૨૧ મી ફેબ્રુઆરીનો દિવસ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આજકાલ આપણાંમાંના કેટલાં વ્યક્તિઓ આપણી માતૃભાષા ગુજરાતીને પ્રેમ કરીએ છીએ? દિવસે દિવસે આપણાં ગુજરાતી લોકોનો સાહિત્ય પ્રેમ અને દિલમાંથી ગુજરાતી ભાષા દૂર થતી જાય છે. હવે આપણાંમાંના મોટાભાગના લોકો પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવા લાગ્યાં છીએ અને વેસ્ટર્ન કલ્ચર અપનાવવા લાગ્યા છીએ. જાતજાતના વિદેશી પર્વો અને તહેવારોને અપનાવીને ઘોંઘાટીયા ડીજેના તાલમાં સડક પર બેરોકટોક ડાન્સ કરીએ છીએ. પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા મોકલીએ છીએ અને ઘરમાં પણ અંગ્રેજી ભાષામાં વાત કરવાનો આગ્રહ રાખીએ છીએ.
હવે જે ખમતીધર પરિવાર છે તે પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા મોકલે એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી એવી વ્યક્તિઓ પણ દેખાદેખીમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા મોકલી આપે છે. જે ગુજરાતી ભાષાને અન્ય ભાષાની સમકક્ષ લાવવા માટે ખાસ કરીને કવિ નર્મદ, પ્રેમાનંદ, કે.કા.શાસ્ત્રી તથા કનૈયાલાલ મુનશી જેવા ધુરંધર અને તજજ્ઞ કવિઓ અને સાહિત્ય સ્વામીઓએ જે લડત અને જહેમત ઉઠાવી હતી તે હવે એળે જતી હોય એવું લાગે છે.
અન્ય રાજ્યોમાં વસતાં નાગરિકોને પોતાની માતૃભાષાનું ગૌરવ અને માતૃભાષા પ્રત્યે અત્યંત લગાવ હોય છે, જેનો ગુજરાતીઓમાં અભાવ જોવાં મળે છે. મહારાષ્ટ્રિયન લોકો, બંગાળી લોકો કે સાઉથ ઇન્ડિયન લોકોને પોતાની માતૃભાષા પરત્વે વિશેષ જાગરૂકતા અને લગાવ હોય છે. અરે સાઉથના અમુક મહાનગરમાં વસતાં સાક્ષર નાગરિકો પણ હિન્દી ભાષા જાણતા હોવા છતાં હિન્દીમાં વાત કરતાં નથી અને એમની માતૃભાષામાં વાત કરવાનો આગ્રહ રાખે છે. આપણને આપણી માતૃભાષા, આપણું લોકસાહિત્ય, ગુજરાતી ગઝલો, ગુજરાતી ચલચિત્રો વિગેરેમાં જરાય રસ નથી.
આને આ કારણે જ ગુજરાતી ભાષાનું સ્તર અન્ય ભાષાઓ કરતાં કમતર બનતું જાય છે.શાળા કોલેજોમાં પણ વ્યવસ્થિત રીતે ગુજરાતી ભાષા શિખવવામાં આવતી નથી. ખરેખર તો આપણને આપણી માતૃભાષા વિશેનું ગૌરવ અને માન હોવું જ જોઈએ. જેમ આપણે આપણી જન્મદાત્રી માતાને ત્યજી શકતાં નથી એવી રીતે આપણે આપણી માતૃભાષાને ત્યજવી જોઈએ નહીં. જમાના અને હરિફાઈના સંજોગોને આધીન ભલે તમે તમારાં સંતાનોને ઈંગ્લીશ મિડીયમમાં ભણવા મોકલો પરંતુ એમને ગુજરાતી ભાષા વિશે સમજાવો અને ઘરમાં તો ગુજરાતી ભાષા બોલવાની પ્રથા પાડશો તો થોડે ઘણે અંશે આપણી માતૃભાષા ગુજરાતી ટકી શકશે અન્યથા આપણે આપણાં જ પ્રાંતમાં ગુજરાતી ભાષાથી વંચિત રહી જઈશું એમાં શંકાને સ્થાન નથી.
હાલોલ – યોગેશભાઈ આર જોષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દીક્ષા કરતાં દાંપત્યજીવનની દીક્ષા મોક્ષદાયી
પાછો વિચાર પ્રગટ કરીયે છીયે. વર્ષો પહેલા પ્રગટ કરેલો હું પણ સામાન્ય માનવી છું. એટલે આવા વિચાર મગજમાં આવી શકે. વાત છે દીક્ષાની જૈન સમાજમાં બાળકોથી લઈ વૃદ્ધો પણ દીક્ષાના આગ્રહી રહે છે. ભગવાન મહાવીર સ્વામિ 72 વર્ષના આયુ દરમિયાન એક રાજકુમાર – પતિ-પિતા-પુત્ર રહી સામાજિક જીવન જીવેલા. પરંતુ માતા-પિતાને દુ:ખ ન પહોંચે એ હેતુથી એમના અવસાન પછી જ દીક્ષાના પંથે ચાલેલા સમાજ અને માનવ જીવનના કલ્યાણ માટે પરંતુ આજે તો જૈનોમાં જાણે દીક્ષા લેવી એટલે જ જીવનમોક્ષ. એમાં જૈનોની વસ્તી આમપણ લઘુમતિમાં જ છે. વધારે ઓછી થઈ રહી છે. સમાજમાં જીવનના સાંસારિક ધર્મમાં રહીને પણ સારા કામો કરી મોક્ષ તો મળે જ છે.
માતા-પિતા બાળકોને (તેજસ્વી) ભણાવી ને પગભર અને એક સારો નાગરિક -માનવ બનવાની પ્રેરણા આપી તેને સક્ષમ કરે છે. એજ બાળક (યુવાન) સમય જતાં દીક્ષા લેવાનો વિચાર કરી માથે મુંડન – કઠીન તપ – ઉપવાસ – સંસારના ભોગ વિલાસ છોડી ટાઢ-તાપમાં – વરસાદમાં પગરખાં વગર પોતાના પરજ હિંસા કરે છે. અહિંસાના પાઠ તો મહાવીર ભગવાને શીખવેલા પણ જાત પર પણ માથાના વાળ તોડી તોડીને મુંડન કરાવી જીવવું એ જાત પર હિંસા જ કહેવાય. માતા-પિતા તમારા ડોકટર એન્જિનિયર વકીલ, શિક્ષક, વિજ્ઞાની કે અન્ય ક્ષેત્રના તેજસ્વી બાળકોને દીક્ષા લેવા કરતાં સમાજમાં રહીને જ સંસારમાં- પ્રભુતામાં પગલાં પાડીને જીવવાનું – સેવા કરવાનું કહી પ્રેરણાં આપો. જૈનોની વસ્તીમાં વૃદ્ધિ થશે આ મારો નમ્ર મત છે.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.