ષેત્રમાં કામ કરવા ગયા. ૨૦૧૬ માં આવાં લોકોની સંખ્યા ૧૪ કરોડ હતી તે ૨૦૨૧ માં ૧૫ કરોડ થઇ અને માર્ચ ૨૦૨૨ માં આવા લોકોની સંખ્યામાં વધુ ૧.૫ કરોડનો ઉમેરો થયો. આનો અર્થ એ થાય કે ઉત્પાદન ક્ષેત્રની રોજગારીમાં ૨.૩ કરોડનો ઘટાડો થયો અને ખેતીવાડી ક્ષેત્રની રોજગારીમાં ૨.૫ કરોડનો વધારો થયો.

ખેતીવાડીની રોજગારી ઘણી વાર છૂપી બેરોજગારી હોય છે. નોટબંધી અને ગૂડ્‌ઝ એન્ડ સર્વિસ ટેકસ- જી.એસ.ટી.ની નાના અને મધ્યમ ઉદ્યોગો પર માઠી અસર થઇ છે. જાન્યુઆરી ૨૦૧૮ થી જી.એસ.ટી. ના વૃદ્ધિ દરમાં આંત:વિસ્ફોટ થવા માંડયો અને મહામારી આવી ત્યાં સુધીમાં તે દર શૂન્ય પર પહોંચી ગયો હતો. છેલ્લાં બે વર્ષમાં ભારતના અર્થતંત્રમાં ૧.૫% રહ્યો છે પણ મને લાગે છે કે સરકાર અને ખાસ કરીને વડા પ્રધાનને આમાં રસ નથી રહ્યો.

૨૦૧૯ ની ચૂંટણી પછી સરકારે કોઇ મોટી આર્થિક જાહેરાત કરી? સરકારે તો નવો જ માર્ગ પસંદ કર્યો છે. કાશ્મીરને કયારેય બંધારણીય સ્વાયત્તતા હતી નહીં અને તેણે તા. ૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ બંધારણીય સ્વાયત્તતા ગુમાવી. તા. ૩૦ મી જુલાઇ ૨૦૧૯ ના રોજ ત્રણ તલાકને ગુનો જાહેર કરવામાં આવ્યો. ઓગસ્ટ ૨૦૧૭ માં સુપ્રીમ કોર્ટે તેને અમાન્ય ઠરાવ્યા હતા. તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ નાગરિકતા સુધારા ધારા પસાર કરવામાં આવ્યો હતો. તા. બીજી ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ સરકારે કોઇ વ્યકિત કાંઇ સૂચિત ત્રાસવાદી સંગઠનનો સભ્ય હોય કે ન હોય, તેને ત્રાસવાદી જાહેર કરવાનો કાયદાકીય સુધારો જાહેર કર્યો.

તા. ૯ મી નવેમ્બર, ૨૦૧૯ ના રોજ હિંદુઓની તરફેણમાં અયોધ્યાનો ચુકાદો આવ્યો, તે જ સમયગાળામાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત તથા દિલ્હી ભારતીય જનતા પક્ષના પોલીસ દળે કોઇ પણ જાતના ખટલા કે યોગ્ય પ્રક્રિયા વગર મોટે ભાગે મુસલમાનોની માલિકીનાં મકાનો બુલડોઝરથી તોડી પાડવાની કામગીરી કરી. હરિયાણાએ સ્થળાંતરિત કાયદાઓને જુમ્માની નમાઝ માટે જાહેરમાં એકત્ર થવાની ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ આપેલ પરવાનગી પાછી ખેંચી લીધી. માંસ, ઇંડા વગેરેનો ખાસ કરીને નવરાત્રિમાં વેચાણ પર કે મંદિર પાસે ધંધો કરવાના પ્રતિબંધ સાથે હિજાબનો પ્રતિબંધ ઉમેરાયો.

વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પક્ષ સાથે સંકળાયેલાં જૂથો દ્વારા ખ્રિસ્તીઓ પર થતા હુમલામાં વધારો થયો અને તેની સંખ્યા ૨૦૧૪ માં ૧૨૭ હતી તે ૨૦૨૧ માં ૪૮૬ થઇ. આ સમયગાળામાં સાત રાજયોએ મુસ્લિમો અને હિંદુ વચ્ચેના લગ્નને ગુનો ગણ્યો. ૨૦૧૪ ની પહેલી મુદતમાં ભારતીય જનતા પક્ષનું શાસન આવું કરતું ન હતું. લાગે છે કે તેણે આર્થિક બાબતો પરથી સામાજિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે વડા પ્રધાન એકંદર ઘરેલુ ઉત્પાદનમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો વધારવાની વાત નથી કરતા. આપણી બેરોજગારીનું પ્રમાણ ૨૦૧૯ પછી ૬%ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. ભારતીય જનતા પક્ષ આર્થિક ક્ષેત્રે નિષ્ફળ ગયો છે પણ સામાજિક તાણાવાણા અને સંવાદિતાના ક્ષેત્રે પોતાને જે જોઇએ છે તે સિધ્ધ કરવામાં સફળ થયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top