કોવિડના સમયથી દેશના વરિષ્ઠ નાગરિકોને રેલવેમાં જે કન્સેશન આપવામાં આવતું તે બંધ કરવામાં આવ્યું છે. દરેક નાગરિકે સંકટ સમયે કંઈક જતું કરવું જોઈએ એવું સૌએ સ્વીકાર્યું હતું. દેશમાં અંદાજે 20 કરોડની આસપાસ સિનિયર સિટીઝન છે. કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને રેલવેમાં આપવામાં આવતું કન્સેશન વહેલી તકે ફરીથી શરૂ કરવું જોઈએ. સરકાર દ્વારા એક બાજુ સંસદ સભ્યોના પગાર, સવલતો અને પેન્શનમાં અનેક ગણો વધારો કરવામાં આવે છે અને બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને જે લાભ આપવામાં આવતો જ હતો તે રદ કરીને ફરીથી ચાલુ કરવામાં આવતો નથી. આપણા દેશનાં 70%થી વધુ વયસ્કોને પેન્શન કે પીએફની સુવિધા મળતી નથી. સિનિયર સિટીઝનોને રેલવેમાં જે કન્સેશન આપવામાં આવતું હતું તે અંગે સાંસદો દ્વારા અવરનવર પાર્લામેન્ટમાં પ્રશ્નો ઉઠાવવામાં આવે છે.
રેલવે મંત્રી દ્વારા પ્રત્યુતર આપવામાં આવે છે કે રેલવેમાં પહેલેથી જ દરેક મુસાફર માટે 46%ની છૂટ આપવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે સંસદ સભ્યોને મળતી અનેક સુવિધાઓમાં અમર્યાદિત વધારો કરવામાં આવે ત્યારે એવું કેમ નથી વિચારવામાં આવતું કે દરેક સંસદ સભ્યોને પહેલેથી ખૂબ જ સવલતો આપવામાં આવે છે. પ્રજા માટે જ્યારે વિચારવાની વાત આવે ત્યારે અલગ માપદંડો હોય એ કલ્યાણકારી સરકાર માટે વ્યાજબી નથી. મોટાભાગના સાંસદો જ્યારે સિનિયર સિટીઝન છે ત્યારે એમના દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે માટે વિચારણાના દ્વાર બંધ જ કરી દેવામાં આવે એ બરાબર નથી.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
