ભારતીય ટીમે એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. ગિલની કેપ્ટનશીપમાં ભારતે વિદેશી ધરતી પર રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત મેળવીને વિશ્વ ક્રિકેટને આશ્ચર્યચકિત કરી દીધું.
તમને જણાવી દઈએ કે ટેસ્ટ મેચ પહેલા એક અંગ્રેજ પત્રકારે પણ એક પ્રેસ કોન્ફરન્સમાં એજબેસ્ટનમાં ભારતના નિરાશાજનક ઇતિહાસ તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે ટીમ આ મેદાન પર એક પણ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં જ્યારે ભારતે ઇતિહાસ રચ્યો ત્યારે કેપ્ટન શુભમન ગિલ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો અને તે પત્રકારની મજાક ઉડાવતો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઐતિહાસિક વિજય હાંસલ કર્યા પછી જ્યારે ગિલ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો ત્યારે તેની નજર એ જ પત્રકારને શોધી રહી હતી જેણે મેચ પહેલાની પ્રેસ મીટ દરમિયાન તેને કડવા આંકડા રજૂ કર્યા હતા. ગિલે મીડિયા કોન્ફરન્સ દરમિયાન પત્રકારને ટ્રોલ કરતા કહ્યું, હું મારા પ્રિય પત્રકારને જોઈ શકતો નથી. તે ક્યાં છે? હું તેને જોવા માંગતો હતો.
તેમણે વધુમાં કહ્યું, મેં ટેસ્ટ મેચ પહેલા પણ કહ્યું હતું કે હું ઇતિહાસ અને આંકડાઓમાં માનતો નથી. છેલ્લાં 56 વર્ષોમાં અમે 9 મેચ રમ્યા છે. અલગ અલગ ટીમો અહીં આવી છે. મારું માનવું છે કે અમે ઇંગ્લેન્ડ આવવા માટે શ્રેષ્ઠ ટીમ છીએ અને અમારી પાસે તેમને હરાવવાની અને અહીંથી શ્રેણી જીતવાની ક્ષમતા છે. જો આપણે યોગ્ય નિર્ણયો લેતા રહીશું અને લડતા રહીશું, તો મને લાગે છે કે આ એક યાદગાર શ્રેણી હશે.
કેપ્ટન ગિલે પોતાના બોલરોની ખૂબ પ્રશંસા કરી. કેપ્ટન ગિલે કહ્યું, અમારા બોલરો શાનદાર હતા. અમે ગમે ત્યાં 20 વિકેટ લેવા સક્ષમ છીએ. બંને છેડેથી – સિરાજ, આકાશ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ નાની તકો પર વિકેટ લઈને અમને જીતવામાં મદદ કરી. આ જ ફરક પાડે છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે.