હમણાં આઈપીએલની મેચો રમાઈ રહી છે અને ત્યારે જ ઉર્વશી રૌતેલાની ‘જેએનયુ….’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે એટલે લોકો ઋષભ પંત સાથે ઉર્વશી ડેટ કરી રહી છે એ વાતને ચગાવી રહ્યા છે. જો કે બેમાંથી કોઈએ ક્યારેય કહ્યું નથી કે તેઓ એકબીજાના પ્રેમમાં છે. હા, 2022માં પંતનો કાર અકસ્માત થયેલો ત્યારે ઉર્વશી અને તેની મમ્મી ઋષભને મળવા હોસ્પિટલમાં ગયેલા. ઋષભ આઈપીએલ રમવા પાછો ફર્યો છે અને ઉર્વશી તેની ફિલ્મથી પાછી ફરી છે. તે ‘જેએનયુ’ જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ વિશે વાત કરવા તૈયાર છે, પણ ઋષભ સાથે ક્યારે પરણીશ એમ પૂછો તો જવાબ આપશે, ‘નો કોમેન્ટ!’ ફિલ્મ અને ક્રિકેટની લોકપ્રિયતા ભેગી કરવાનું મિડિયાને ગમે છે. જ્યારે વર્લ્ડ કપ ચાલતો હતો ત્યારે સચિન તેંડુલકરની દીકરી સારા અને ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવાની ચર્ચા સતત થતી હતી. હવે ઉર્વશી-ઋષભની સ્ટોરી છે. ઉર્વશી હમણાં તેની ‘જેએનયુ…’ની સફળતા ઈચ્છે છે કારણ કે તેમાં તેણે જૂદી જ ભૂમિકા કરી છે. તે જે પ્રકારની ફિલ્મોમાં કામ કરતી આવી છે તેવી આ ફિલ્મ નથી. એક અર્થમાં તેના પોતાના માટે પણ આ જૂદો અનુભવ છે. ‘સીંઘ સાબ ધ ગ્રેટ’ માં તે સની દેઓલ સાથે આવી હતી. ત્યાર પછી તે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘હેટ સ્ટોરી’, ‘પાગલપંતી’ વગેરે ફિલ્મો તો મનોરંજક હતી પણ હવે તે બદલાઈ રહી છે એવું કદાચ લાગશે. જો કે એવું નથી. તે શરૂથી જ જેટલી સફળતાની ઇચ્છા રાખતી હતી તેવી સફળ થઈ નથી. સની સાથે પહેલી ફિલ્મ કરવી પણ ખોટી હતી. તેણે ટાઈગર, રણબીર કપૂર, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, શાહીદ કપૂર વગેરે સાથે ફિલ્મ કરવી જોઈતી હતી. તેણે પહેલી ફિલ્મ પછી સાવ વલ્ગર કોમેડીમાં આવી ગઈ. તેણે બગાડેલી ઈમેજ હવે સુધરતી નથી. પણ હવે કદાચ તે પોતાની દિશા બદલશે. તેની પાસે અત્યારે ‘બ્લેક રોઝ’, ‘નોટ યોર બેબી’ જેવી ફિલ્મો છે. એક ઈંગ્લિશ ફિલ્મ ‘કિક બોક્સર’ આર્મગેડોન’ છે. સાઉથની ‘એનબીકે109’ છે, જેમાં તે નંદામુરી બાલકૃષ્ણ, બોબી દેઓલ, દલકીર સલમાન સાથે છે. ‘એનિમલ’ના દિગ્દર્શક સંદીપ રેડ્ડીની આગલી ફિલ્મમાં તે આવશે એવા સમાચાર છે. એટલું જ નહીં સની દેઓલ-સંજય દત્ત સાથે હોલીવુડની ‘એકસ્પેંડેંબલ’ની રિમેક ‘બાપ’માં અને રણદીપ હુડા સાથે ‘ઈન્સ્પેક્ટર અવિનાશ-2’માં પણ આવશે. ઉર્વશી હારીને બેસે એવી નથી. કદાચ તે ઋષભ પંત પાસેથી પણ વળતી લડત આપવાનું શીખી હશે. તે રૂપવાન તો છે જ અને એકાદ બે સફળતા તેના નામ પર પડશે તો લોકો તેની અટક ‘રૌતેલા’ના બદલે ‘હસેલા’ કરી દેશે. •
ઉર્વશી રૌતેલાનીકિસ્મત ક્યારે હસશે?
By
Posted on