નવી દિલ્હી(NewDelhi) : દિલ્હી દારૂ કૌભાંડમાં (Delhi Liquor Scam) ધરપકડ (Arrest) કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) પત્ની સુનીતા કેજરીવાલે (Sunita Kejriwal મોટો દાવો કરતા કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ 28 માર્ચે આખા દેશને જણાવશે કે આ કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા છે?
સુનીતા કેજરીવાલે કહ્યું કે કથિત દારૂ કૌભાંડની તપાસમાં EDએ છેલ્લા બે વર્ષમાં 250 થી વધુ દરોડા પાડ્યા છે. અરવિંદ કેજરીવાલ પાસે આ કથિત દારૂ કૌભાંડના રૂપિયા શોધી રહ્યા છે. અત્યાર સુધીના દરોડામાં એક પણ રૂપિયો ઈડીને મળ્યો નથી. EDએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા. પરંતુ એક પણ રૂપિયો મળ્યો નથી.
સુનિતા કેજરીવાલે વધુમાં કહ્યું કે EDએ અમારા ઘરે પણ દરોડા પાડ્યા. તેમને માત્ર 75,000 રૂપિયા મળ્યા. તો આ કૌભાંડના પૈસા ક્યાં છે? અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ 28 માર્ચે કોર્ટ સમક્ષ આ વાતનો ખુલાસો કરશે. તેઓ આખા દેશને સત્ય કહેશે કે આ કહેવાતા દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે? તેના પુરાવા પણ આપવામાં આવશે.
કેજરીવાલે કોર્ટને કહ્યું, શું મારી યાદશક્તિ કમજોર હોય તો…
દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કેસની આજે બુધવારે તા. 27 માર્ચે હાઈકોર્ટમાં રજૂ કરાયા હતા. હાઈકોર્ટમાં તેમના કેસ પર સુનાવણી થઈ હતી. અરવિંદ કેજરીવાલ તરફથી 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
કેજરીવાલે કોર્ટને કહ્યું કે, સમગ્ર કેસમાં મારી ભૂમિકા સ્પષ્ટ નથી. ED કહે છે કે મેં સહકાર નથી આપ્યો. એજન્સી સતત ‘અસહયોગ’ શબ્દનો દુરુપયોગ કરે છે. શું હું એમ કહું કે મને કંઈ યાદ નથી. મારી યાદશક્તિ નબળી છે, તો શું તે ધરપકડનો આધાર બનશે?”
અરવિંદ કેજરીવાલે કોર્ટને કહ્યું, “શું ચૂંટણી પહેલા મારી ધરપકડ જરૂરી હતી? હું ક્યાંય ભાગી જવાનો નહોતો. મેં કહ્યું કે મને પ્રશ્નો આપો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની ઓફર કરવામાં આવી. હવે ધરપકડ કર્યા પછી તેઓ કહે છે કે હું પુરાવા સાથે ચેડા કરી રહ્યો છું. જો આવું હોય તો હું તે પહેલા ન કરી શક્યો હોત. હકીકતમાં, ધરપકડની કોઈ જરૂર નહોતી.”
કેજરીવાલની ધરપકડ બંધારણ વિરુદ્ધ છે
વરિષ્ઠ વકીલ સિંઘવીએ કહ્યું કે આ ધરપકડ બંધારણની વિરુદ્ધ છે. આ કાર્યવાહી મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. ચૂંટણી પહેલા એક સીએમની ધરપકડ કરવામાં આવી હતી. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી એ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. પ્રચાર કરવાનું બંધ કર્યું. સીએમની પણ ધરપકડ થઈ શકે છે પરંતુ સવાલ એ ધરપકડના સમયનો છે.
તમે કયા મુદ્દા પર ઊલટતપાસ કરવા માંગો છો?
હાઈકોર્ટના જજે કહ્યું, “હું સમજવા માંગુ છું કે શું દલીલ થઈ રહી છે. સવારે મેં કહ્યું હતું કે મુખ્ય બાબત (ધરપકડની પડકાર) પર નોટિસ જારી કરવામાં આવશે અને અમારે તેની વિગતવાર સુનાવણી કરવી પડશે. ત્યારે આવતીકાલે રિમાન્ડ પૂરા થતા હોવાનું જણાવાયું હતું. કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે બંને બાબતોનું પરિણામ માત્ર એક જ હશે – મને આજે જ વચગાળાના જામીન પર મુક્ત કરો. ધરપકડ અને રિમાન્ડ બંને ખોટા છે. પછી ન્યાયાધીશે કહ્યું કે મારે બીજી બાજુ પણ સાંભળવી પડશે.