Columns

સ્વર્ગ ક્યાં છે?

એક ગામમાં એક શાહુકાર રહે. તેણે જીવનભર ગરીબ લોકોને ઉધાર આપી તેમની મહેનતની કમાણી વ્યાજ પેટે લઈને તેમનું શોષણ કર્યું. જીવનભર કરેલા આ પાપને કારણે તે જીવનના અંત સમયે બીમાર પડ્યો અને અતિશય પીડા ભોગવી રહ્યો હતો.તેનો જીવ પણ જતો ન હતો અને કોઈ દવા પણ કારગત થતી ન હતી અને વેદના વધતી જ જતી હતી. શાહુકારની પત્ની એક સંત પાસે ગઈ અને તેમને વિનંતી કરી કે ‘બાપજી, મારા પતિની પીડામુક્તિનો કોઈ માર્ગ બતાવો.’ સંત બોલ્યા, ‘તારા પતિએ જીવનભર ગરીબોના નિસાસા લીધા છે.

તે બધા ગરીબોને બોલાવી માફી માંગો અને તેમાંથી જો કોઈ સ્વર્ગની માટી લઈ આવી શાહુકારના માથે તિલક કરે તો તેની પીડાનું શમન થશે.’ શાહુકારની પત્નીએ મુનિમજીને કહીને ગામમાંથી જે જે ગરીબોને ઉધાર આપી શોષણ કર્યું હતું તે બધાને બોલાવ્યા.પોતે બધાની માફી માંગી અને શાહુકારે પણ માંડ માંડ હાથ જોડી માફી માંગી.પણ હવે સંતે બતાવેલ બીજા રસ્તાની વાત હતી. શેઠાણીએ સંતે જણાવેલ વાત બધાની સમક્ષ જણાવતાં કહ્યું કે, ‘સંતશ્રીએ જણાવ્યું છે તમારામાંથી કોઈ સ્વર્ગની માટી લઇ આવી આમને તિલક કરશે તો તેમની પીડા ઓછી થશે.’ બધાને નવાઈ લાગી અને બધા હસતા હસતા કાનાફૂસી કરવા લાગ્યા કે ‘સ્વર્ગ ક્યાં છે તેની કોને ખબર છે? કે ત્યાં જઈને કોણ પાછું આવ્યું છે કે માટી લઈને આવીને આ પાપી શાહુકારને તિલક કરે?

આ શાહુકારની પીડા ઓછી થવાની જ નથી. ત્યાં તો એક નાના બાળકે ત્યાં ઊભેલા પોતાનાં ગરીબ ખેડૂત માતા-પિતાનાં ચરણોની માટી લઈને શાહુકારના કપાળે તિલક કર્યું અને તરત જ શાહુકારની પીડા ઓછી થવા લાગી. બધાને નવાઈ લાગી. બધાએ તેને પૂછ્યું, ‘છોકરા તેં કઈ માટી લગાવી? કયાંથી લાવ્યો તું સ્વર્ગની માટી?’ છોકરાએ કહ્યું, ‘શાળામાં મને શિક્ષકે ગઈ કાલે જ શીખવ્યું હતું કે માતા પિતાનાં ચરણોમાં સ્વર્ગ હોય છે અને આમની પીડા ઓછી કરવા સ્વર્ગની માટીનું તિલક કરવાનું હતું એટલે મેં તો મારાં માતા-પિતાનાં ચરણોની ધૂળ શાહુકારના માથે લગાડી અને જુઓ, તેમની પીડા ઓછી પણ થઈ.’ નાનકડા બાળકના ભોળા ભાવે મોટાંઓને શીખ આપી કે માતા-પિતાનાં ચરણોમાં સ્વર્ગ છે તે ભૂલવું નહિ. અને શાહુકારની પીડા ગરીબ ખેડૂત દંપતીનાં ચરણોની ધૂળ માથે લગાડવા બાદ ઓછી થઈ તે જણાવે છે કે ઈશ્વર સમક્ષ બધા એક છે અને જીવનમાં અન્યને દુઃખ પહોંચાડવાનું પાપ ક્યારેય કરવું નહિ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top