સોમવાર 28મી ઓગસ્ટના ‘ગુજરાતમિત્ર’ અખબારના અનુક્રમે પૃષ્ઠ 5, પૃષ્ઠ 8 અને અંતિમ પૃષ્ઠના સમાચાર વાંચી એક સ્ત્રી તરીકે હૈયું આક્રંદ કરી ઊઠ્યું! સરથાણા, પાંડેસરા અને વાપી બનેલી ઘૃણાસ્પદ ઘટના માટે પ્રશ્ન એ થાય કે સમાજનું નૈતિક પતન કઈ હદ સુધી વ્યાપી રહ્યું છે? વારંવાર અખબારી આલમ દ્વારા દુષ્કર્મના સમાચાર વાંચવા મળે છે! શિક્ષિત ઉદ્યોગપતિ આટલી હલ્કી કક્ષાએ જઈ શકે? જે 13 વર્ષની વયથી ‘સગ્ગા’ પિતા દ્વારા દુષ્કર્મનો ભોગ બનતી હતી! ન કહેવાય ન સહેવાય એવી માનસિક પરિસ્થિતિમાંથી એ પસાર થઈ હશે!
એક પિતા તરીકે શરમ ન આવી! સ્વયંની દીકરી માટે આવો ઘૃણાસ્પદ, હીન વિચાર કરતા? સરથાણામાં પારિવારિક સંબંધનો ગેરલાભ લઈ દુષ્કર્મ આચરી વિડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી ધો.10ની વિદ્યાર્થિનીને ભોગ બનાવાઈ! સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. તો પાંડેસરામાં 2જા ધોરણમાં ભણતી બાળકીને નિશાન બનાવી! આ કેવી વિકૃત માનસિકતા? સદા સ્ત્રીને ઉપભોગનું સાધન જ સમજવાનું? સ્ત્રી તમારી માતા, બહેન, પુત્રી, પ્રેયસી કે પત્ની સ્વરૂપે સંબંધે બંધાતી હોય છે. આ પ્રકારના હીન ઘૃણાસ્પદ કૃત્યો એમની સાથે આચરવામાં આવે તો પુરુષ વર્ગ સહન કરી શકશે? પણ અહીં તો એક કિસ્સામાં પિતા જ ભક્ષક બન્યો? બાપ કે સાપ? સ્ત્રી વિના પુરુષનું અસ્તિત્વ શક્ય છે ખરું?
એ જ સ્ત્રીને માનાર્થે નિહાળવાને બદલે એનું કૌમાર્ય ભંગ કરવાનું દુષ્કૃત્ય આચરવાનું? સમાજમાં આવા ભૂખ્યા વરુઓને ઓળખવાની જરૂર તો છે જ. ક્યારેક નિકટનાં કુટુંબીજનોની દાનત પણ અયોગ્ય હોઈ શકે. અપવાદ સર્વત્ર હોય, પણ મોબાઈલના યુગમાં કંઈ પણ શક્ય બની શકે! પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ પણ જરૂરી. જેથી યુવાનો સ્વયંને ‘‘કાબૂ’’માં રાખી શકે! ઘણી બાબતોમાં પ્રગતિશીલ નિવડ્યા છીએ, પણ સ્ત્રી સન્માનની ભાવનામાં ઘણીવાર ઊણા ઊતર્યા છીએ! પોલીસ ફરિયાદ થાય તો ઘટના પ્રકાશમાં આવે, પણ બદનામીના ડરથી જે કિસ્સામાં ફરિયાદ પોલીસ સમક્ષ ન થતી હશે એવા તો ઘણા કિસ્સા હશે! ‘‘સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ’’? દુષ્કર્મની ફરિયાદ માટે પણ માનસિક હિંમત અતિ આવશ્યક. પ્રભુ આવાં દુષ્કૃત્યો કરનારને સદ્ બુદ્ધિ આપે એવી પ્રાર્થના.
સુરત – નેહા શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.