દીવાળીની જોરશોરમાં ઉજવણી સાથે જ એકબીજાના ઘરે જવાની પરંપરા પણ કેટલાંક ઘરોમાં જળવાઈ રહી છે. આપણા દેશમાં ‘અતિથિ દેવો ભવ’ની પરંપરા બહુ જૂની છે. જેનો અર્થ છે મહેમાન ભગવાન સમાન છે. પણ હવેની ભાગદોડભરી લાઇફસ્ટાઇલમાં કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેમને તથા તમને અગવડ ન પડે અને સાથે જ તમારું તથા તેમનું પરિવાર તહેવાર એન્જોય કરી શકે. જો આ વખતે તમે પણ કોઈના ઘરે મહેમાનો બનીને જવાના હોવ તો આજે અમે તમને જણાવીશું કેટલીક ટિપ્સ, જેનાથી તમારા યજમાન તમને બીજી વાર આવવા માટે ચોકકસ આમંત્રણ આપ્યા વિના રહી શકશે નહીં.
અગાઉથી જાણ કરો
તમે જેના ઘરે મહેમાન બનીને જઈ રહ્યાં છો એ ભલે તમારા જ શહેરમાં રહેતા હોય પણ તેમના ઘરે જતાં પહેલાં એક ફોન જરૂર કરી લેવો જોઈએ. જેથી એ વ્યક્તિ હાજર છે કે નહીં તેમ જ એને અનુકૂળતા છે કે નહીં તે જાણી શકાય અને જો તમે બહારગામ જઈ રહ્યાં હો તો તો અગાઉથી કાર્યક્ર્મ નક્કી કરીને જ જવું જોઈએ કારણ કે, યજમાનને પણ તમારા ખાવાપીવાથી લઈને રહેવાની વ્યવસ્થાની તૈયારી માટે સમય જોઈશે.
ખાલી હાથે ન જાઓ
મહેમાનને સાચવવાની જવાબદારી ભલે યજમાનની હોય પણ તમે પણ જ્યારે કોઈના ઘરે જઈ રહ્યા છો તો તમારા બજેટને અનુરૂપ કોઈ ભેટ જરૂર લઈને જાઓ. એમાં તમારા શહેરની કોઈ ખાસ વાનગી પણ હોઇ શકે છે અથવા તો તેમને કામ લાગે એવું કે બાળકો માટે કંઈક લઈને જાઓ તો વસ્તુ ભલે નાની હશે તો પણ તમારી વ્યવહારિકતાની સારી છાપ પડશે.
જરૂર પૂરતો સામાન લઈને જાઓ
તમે કોઈના ઘરે 2-3 દિવસ માટે જઈ રહ્યાં હો તો તે માટે જરૂરી કપડાં તો લઈને જ જાઓ, સાથે જ ટુવાલ તથા ટૂથબ્રશ જેવી વસ્તુ પણ ન ભૂલો. જો તમે એવું વિચારતા હો કે યજમાન જ તમામ સગવડ કરીને આપે તો એવો આગ્રહ ન રાખો. જો વાત તમારા અંગત સંબંધીની હોય અને તેમની સાથે આત્મીય સંબંધ હોય અને તેમને કોઈ વાંધો ન હોય તો તમે એમની વસ્તુઓ યુઝ કરી શકો છો.જો કે સાથે એટલો સામાન પણ લઈને ન જાઓ કે ખાસ કરીને નાની જગ્યા હોય તો ત્યાં મૂકવાની અગવડ ન પડે. આ ઉપરાંત તમે બદલેલાં કપડાં આમતેમ નહિ ફેંકતા ગડી વાળીને વ્યવસ્થિત તમારી બેગમાં જ મૂકો અને અન્ય સામાન પણ રૂમમાં આમતેમ પસારીને નહીં મૂકો. જેથી સાફસફાઈ કરવામાં સરળતા રહે.
કામમાં મદદ કરો
જેના ઘરે તમે મહેમાન બનીને ગયાં છો એમના ઘરે જો ઘરકામ કે રસોઈ માટે કોઈને રાખવામાં આવ્યા હોય તો વાંધો નથી પરંતુ જો યજમાનના ઘરે બધું કામ જાતે જ કરવામાં આવતું હોય તો તમારે પણ બેસી ન રહેતા નાનામોટા કામમાં મદદ કરવી જોઈએ જેથી યજમાનને પણ સારું લાગશે અને આત્મીયતા પણ વધશે. ઘણી મહિલાઓ એવું વિચારે છે કે પિયરમાં જઈએ એટલે ફક્ત આરામ જ કરવાનો, પણ સામે તમારાં ભાભી કે મમ્મીને કામ કરવામાં મદદ કરશો તો વાતો કરતાં કરતાં સમય પસાર થઈ જશે અને તમે બધાં જલ્દી ફ્રી થઈને આરામ કે બીજું કોઈ પ્લાનિંગ પણ કરી શકશો.
બાળકો સાથે હોય તો
બાળકો હોય એટલે મસ્તી- ધમાલ તો હોવાની જ. પણ બાળકોને કોઈ બીજાના ઘરે લઈને જઈ રહ્યાં છો તો એ ત્યાં કોઈ ચીજવસ્તુને નુકસાન ન પહોંચાડે અને સાથે જ ખાવાપીવામાં નખરાં ન કરે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે ખાસ કરીને અગાઉથી જ એમને સમજાવીને લઈ જાઓ તો વધુ સારું. આ ઉપરાંત જો તમારું બાળક વધુ નાનું હોય તો તેના માટે દૂધની બોટલ, જરૂરી દવા વગેરે જરૂરી સામાન પણ અચૂક લઈ જાઓ. સાથે જ એ પણ જોવું જરૂરી છે કે તમારું બાળક યજમાનનાં બાળકો સાથે ઝઘડો ન કરી બેસે. ને જો આમ થાય તો વાતને સમજાવટથી વાળી લો, નહિતર તમારા સંબંધો ખરાબ થવાની શક્યતા રહેલી છે પણ જો તમારે બાળકો ન હોય અને તમે એવા ઘરે મહેમાનગતિ માણવા ગયા હો જ્યાં બાળકો થોડાં મસ્તીખોર હોય તો એનાથી અકળાઇ ન ઊઠતાં ગુસ્સાને કાબૂમાં રાખો એ જ હિતાવહ છે.
પોતાના ઘર સાથે તુલના ન કરો
જરૂરી નથી કે રિલેશન બરાબરીવાળા સ્ટેટસ ધરાવતા પરિવારો વચ્ચે જ હોય. તમે ભલે ગમે એટલા ઊંચા હોદ્દા પર જોબ કરતાં હો પણ જેના ઘરે મહેમાન બનીને ગયા છો ત્યાં તમારી નોકરી અને ઘરનો રૂઆબ ન બતાવો. સામેવાળી વ્યક્તિ તમારી બરાબરીની હોય તો ઠીક છે પણ જ્યારે તમે કોઇ એવા વ્યક્તિના ઘરે મહેમાન બનીને ગયા હો જેની આર્થિક પરિસ્થિતિ તમારાથી નબળી હોય તો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમારા બોલવાથી ક્યાંક એમને ખોટું ના લાગી જાય અને એવી માંગણી પણ ન કરો જે યજમાન માટે બોજારૂપ હોય. ઘણા લોકોને ટેવ હોય છે કે અમારા ઘરમાં તો ખાવાપીવા માટે આવું જ જોઈએ, એસી વગર તો ચાલે જ નહીં, વગેરે. તમે ત્યાં કાયમ માટે રહેવા નથી ગયા જેથી યજમાનને ઠેસ લાગે એવી બડાઈ મારવાનું ટાળો.
ખાવાપીવામાં ધ્યાન રાખો
કોઈના ઘરે જાઓ અને જો ત્યાં કોઈ વસ્તુ નહીં ભાવતી હોય એવી બની હોય તો તરત અણગમો વ્યક્ત ન કરો, સાથે જ બીજી વાનગીઓ પણ હશે જ, તેનાથી કામ ચલાવી લો. પણ જો તમને ભાવતી વસ્તુ બનાવી હોય તો પણ ખાવા પર તૂટી ન પડો. સાથે જ તમે જ્યારે યજમાન સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ બનાવો ત્યારે ભલે તમે મહેમાન હો પણ પોતાના તરફથી પણ ટ્રીટ આપો જેથી બધો બોજો યજમાનના ખિસ્સા પર નહીં પડે.