સાત માર્ચ, 2017, વહેલી સવારે પચાસથી સાઇઠ હજાર લોકોએ તાપી શુદ્ધિકરણ માટે ‘રન ફોર તાપી’નું આયોજન કરીને પૂર્ણ કર્યું પછી ઘરે જઇને સુઇ ગયા જે હજુ સુતાને સુતા જ છે! છેલ્લા સાત વર્ષથી તાપી શુદ્ધિકરણ માટે બજેટમાં ૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા. દર વર્ષે તાપી માતાની સાલગીરીના દિવસે વીસથી પચ્ચીસ ભાજપનાં મતલબીઓ અને તાપીસમિતિના મેમ્બરો ભેગા થઇને આરતી-ઘંટારવ કરશે, કિનારા પરથી થોડો કચરો ભેગો કરશે, અખબારો માટે ફોટા પડાવશે, પછી તાપી માતા કી જય? બોલીને ઘરે જઇ સુઇ જશે. પ્રજાના પૈસે નાના – મોટા તમાશા કરી, ધર્મ અને કોમનાં નામે પ્રજાને મૂર્ખ કેવી રીતે બનાવવી એ મોદીનાં લોહીમાં હતું.
એજ ડી.એન.એ. ના તેમનાં પક્ષના નેતા અને કાર્યકર્તાઓમાં જોવા મળે છે! તાપીનું શુદ્ધિકરણ થયું નથી, સુરત સ્માર્ટ સીટી બની નથી શહેરને મફત ઇન્ટરનેટ સેવા આપી ન શકયા, અંડરગ્રાઉન્ડ કચરાપેટી બનાવી ન શકયા. હજારો લાખ કરોડના એમ.ઓ.યુ., વાઇબ્રન્ટ ગુજરાતનું પરિણામ શૂન્ય, ભ્રષ્ટાચાર – ગુનાખોરી અને બળાત્કારમાં ગુજરાત મોખરે છે. આ જ છે ભાજપ અને તેના કર્મચારીઓનું નગ્ન સત્ય? આજે સુરતની જો કોઇ પ્રાથમિક જરૂરિયાત હોય તો તાપી નદીને સાફ કરીને તેની પહોળાઇ, ઊંડાઇ વધારવી, જેથી પાણીનો સંગ્રહ થાય જ અને રેલ જેવી મુસીબતો દૂર રાખી શકાય. પરંતુ દર વર્ષે બજેટમાં નવા – નવા તુકકા મુકી બજેટ ફાળવે જેમાં ભ્રષ્ટાચારનો મેળ પડે તેવા પ્રોજેકટ ચાલુ થાય અને જે પ્રોજેકટ માટે બે વર્ષ ફાળવેલા હોય તો પાંચ વર્ષે એ પ્રોજેકટ જેમ – તેમ પૂરો થાય!
તો ઓ શાસકો જો તાપીનું શુદ્ધિકરણ ન કરી શકતા હો તો તમને કોણ કહે છે શહેરમાં રસ્તાઓ બંધ કરી, લોકોના રહેઠાણો છીનવી લઇ મેટ્રો ટ્રેનનો પ્રોજેકટ શરૂ કરો? રેલ્વે સ્ટેશનનું રિનોવેશન કરી હજારો કરોડનો ધુમાડો કરો, મનફાવે ત્યાં વગર જરૂરિયાતના ઓવરબ્રિજ બનાવો? વોક વે બ્રિજ બનાવો, આખા શહેરને ખાડાથી હેરાન કરી નવી પાણીની લાઇન નાખો? બુર્જ ખલિફા જેવું બિલ્ડીંગ બનાવો? કયાં નાખ્યા એ ૯૦૦ કરોડ જે તાપી શુદ્ધિકરણ માટે બજેટમાં ફાળવ્યા હતા? લોકો કેમ સરકારને સવાલ નથી પૂછતાં?
સુરત – કિરણ સૂર્યાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
બાળકો માટે મોબાઇલ એક અભિશાપ
ટેલિફોનની શોધ ઇ.સ. 1876માં ગ્રેહામ બેલે કરી હતી. સમય પસાર થતો ગયો તેમ તેમ ટેલિફોનમાં પણ પરિવર્તનો આવ્યા. આજે સહુ મોબાઇલ ફોન વાપરે છે. આ મોબાઇલ ફોનને વધુ મનોરંજક બનાવવા માટે તેમાં ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો, ગીતો સાંભળવા ઉપયોગ થવા લાગ્યો. વે તો સ્માર્ટ ફોનનું ચલણ ખૂબ જ વધ્યું છે. ઘણી વ્યકિત પોતાની મહત્વની ફરજો ભૂલીને પણ સ્માર્ટ ફોનને વધારે મહત્વ આપવા લાગી ગયો છે.
હવે તો જુદા જુદા ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુ ટયુબ, ટવીટર વગેરે હાલમાં ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. માહિતીના આદાન પ્રદાન સુધી આ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં વાંધો પણ કશો નથી. પરંતુ જયારે આપણે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવા માટે સમયસર જમતા નથી. સમયસર ઉંઘતા નથી. આખી આખી રાત સુધી વિવિધ પ્રકારની ઇન્ટરનેટ આધારિત ગેમો પબજી, ફ્રી ફાયર રમવામાં કાઢી નાખીએ છીએ. આ બધું જીવનને બરબાદ કરે એવું છે.
આજે તો મોટાથી લઇને નાના બાળકો, યુવાનોમાં મોબાઇલનું ઘેલું લાગ્યું છે. નાની ઉંમરમાં જ બાળક ફોનની જીદ કરી બેસે છે. શારીરિક અને માનસિક વિકાસ થવો જોઇએ એ સમયગાળામાં કૂમળુ ફૂલ જેવુ બાળક મોબાઇલ ફોનના વળગણનો શિકા થઇ જાય છે. પરિણામે લાંબા ગાળે એના શારીરિક તેમજ માનસિક આંખની જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. મેદાનમાં રમાતી રમતો રમતા નથી જેથી તેમનો શારીરિક વિકાસ પણ રુંધાય છે. ઘરના વડીલોએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે નહીંતર ભાવિ પેઢીને નબળી પાડીશું.
કરવલી – વૈભવી વિરમભાઇ ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.