સંસ્થા મહાન છે, બૉસ નહીં, એવું દરેક કર્મચારીએ કામ કરતી વખતે સૌથી પહેલા જાણી લેવાની જરૂર છે. બૉસ સમક્ષ પોતાની જાતને પ્રૂવ કરવાની હોડમાં કર્મચારી પોતાનું આત્મસન્માન પણ હોડમાં મૂકી દે છે તે સારી નિશાની નથી. આત્મસન્માનના ભોગે કામ કરનારા કર્મચારીઓ સારા મૅનેજર કે લીડર બની શકતા નથી. આપણે ખાસ કરીને કૉર્પોરેટ જગતમાં જોઈ રહ્યા છીએ કે કર્મચારીઓ સંસ્થાને વફાદાર ઓછા હોય છે, પરંતુ બૉસની સારી પેઠે સેવા કરીને વફાદારી ‘પ્રૂવ’ કરવાની કોશિશ કરતા હોય છે.
બૉસને વફાદાર બનવા મરણિયો પ્રયાસ કરી રહ્યા હોય છે. તેમના માટે બૉસની નજરમાં કેવી રીતે આવવું, બૉસને ખુશ કઈ રીતે રાખવા, બૉસને ગમતું હોય તે જ કરવું અને એમ જ કામ કરતાં રહેવું એ મહત્ત્વનો મુદ્દો હોય છે. બૉસની ચમચાગીરીમાં કર્મચારી સંસ્થા સાથે જાણે-અજાણે ગદ્દારી કરી બેસે છે અને આત્મસન્માન પણ ગુમાવી દે છે. બૉસને પ્રૂવ કરવા કામ કરવાની વૃત્તિ કર્મચારીને ઘણી વખત સારા લીડર બનતા અટકાવી દે છે. અહીં સીધી વાત એ બને છે કે બૉસને ખુશ કરવાની હોડમાં કર્મચારી પોતાની જવાબદારીઓ નિભાવવામાં ઊણો ઊતરે છે. આવી સ્થિતિમાં સંસ્થામાં તેનું આત્મસન્માન હોડમાં મુકાઈ જાય છે.
મારી દૃષ્ટિએ આવા કર્મચારીઓ સામાન્ય કર્મચારીની કૅટેગરીમાં આવે છે. તેઓને મન બૉસની ચાપલુસી જ શ્રેષ્ઠ કાર્ય બની રહે છે. એવું બને કે કર્મચારીની એવી નિમણૂકના પરિણામે તે ક્યારેક બૉસનો ખાસ બની જતો હોય છે. બૉસનો ‘ગુડ એમ્પ્લોઈ’ બની રહે છે, પણ સંસ્થા માટે તેની કૅટેગરી સામાન્ય જ છે. લાંબા ગાળે કર્મચારીને નુકસાન જ થાય છે. સંસ્થાની વફાદારી સાબિત કરવામાં ઊણો ઊતરતો હોય છે તે બૉસને ખુશ કરવાની વૃત્તિમાં પોતાનું કૌશલ્ય ભૂલી જાય છે. આવડત જતી કરી શકતો નથી તેમજ સંસ્થા પ્રત્યેની જવાબદારીનું તેને ભાન હોતું નથી.
આનો શ્રેષ્ઠ અને સરળ ઉપાય શો? તો દરેક કર્મચારી યાદ રાખે, ફક્ત પોતાના આત્મસન્માન માટે કામ કરો. જે તમને સારા મૅનેજર કે લીડર બનાવશે. જ્યારે તમે કામ કરીને ઘરે જાવ ત્યારે પોતાની જાતને જ પૂછો મને મારી આજની કામગીરી માટે પોતાની ઉપર માન છે. શું મેં આજે મારી સંસ્થા સાથે પૂરતી વફાદારી નિભાવી હતી કે શું? આવા બે-ચાર સવાલના જવાબ આપશો એટલે તમને તમારા જવાબો તો મળવા માંડશે. સાથોસાથ એની પણ ખબર પડવા માંડશે કે શું હું સંસ્થાને વફાદાર છું?
આમાં મારું આત્મસન્માન જળવાઈ રહ્યું છે કે નહીં? વગેરે, પણ જવાબ સાચા હૃદયથી આપ્યા હશે તો સારું ચિત્ર સામે આવશે અને જરૂર પડે આત્મમંથન કરવાની જરૂરિયાત અનુભવાશે. આખી વાતને લઈને એક પ્રસંગ વર્ણવું જેનાથી તમને ઘણોખરો ખ્યાલ આવે. ખૂબ જ જાણીતા કોર્પોરેટ માંધાતા અનુભવાનંદજી તેમના નજીકના મિત્રની ખબર કાઢવા દુબઈ ગયા. તેમના મિત્રને અકસ્માતમાં સારી એવી ઈજા થઈ હતી. મલ્ટિપલ ફ્રેકચરના કારણે લાંબો સમય સારવાર લેવી પડે તેવી સ્થિતિ હતી. આખા શરીરે પાટાપિંડી થયેલી હતા. કોર્પોરેટ ગુરુ ખબર કાઢવા પહોંચ્યા એટલે પથારીમાં પાટાપિંડી સાથે પડેલા તેમના મિત્રે ખૂબ જ મુશ્કેલીથી તેમને નમન કરવાનો પ્રયાસ કર્યો.
મિત્રના આવા પ્રયાસથી તેઓ થોડા વ્યથિત અને વિચલિત પણ બન્યા. તેમણે તેમના મિત્રને ખૂબ જ ઠાવકાઈથી અને સારી ભાષામાં કહ્યું કે, “જુઓ તમને મારા પ્રત્યે માન અને લાગણી છે તે હું જાણું છું, તો પછી તમે કોને પ્રૂવ કરવામાં આવી અવસ્થામાં પણ મને નમન કરવાની કોશિશ કરો છો. શું તમારે દુનિયાને બતાવવાની જરૂર છે કે તમને મારા પ્રત્યે આદરભાવ છે? તમારા આદરભાવના પરિણામે જ હું આપને મળવા છેક ભારતથી દુબઈ સુધી લાંબો થયો છું.
અહીં કહેવાનો ભાવ એ જ છે કે દુનિયામાં લોકો એકબીજા સામે પ્રૂવ કરવામાં એવાં વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાના માટે આદરભાવ ભૂલવા લાગ્યા. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમે બીજા માટે કશું કરતા હો કે પ્રયત્ન કરતા હો બધું છોડી દો. ઉત્તમ હૃદયની વ્યક્તિ અને શ્રેષ્ઠ લીડર બનવા માટે તમે તમારી જાત માટે કામ કરવાનું શરૂ કરી દો. જ્યાં તમને પોતાના માટે ગૌરવ થાય તે દિવસે સમજવું કે તમે એ શ્રેષ્ઠ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છો. અહીં તમારું આત્મસન્માન પણ જળવાશે. સાથોસાથ આત્મસંતોષ પણ મળશે.
તમારું આત્મસન્માન અને આત્મસંતોષ જળવાશે જેની કેટલીક ટિપ્સ
- # બૉસને કે બીજાને ખુશ કરવાની પ્રવૃત્તિ છોડી દો. આનાથી તમને કદાચ કોઈક વખત લાભ થશે, પરંતુ લાંબા ગાળે તો નુકસાન જ થશે.
- # પોતાના વ્યક્તિગત ઉત્થાન માટે કામ કરો. સાથોસાથ સંસ્થામાં કામ કરતા હો ત્યાં સંપૂર્ણ વફાદારી બતાવો. વ્યક્તિ નહીં સંસ્થાને વિશેષ મહત્ત્વ આપો. જે લાંબા ગાળે તમારી પ્રગતિ માટે લાભદાયક રહેશે.
- # આત્મમંથન કરો. પોતાની જાતને પૂછો કે હું જે કરી રહ્યો છું, કોના માટે કરી રહ્યો છું. આનાથી તમને તમારી જાત પ્રત્યે વલણ ખબર પડશે. જે દિવસે તમને તમારા માટે માન થશે તે દિવસે તમે ઉમદા વ્યક્તિત્વ ધરાવતા માનવી બની શકશો.
- # ખાસ યાદ રાખો, ભગવાને એક વખત માનવ જિંદગી આપી છે. લોકોની ખુશામત કરવામાં સમય બરબાદ ન કરો. પોતાની જાત પ્રત્યે નિષ્ઠા રાખો. સુખશાંતિથી જીવન વિતાવો