Comments

ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો

પક્ષી આદિકાળથી મનુષ્યનું પ્રિય રહ્યું છે. નાનકડું, નિર્દોષ અને નાજુક જણાતું પક્ષી ખાસ કશો ઉપદ્રવ કરતું નથી. ઘણાં પક્ષીઓ આંગણે, સીમમાં તેમજ વગડામાં આવતાં રહે છે. આને કારણે પોતાના મનની અનેક લાગણીઓ કવિઓ પક્ષી થકી વ્યક્ત કરતા આવ્યા છે. અલબત્ત, મનુષ્યની એ પ્રકૃતિ રહી છે કે તે જેને ધિક્કારે એનું નિકંદન કાઢી નાખે, પણ જેને પ્રેમ કરે એનોય સફાયો કરી દે. ‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો’જેવી પંક્તિઓ ચકલીનું માનવ સાથે સદીઓ જૂના સહઅસ્તિત્વનું પ્રતિબિંબ છે. એક સમયે ઘરઆંગણે પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી આ ચકલીઓની સંખ્યા ઘણાં વરસોથી ચિંતાજનક રીતે ઘટી રહી છે. પણ આ હકીકત કેવળ ચકલીઓને જ લાગુ નથી પડતી. અનેક પક્ષીઓની સંખ્યા વિવિધ કારણોસર ઘટી રહી હોવાનું જણાયું છે.

સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્ઝ રિપોર્ટ ઑગષ્ટ, ૨૦૨૩ના છેલ્લા સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યો. બૉમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટી, ‘વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા, ઝૂલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, વર્લ્ડવાઈડ ફન્ડ ફોર નેચર જેવાં પ્રતિષ્ઠિત સરકારી અને બિનસરકારી મળીને કુલ તેર સંગઠનોના સંયુક્ત પ્રયાસના પરિણામસ્વરૂપ આ અહેવાલ આપણા દેશનાં મુખ્ય પક્ષીઓની પ્રજાતિની જાળવણીનું મૂલ્યાંકન દર્શાવે છે. વૈજ્ઞાનિક ઢબે કરાયેલી સર્વેક્ષણ પદ્ધતિ અનુસાર તૈયાર થતો આ અહેવાલ નિષ્ણાતો અને સામાન્ય માણસો માટે એક આધારભૂત માર્ગદર્શિકા બની રહે છે.

આ વખતના અહેવાલમાં એવી અનેક બાબતો ઉજાગર થઈ છે જે ચિંતાજનક છે. અલબત્ત, એ અણધારી નથી, કેમ કે, અગાઉના અહેવાલોમાં વિશ્વભરમાં પક્ષીઓની સંખ્યા ઘટી રહી હોવાનું જણાવાયું છે. અહેવાલ અનુસાર, કુલ ભારતમાં જોવા મળતી પક્ષીઓની ૩૩૮ પ્રજાતિઓમાંથી ૬૦ ટકા પ્રજાતિની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૯ ટકા પ્રજાતિની સંખ્યા સ્થિર છે, જ્યારે ૧૧ ટકા પ્રજાતિની સંખ્યામાં વધારો થયો છે. આ ૩૩૮ પ્રજાતિઓનો અભ્યાસ લાંબા ગાળાથી થઈ રહ્યો છે. તેની સરખામણીએ, પ્રવર્તમાન સમયમાં અભ્યાસ કરાયો હોય એવી ૩૫૯ પક્ષીઓની પ્રજાતિ પૈકી ૩૯ ટકા પ્રજાતિઓ ઘટી છે.

૧૮ ટકા પ્રજાતિઓની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે, જ્યારે ૫૩ ટકા પ્રજાતિઓની સંખ્યા સ્થિર છે. આમ, સમગ્રપણે જોતાં ઘટી રહેલી પ્રજાતિઓની સંખ્યા વધી રહેલી પ્રજાતિઓની સંખ્યાની સરખામણીએ અનેકગણી વધુ છે. ખાસ કરીને આર્દ્રભૂમિ, વર્ષાવન, ઘાસિયા ભૂમિ વગેરે જેવાં વિશિષ્ટ અને મર્યાદિત સ્થળોએ વસવાટ કરતાં વિશેષ પક્ષીઓની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. તેમની સરખામણીએ વૃક્ષો, બગીચા કે ખેતર જેવા વધુ વિસ્તાર ધરાવતા પ્રદેશોમાં વસવાટ કરતાં સામાન્ય પક્ષીઓની સંખ્યામાં ખાસ ફેરફાર નથી જણાયો.

આમ થવાનું કારણ આ બન્ને પ્રકારનાં પક્ષીઓની પ્રકૃતિ છે. વિશેષ પક્ષીઓના આવાસ સંકોચાવા લાગે ત્યારે તેમને ટકી રહેવું મુશ્કેલ પડે છે, જ્યારે સામાન્ય પક્ષીઓ નવા પર્યાવરણમાં પ્રમાણમાં સહેલાઈથી અનુકૂલન સાધી લે છે. ઘાસિયા ભૂમિ પરનાં તેમજ ઘણાં યાયાવર પક્ષીઓ તથા પશ્ચિમ ઘાટમાં જોવા મળતાં સામાન્ય પક્ષીઓની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થયો છે. સામાન્ય પક્ષીઓની ૨૩૨ પ્રજાતિઓ પૈકી ઘણાં વર્ષાવનના રહેવાસી છે અને તેમની સંખ્યા સતત ઘટી રહી છે.

ખાસ કરીને પૃષ્ઠવંશી સજીવો તથા મૃત સજીવોના માંસ પર નભનારાં પક્ષીઓની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો થયો છે. ગીધ ૯૫ ટકા લુપ્તતાને આરે પહોંચી ગયાં છે. ઘણાં કીટકભક્ષી પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે. અહેવાલ અનુસાર, સમગ્રપણે જોઈએ તો ૧૪૨ પ્રજાતિઓની સંખ્યા ઘટી રહી છે, તેની સરખામણીએ ૨૮ પ્રજાતિઓની સંખ્યા વધી રહી છે. શું કારણ છે આ પ્રજાતિમાં થઈ રહેલા ઘટાડાનું? પક્ષીઓના આવાસ તેમજ ખોરાકના સ્રોત સંકોચાવા, જળવાયુ પરિવર્તન, અમુક રોગો તેમજ શહેરીકરણને મુખ્ય પરિબળ ગણાવાયાં છે. એવું જાણવા મળ્યું છે કે શહેરીકરણને લઈને પક્ષીઓનું એકરૂપીકરણ થાય છે, એટલે કે એકસમાન પ્રજાતિનાં પક્ષીઓ જ વસવાટ કરતાં થાય છે. એ પણ હકીકત છે કે સંવર્ધનના પ્રયાસ મુખ્યત્વે વાઘ, સિંહ, ચિત્તા જેવાં મોટાં અને તરત નજરે પડતાં પ્રાણીઓ માટે જ થાય છે. પક્ષીઓના સંવર્ધન તરફ ખાસ ધ્યાન રખાતું નથી.

હકીકતે પક્ષીઓ માનવજીવનનાં અભિન્ન અંગ છે. પરાગરજના વહનથી લઈને સફાઈ સુધીનાં અનેક કામ થકી તેઓ માનવ માટે ઉપયોગી છે. પક્ષીઓ બે પગવાળા ડાયનોસોરના વિશિષ્ટ પ્રકારના પેટાજૂથ છે, જે સૂચવે છે કે તેમણે અનેક રૂપાંતરો થકી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. હવે માનવજાતની દખલથી તેમના અસ્તિત્વ પર જોખમ તોળાવાનો આરંભ થયો છે.

પક્ષીઓની વિવિધ પ્રજાતિના સંવર્ધન માટે વિવિધ પગલાં સૂચવાયેલાં છે. એ મુજબ, તેમના આવાસની જાળવણી અથવા પુનઃસ્થાપન, આરક્ષિત વિસ્તાર ઊભા કરવા અને તેનું વ્યવસ્થાપન, પ્રદૂષણમાં ઘટાડો, જળવાયુ પરિવર્તનની અસરમાં ઘટાડો, માનવજાતની દખલને મર્યાદિત કરવી વગેરે છે. આ ભલામણો વાંચીને જ ખ્યાલ આવી જાય કે એ કાગળ પર રહેવા જ સર્જાઈ છે. જોશભેર ચાલી રહેલાં વિકાસનાં કામોમાં માનવજીવન પ્રત્યેની નિસ્બત પણ કોરાણે મૂકાઈ જતી હોય ત્યાં પક્ષીઓના અસ્તિત્વની ફિકર કોણ કરે? એવું નથી કે આ વલણ કેવળ આપણા દેશ પૂરતું સીમિત છે. વિશ્વભરમાં પક્ષીઓની મોટા ભાગની પ્રજાતિની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કેમ કે, વિકાસની દોટ વિશ્વભરમાં ચાલી રહી છે, જેનો છેડો આવે એમ લાગતું નથી. આશ્વાસન એટલું કે આવા અભ્યાસ થાય ત્યારે ખબર તો પડે છે કે અધઃપતનની ગતિ કેટલી છે!
(શીર્ષક પંક્તિઃ કલાપિ) – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top