Charchapatra

કાપડ ઉધોગમાં મૂળ સુરતીઓ કયાં?

સુરતમાં શાંતિપ્રિય લોકો રહેતા હતા. સુરત એટલે કખગઘનું સુરત. મૂળ સુરતીઓનો વ્યવસાય કાપડ ઉદ્યોગ હતો. ખાસ કરીને ખત્રી સમાજનું કાપડમાં વર્ચસ્વ હતું. ખત્રીઓનાં લુમ્સ ખાતાઓ અને ડાઇંગ મિલો ધમધમતી હતી. આજથી ૫૪ વરસ પહેલાં સુરત ટેક્સટાઇલ માર્કેટનું નિર્માણ મૂળ સુરતીઓ એ જ કર્યું હતું. કોટ વિસ્તારમાં, કોટ બહાર કાપડ ઉદ્યોગનાં વિકાસમાં સુરતીઓનું યોગદાન રહ્યું છે. કાપડ ઉધોગ લઘુ ઉદ્યોગની વ્યાખ્યામાં આવે છે.

સુરતમાં ૧૨-૨૪ લુમ્સ ચાલી શકે એવી સેકડો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બની હતી. નાનાપાયે કાપડ બનાવી સુરતીઓ આર્થિક રીતે પગભર થયા હતા અને કાપડ ઉદ્યોગમાં કામદારોને રોજગારી પુરી પાડતા હતા. સમયાંતરે કાપડ ઉદ્યોગમાં સુરત બહાર પ્રાંત પ્રદેશના લોકો આવ્યા અને સુરતમાં સ્થાયી થયા. આજે કાપડ ઉદ્યોગમાં મૂળ સુરતીઓની હિસ્સેદારી નોંધપાત્ર રહી નથી. આજે કાપડ ઉદ્યોગમાં નફાનું પ્રમાણ ઘટતા મૂળ સુરતીઓ એ કાપડનાં લુમ્સ વેચી ખાતા ભાડે આપી દીધા છે.

આજે લઘુઉદ્યોગ તરીકે ઓળખાતો કાપડ ઉદ્યોગ મરણ પથારી જેવા સંજોગોમાં છે જે એક ચિંતાનો વિષય છે. સૌને આવકાર આપનાર મૂળ સુરતી સમાજ વ્યાપારમાં પાછળ પડી ગયો છે. આજે કાપડ ઉદ્યોગના પુનર્જન્મ માંટે સરકારી સહાય અને મદદની જરૂર છે જેની રજુઆત સુરતી નેતાઓ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં કરવી જોઈએ. આજે મૂળ સુરતીઓ વસ્તીની દ્રષ્ટિએ ભલે લઘુમતીમાં હોય પણ સુરતના વિકાસમાં તેઓનું જે યોગદાન રહ્યું છે તે કોઈ પણ સંજોગોમાં ભુલી શકાય નહિ. શાંતિપ્રિય મૂળ સુરતી વેપારી લોકો વિકાસના વંટોળમાં વેરવિખેર થઈ ગયા છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top