ગુજરાતના શિક્ષણ વિભાગમાં જબરું વ્યવસ્થાપન ચાલે છે. અત્યારે સાગમટે બધાં શિક્ષકોની વિષયવાર અધ્યયન નિષ્પત્તિના સંદર્ભે તાલીમ ચાલે છે. જે નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવ્યા છે તે જૂન માસથી શાળાઓમાં ભણાવાય છે, હવે એ પાઠ્યપુસ્તકોને અધ્યયન નિષ્પત્તિ સંદર્ભે કઈ રીતે ભણાવવા તેની તાલીમ આ ઓક્ટોબર માસમાં ચાલી રહી છે. વળી નોંધવા જેવી વાત એ છે કે ઓક્ટોબરની 17 તારીખથી તો સત્રાંત પરીક્ષા શરૂ થવાની છે.
એટલે કે આ આખું એક સત્ર અધ્યયન નિષ્પત્તિની સમજણ કે તાલીમ વગર શિક્ષકોએ ભણાવ્યું. ખરેખર જો આ તાલીમ જરૂરી હોય જ તો પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં પહોંચે તે પહેલા શિક્ષકોને તાલીમ અપાઈ જવી જોઈએ, પરંતુ અહીંયા તો હવે આ પાઠ્યપુસ્તકોમાંથી જ પરીક્ષા લેવાશે કે પાઠ્યપુસ્તકોની હજી શિક્ષકો તાલીમ લઈ રહ્યા છે..! શું ચાલે છે તે સમજાતું નથી, વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને શિક્ષકો બધા તાલીમ લઈ રહ્યા છે તો એમનો અભ્યાસક્રમ કઈ રીતે પૂરો થશે ?
વળી, આ તાલીમમાં પણ જબરૂ મેળાવડાનું વાતાવરણ હોય છે. એક રીતે શિક્ષકોને એકબીજાને મળવાની તક મળે છે. પણ સાથે સાથે તજજ્ઞોનો ત્રાસ પણ વેઠવો પડે છે. કેટલાંકને તો પરાણે તજજ્ઞ બનાવી દેવાયા હોય, જેમને વિષય વસ્તુની પૂરતી સમજણ ન હોય. કેટલીક વખતે તો હવે ચિઠ્ઠી ઉછાળીને તજજ્ઞોની પસંદગી થાય છે અને એમણે તજજ્ઞ તરીકે ફરજિયાત તાલીમ લેવી પડે છે. આવા સંજોગોમાં તાલીમની ફળશ્રુતિ કેટલી ? વળી, તાલીમ દરમિયાન બાયસેગ પરથી ગાંધીનગરના શિક્ષણ વિભાગના સાહેબો પણ દર્શન આપે છે.
એમના પ્રવચન પણ થાય..પણ તાલીમ દરમિયાન એવુંય જોવા મળે છે કે આ પ્રસારણને મ્યુટ કરીને તાલીમાર્થીઓ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હોય છે કારણ કે તજજ્ઞોએ પણ પોતાનો અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય છે. મને સમજાતું નથી કે આવી તાલીમનો અર્થ શો ? વળી આ તાલીમમાં અલ્પાહારનો પણ એક મુદ્દો આવે. કેટલીક જગ્યાએ તો અલ્પાહાર પણ કેન્દ્રીકૃત રીતે વહેંચવામાં આવે, એક જ જગ્યાએથી તૈયાર થયેલો અલ્પાહાર બધા સેન્ટરો પર પહોંચે. આવું બધું કરવા પાછળનો હેતુ શું હોય ? તાલીમો ખર્ચ કરવા માટે છે કે ખરેખર જ્ઞાનનું ઉપાર્જન કરવા માટે એ જ સમજાતું નથી ?
સુરત – પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.