તાજેતરમાં એક દલિત ગણાતા પરિવારની પુત્રીને લગ્નમાં માતા-પિતાએ ઋષિપાલ વાલ્મિકી – શીલા દેવીએ રોયલ એનફિલ્ડ મોટર સાઈકલ ગિફટ આપી. લખનૌ યુપીના ગામમાં બનેલી ઘટના પછી આસપાસના લોકોએ ધમકી આપી અને કહ્યું કે આ પુત્રીના લગ્ન કરવા દેશે નહિં. કારણકે અમે ભેટ તરીકે બાઈક આપીને અમારા સમુદાયમાં એક નવી પરંપરા શરૂ કરી રહ્યા છે. પરિવારે પોલીસખાતાનો અને પૂર્વ મંત્રી મહોદયનો સંપર્ક કરવો પડયો. હવે તેમને પોલીસ સુરક્ષા મળી છે ને લગ્ન સમારોહ શાંતિ પૂર્ણ પાર પડે તેવી માતા-પિતાએ અપેક્ષા રાખી છે. પોલીસે મહેમાનો અને પરિવારની સુરક્ષા માટે એક ટીમ મોકલી છે.
આ એકવીસમી સદીમાં પણ લોકોની કેવી આઘાતજનક વાસ્તવિક્તા. ગામમાં ઘોડા પર બેસીને કે પાઘડી પહેરીને ન જવાય ? ક્યાંક ક્યાંક તો મંદિરમાં ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર સંવિધાનમાં જે કાયદાઓ ઘડયા છે તેને ઘોળીને આજે પણ પી જવાય છે. આ દુ:ખદ વાસ્તવિક્તા છે. તેજસ્વી પણ કહેવાતા દલિત યુવા-ભાઈ – બહેનોને કે જેઓ ઉચ્ચ પરીક્ષા ઉચ્ચ વર્ગમાં પાસ કરે છે તેમની સાથે પણ ભેદભાવ ભર્યો વહેવાર થાય છે. આશા છે પોલીસ, ન્યાયતંત્ર, સરકાર આવી ઘટનાઓમાં કડકમાં કડક સજા કરે એ જમાનાની તાતી માંગ છે. આ વર્ગોએ ઉચ્ચ શિક્ષણ મેળવી વ્યસનો ત્યજી, નૈતિક તાકાત ખુમારી કેળવી શકે છે.
સુરત – ભગુભાઈ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઉદ્યોગપતિઓને ઇરાદા પૂર્વકની લોન માફી
વર્તમાન કેન્દ્ર સરકારે 2014માં સત્તા ઉપર આવ્યા પછી છેલ્લા પાંચ વર્ષમાં દેશના કેટલાક ઉદ્યોગપતિઓની રૂ. 10,95111/ (દસ લાખ નવ હજાર પાંચસો અગ્યાર કરોડ)ની બેંક લોનો માફ કરી દીધી હોવાના સમાચાર ગુજરાતમિત્રના તા. 14/12ના અંકમાં વાંચ્યા જે રીઝર્વ બેંક જાહેર કરેલ પ્રેસનોટ મુજબ છે. આ રકમ કેટલી જંગી છે એ પ્રજાએ અને ખાસ તો મોદીજી તરફી બચાવ નામા રજૂ કરતા અંધ ભક્તોએ વિચારવી જરૂરી છે. ભારતીય બેંકોના રૂા. લઇ ભાગી જનાર નિરવ મોદી 9500/- કરોડ ગજવે ઘાલી ગયો છે એજ રીતે કીંગફીશર વાલો માલ્યા 11500/- કરોડ અને ABG શિપયાર્ડના માલીકોએ વિવિધ બેંકોના 24000/- કરોડ રૂા. ગજવે ઘાલ્યાના સમાચાર છે.
આપણા દેશનુ સુરક્ષા બજેટ 2,50,000 કરોડથી 3,00,000 કરોડ રૂ. છે. આપણા બે વિમાન વાહક યુધ્ધ જહાજોમાં પ્રત્યેકની અંદાજી કિંમત માંડ 20 હજાર કરોડ છે ! આપણા નેવી માટેની સૌથી કાતિલ અદ્યતન સ્કોર્પિયન વર્ગની સબમરીનની કિંમત 7500/- કરોડ રૂા. છે. મોદી સરકારે મળતિયા ઉદ્યોગપતિઓની જે લોનો માફ કરી છે તે રકમ દેશના ત્રણ વર્ષના સંરક્ષણ બજેટ જેટલી છે. આ રકમ જો શિક્ષણ માટે વપરાય તો દેશના પાંચ લાખ ગામોમાં હાઇસ્કૂલ માટે પાંચ લાખ મકાનો બાંધી શકાય અને પ્રજાના આરોગ્ય માટે દેશના તમામ જિલ્લાઓમાં 300 થી 500 બેડની હોસ્પિટલો ઉભી કરી નાગરિકોને મફત સારવાર આપી શકાય ! સામાન્ય પ્રજાને દંડા મારી વેરા વસુલતી આ સરકાર અને એની કામગીરી કેટલી યોગ્ય કહેવાય ?
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.