ભીમરાડ અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં રહેતા 400 પરિવાર બે દિવસથી રિફ્યૂજી જેવી જિંદગી વીતાવા મજબૂર બન્યા છે. આ લોકો ક્યારે પોતાના ઘરે પરત ફરશે તે સવાલ ઉઠી રહ્યો છે, ત્યારે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. આવતીકાલે શનિવારે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘર આંગણે પરત ફરે તેવા સકારાત્મક સંજોગોનું નિર્માણ થયું છે.
શિવ રેસિડેન્સીની બાજુમાં રાજલક્ષ્મી ગ્રુપ દ્વારા એક પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બેઝમેન્ટના ત્રણ લેયર માટે અહીં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે 15 ફૂટ નીચે પાણી મળ્યું હતું, તેના લીધે માટી પોચી થતાં બાજુના શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ અને શેડ મંગળવારની રાતે તૂટી પડ્યા હતા. પંદેરક કારને નુકસાન થયું હતું. આ સાથે શિવ રેસિડેન્સના બાંધકામને પણ નુકસાન થયું હોવાની આશંકા ઉભી થઈ હતી, તેના પગલે પાલિકા દ્વારા બુધવારે શિવ રેસિડેન્સીના મકાનો ખાલી કરાવાયા હતા.
સુરક્ષાના કારણોસર ફ્લેટ ખાલી કરાવાતા 400 પરિવારો રાતોરાત નોંધારા બન્યા હતા. 80 લાખના ફ્લેટના માલિક હોવા છતાં બેઘર થયા હતા. રિફ્યુજીની જેમ જીવવા મજબૂર થયા હતા. રસ્તા પર ભટકવા લાગ્યા હતા. તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા લોકો રોષે ભરાયા હતા. આખરે સ્થિતિની ગંભીરતાને જોતાં મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જાતે ધુરા સંભાળી હતી અને માટી પુરાણ માટે આખી રાત કામ ચાલુ રાખવા આદેશ કર્યા હતા. સુરત મનપાની મશીનરીનો ઉપયોગ કરાયો હતો. મનપાના ટોચના 3 એન્જિનિયરો આખી રાત ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રખાયા હતા.
માટી પુરાણ બાદ મજબૂત કોંક્રીટની દિવાલ ચણી દેવાઈ છે. આ સાથે જ એસવીએનઆઈટીના નિષ્ણાત અધિકારીઓની આગેવાનીમાં ટેક્નિકલ નિરિક્ષણ કરાયું છે. મ્યુ. કમિશનર પોતે દર બે કલાકે રિપોર્ટ મેળવી રહ્યાં છે, તે જોતાં આવતીકાલે શનિવારે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફરી શકે તેવા સંજોગો સર્જાયા છે. છેલ્લા ત્રણ દિવસથી અનિશ્ચિતતા અને ભયમાં જીવતા શિવ રેસિડેન્સીના લોકો માટે શનિવારની સવાર નવી આશા લઈને આવશે.