નડિયાદ: ખેડાના કલોલી ગામમાં ગેરકાયદેસર ધમધમતાં 70 જેટલાં ઈંટોના ભઠ્ઠામાં દરરોજ હજારોની સંખ્યામાં ઈંટો પાડવામાં આવે છે. ભઠ્ઠામાં ઈંટો બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી, કોના દ્વારા અને કેટલા પ્રમાણમાં લાવવામાં આવે છે ? તેની વિસ્તૃત તપાસ કરવામાં આવે માંગણી ઊઠી છે. કલોલી ગામમાં 70 કરતાં વધુ ઈંટોના ભઠ્ઠા આવેલાં રહ્યાં છે. જે પૈકી માત્ર બે-ત્રણ ઈંટોના ભઠ્ઠાની જ મંજુરી લેવામાં આવી છે. જ્યારે બાકીના ઈંટોના ભઠ્ઠા ગેરકાયદેસર ધમધમી રહ્યાં છે. તેમ છતાં આવા ગેરકાયદેસર ધમધમતાં ઈંટોના ભઠ્ઠા સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં ન હોવાથી જાગૃત નાગરિકોએ આ મામલે કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હતી.
જેને પગલે કલેક્ટરે આવા ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યો હતો. જેથી સ્થાનિક તંત્રને નાછુટકે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા માત્ર 18 જેટલાં જ ઈંટોના ભઠ્ઠામાં તપાસ તેમજ કાર્યવાહી કરી સંતોષ માનવામાં આવ્યો હતો. જેને પગલે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યાં હતાં અને બાકીના ઈંટોના ભઠ્ઠામાં પણ તપાસ કરવાની માંગ પણ પ્રબળ બની હતી. જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગેરકાયદેસર ધમધમતાં ઈંટોના ભઠ્ઠામાં દરરોજ હજારોની સંખ્યામાં ઈંટો પાડવા માટે વપરાતી માટી સહિતનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવે છે ?, કોના દ્વારા લાવવામાં આવે છે ? તેની પણ તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલામાં હજુ અનેક પોપડા ઉખડી શકે તેમ છે.