Charchapatra

ગાંધી કયાં?

બીજી ઓકટોબરે દેશ ગાંધીને યાદ કરશે. આપણે બધા જ ગાંધીદ્રોહી છીએ. ગાંધીને માનનારા પણ અને ન માનનારા પણ! ગાંધી આપણે માટે હવે વ્યકિત પણ નથી. છે તો કદાચ વસ્તુ કે રોડ, કોઇ શહેર ગાંધીરોડ વગરનું નથી ને કોઇ રોડ પર ગાંધી નથી. તે કેવી કરુણતા! એ સારી વાત છે કે ગાંધી પ્રતીકરૂપે સચવાય. તેમનાં ચશ્માં સચવાય કે ઘડિયાળ સચવાય. તેનો આનંદ જ હોય. પણ ગાંધી તરફ આપણી કોઇ સંવેદના ખરેખર છે ખરી? ગાંધીજીની ચંપલ તે ગાંધીજી નથી. ગાંધીજીની ઘડિયાળ તે ગાંધીજી નથી. તેનો થાળી-વાટકો તે ગાંધીજી નથી. ગાંધીજી વસ્તુ નથી.  વ્યકિત છે. હવે તો વ્યકિત યે નથી. વિચાર છે. આ વિચાર આચારમાં કેટલો? એ ગાંધીનો વિચાર છે કે સંસદમાં કરોડોની નોટોનો  ઢગલો થાય? જેઓ ક્રિમીનલનો છે, ગુનેગાર છે તે સાંસદ અને પ્રધાન બને?

કોઇ પણ સિદ્ધાંતવિહોણા પક્ષો બહુમતી સિધ્ધ કરવા ગમે તેની સાથે નાતરું કરે એ ગાંધીનો આદર્શ છે? ભ્રષ્ટાચાર સાથે ભરપૂર રાજકારણ ગાંધીએ સૂચવેલો માર્ગ છે? તો દેશમાં ગાંધી કયાં છે? વસ્તુમાં નથી. આચારમાં છે. વિચારમાં છે. પ્રેમમાં છે. ગાંધી એ.કે. ૪૭ કે એન્કાઉન્ટરમાં નથી. અહિંસામાં છે. આ અહિંસા વસ્તુ નથી. કાયરતા શસ્ત્ર લઇને આવે ત્યારે તો હિંસા છે. બહાદુરી શસ્ત્ર ત્યજીને આવે તે અહિંસા છે. શસ્ત્રો કૌરવો ને જોઇએ – કૃષ્ણને નહીં. એક મોહનથી બીજા મોહન સુધી આપણે ઘણું ગુમાવ્યું છે, છતાં બંને મોહન વિના ચાલવાનું નથી. પ્રતીકો – પૂતળા જે ગાંધીને સૂચવતાં હોય તે બધાં જ નાશ પામશે પછી પણ ગાંધી જીવી જશે. વ્યકિત ગાંધીને ગોળીએ દઇ શકીએ,  વિચાર ગાંધીને કઇ રીતે વીંધી શકે?
વ્યારા    – બાબુભાઇ દરજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top