Business

તુ છૂપી હૈ કહાં યે બતા…

કથામાં સર્વ પ્રથમ વાર ચીનના એક રાજકારણી સેકસકાંડમાં સંડોવાયા છે એવી વાત બહાર આવી છે. બીજાં રાષ્ટ્રોની જેમ અહીં પણ અનેક પ્રકારનાં કૌભાંડ થતાં રહે છે પણ આવી વાત ક્યારેય પ્રગટ નથી થઈ. એક જમાનામાં આપણા પાડોશી સામ્યવાદી ચીનની ઓળખ ‘લોખંડી પરદા પાછળ છુપાયેલા’ દેશ તરીકે થતી. ત્યાં ક્યા ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે એનો અણસાર સુધ્ધાં એ વખતની મહાસત્તા સોવિયટ રશિયા અને અમેરિકાને પણ આવતો નહીં. કાળક્રમે લાલ ચીન એ રહસ્યમય ઓઝલમાંથી બહાર આવતું ગયું ત્યારે દુનિયાને ખ્યાલ આવ્યો કે જેને આપણે ગામઠી-ગમાર-અવિકસિત દેશ ગણતા હતા એ તો એક નવી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે…

 સામ્યવાદી સરકાર હોવા છતાં ત્યાંના સર્વોચ્ચ નેતા-પ્રમુખ શી જિનપિન્ગના નેજા હેઠળ પશ્ચિમના દેશોની સરખામણીએ પણ અત્યારની ચીની યુવાન પેઢી વધુ મૉર્ડન-અતિ આધુનિક અને આર્થિક રીતે વધુ સધ્ધર છે. દુનિયાની નજરે ચીન આજે વધુ મુકત વિચારધારા જરૂર ધરાવે છે પરંતુ અંદરખાનેથી પ્રજાને લોંખડી કબજા હેઠળ રાખે છે.

આમ તો બીજા ફિલ્ડની જેમ રમતગમત વિશ્વ પણ અનેક પ્રકારનાં કૌભાંડ-ભ્રષ્ટાચારથી ખરડાયેલું છે. ભારત સહિતના અનેક નામી ક્રિકેટ ખેલાડીઓ મેચ ફિક્સિંગને લીધે બદનામ થયા છે તો ટાઈગર વુડસ જેવો ગોલ્ફ ગેમનો સૌથી ખમતીધર અને ખ્યાતનામ પ્લેયર 8 થી વધુ લેડી સાથે લફરાં માટે વગોવાયેલો છે. એ જ રીતે ટેનિસ-બૅડમિન્ટનના કેટલાક ખેલાડીઓનાં નામ પણ લવ અફેર્સથી રાજકીય કાવાદાવાને લઈને છાપાં- TVમાં ઉછળ્યાં છે.

આપણે ત્યાં તો 1988માં બૅડમિન્ટનના જાણીતા ખેલાડી સૈયદ મોદી – એની પત્ની અમિતા( જે ખુદ બૅડમિન્ટનની નામી ખેલાડી હતી) અને ઉત્તર પ્રદેશના પ્રખ્યાત રાજકારણી સંજય સિંહનો કિસ્સો તો લાંબા સમય સુધી ગાજતો રહ્યો હતો. સૈયદ એક સવારે લખનૌના સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરવા નીકળ્યો ત્યારે કેટલીક અજ્ઞાન વ્યક્તિઓ દ્વારા રોડ પર દિન-દહાડે એની હત્યા થઈ પછી એ કેસમાં સંજયસિંહ અને અમિતાની પ્રેમકહાણી બહાર આવી. પાછળથી એ કેસમાં સંજ્ય અને અમિતા પુરાવાના અભાવે છૂટી ગયાં પણ સમય જતાં બન્ને પરણી પણ ગયાં. આ કિસ્સાએ ત્યારે દેશભરમાં એવી ચકચાર જગાડી હતી કે દેવ આનંદે એ કિસ્સા પર આધારિત ‘સૌ કરોડ’ નામની ફિલ્મ પણ બનાવી હતી….

સૈયદ-અમિતા મોદી-સંજ્ય સિંહના લવ-લફરાં જેવી જ એક ઘટના હમણાં ચીનમાં થઈ. સામાન્ય રીતે આવી ઘટનાની વિગત ચીનમાં બહાર આવતી નથી પરંતુ આ વખતે એક કિસ્સાએ ચીનમાં ભારે ઊહાપોહ જગાડ્યો છે. અહીં અલબત્ત, કોઈની હત્યા નથી થઈ પણ આ કહાણીના મુખ્ય પાત્ર જેવી ચીનની આગવી ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ રાતોરાત ‘અલોપ’ થઈ ગઈ પછી એણે કોઈ અજ્ઞાત સ્થળેથી બહુ ચોંકાવનારા આક્ષપો કર્યા છે. પેંગ શુઆઈ કહે છે કે ચીનના ભૂતપૂર્વ ઉપ-વડાપ્રધાન ઝહાંગ ગાઓલીએ એનું જાતીય શોષણ કર્યું હતું.

ત્રણ વર્ષ પહેલાં એની અનિચ્છા-ઈનકાર-વિરોધ હોવા છતાં એની સાથે દેહસંબંધ બાંધ્યો હતો અને આવું વારંવાર થતું રહ્યું…. આવા આક્ષેપોથી સહેજે છે કે બધે ખળભળાટ મચી જાય કારણ કે ચીનમાં આવું પહેલી વાર થયું છે કે સામ્યવાદી પક્ષના કોઈ જાણીતા નેતા વિરુધ્ધ આવી વાત બહાર આવી હોય અને એ પણ દેશની કોઈ નામી મહિલા ખેલાડી તરફથી. ડબલ્સની આ પંકાયેલી ટેનિસ ખેલાડી પેંગ શુઆઈ વિમ્બલ્ડન – ફ્રેન્ચ ઓપન જેવી 23થી વધુ આંતરરાષ્ટ્રીય લેવલની મેચ રમી છે-અમુક તો જીતી પણ છે. આમ એનો ટ્રેક રેકોર્ડ એવો પ્રભાવશાળી રહ્યો છે કે એની આ વાત-આક્ષેપો ગંભીરતાથી લેવાં પડે.

પેંગ શુઆઈના આ ‘મી ટુ’ પ્રકારના યૌન શોષણના આરોપથી ચીન ઉપરાંત અન્ય દેશોના રમતગમત ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અન્ય દેશોના જાણીતા ટેનિસ ખેલાડીઓએ લાપતા પેંગ શુઆઈ વિશે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરીને એની ક્ષેમકુશળતા વિશે ચીન સરકારને પુછાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ અધિકાર કચેરીએ પણ ચીન સરકારને પૂછયું છે: ‘પેંગ શુઆઈ ક્યાં છે? એની લૅટેસ્ટ સમાચાર-વિગતો અમને પહોંચાડો.’

આ વિવાદની ભભૂકી જતી આગ જાણે ઠારવી હોય તેમ આ બધા વચ્ચે ચીની સરકારના પ્રસાર માધ્યમ અને સોશ્યલ મીડિયા એપ ‘વિબો’ પર ટેનિસ ખેલાડી પેંગ શુઆઈના નામે એક E-mail વહેતો થયો હતો કે ‘મારું યૌન શોષણ થયું છે’ એવા આક્ષેપ સાચા નથી. બાકી મારા પ્રશંસકોને એટલું જ કહેવાનું કે હું જ્યાં પણ છું ત્યાં સુરક્ષિત છું…. મારી ચિંતા ન કરશો!’ એ પછી પેંગ શુઆઈએ કોઈ રેસ્ટોરન્ટમાં બેસીને પોતાના જ આક્ષેપો નકારતી એક પછી એક ત્રણ વીડિયો ક્લિપ પણ અપલિન્ક કરી હતી. આના કારણે જબરો વિરોધાભાસ સર્જાયો હતો. ‘આ વીડિયો ક્લિપ હંબગ છે’

એવો વિરોધ થતા તાત્કાલિક પેંગ શુઆઈની વીડિયો ચીનની સરકારે દૂર કરવા પડ્યા… ચીની સોશ્યલ મીડિયા પર થતી ચર્ચાને સેન્સર કરતા રહેવી અને આ ઘટના વિશે હવે ચીની સરકારે સેવી લીધેલું મૌન પણ ટેનિસ સ્ટારની લાપતા ઘટનાને ગૂંચવીને વધુ ભેદી બનાવે છે….  આ બધી ધમાલ અને વાદ-વિવાદ વચ્ચે ‘વિમેન્સ ટેનિસ એસોસિયેશન’ (WTA)એ ખરા અર્થમાં આકરું વલણ લીધું છે. આકરા શબ્દોમાં ચીનની સરકારને કહ્યું છે કે અમને તમારી આવી વીડિયો પર જરા પણ વિશ્વાસ નથી. …પેંગ શુઆઈ એકદમ સુરક્ષિત છે એવા પુરાવા આપો …આવી માંગણી સાથે આ મહિલા ટેનિસ એસોસિયેશને ચીન તથા હોંગકોંગમાં દર વર્ષે રમાતી આવી 10 ટુર્નામેન્ટ રદ કરી છે. આના કારણે આ આયોજક-પ્રાયોજ્કોએ લાખો ડોલરની નુક્સાની સહન કરવી પડશે પણ મહિલા ખેલાડીઓની આ સંસ્થા કહે છે : ‘નુકસાનીની રકમ તો અમે આજે નહીં તો આવતી કાલે વસૂલ કરી લેશું પણ અમારી ખેલાડી એનાં માન -સન્માન સાથે સુરક્ષિત પણ રહે એ વધુ જરૂરી છે…’ જોઈએ, ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ ક્ષેમકુશળ પરત આવે છે કે પછી લોખંડી પડદા પાછળની ચીનની દીવાલો વચ્ચે એક વધુ રહસ્ય ઓંગળી જશે….

Most Popular

To Top