World

સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ ધરતી પર પાછી ક્યારે આવશે? શું છે નાસાનો પ્લાન, જાણો…

નવી દિલ્હી: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લઈ જતું સ્પેસક્રાફ્ટ બોઈંગ સ્ટારલાઈનર ખરાબ થઈ ગયું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે અવકાશયાત્રીઓના પ્રથમ ગ્રુપને લઈ જઈ રહેલા બોઈંગ સ્ટારલાઈનરની વાપસી થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવી છે. જોકે, નાસા દ્વારા હજુ સુધી નવી તારીખોની જાણ કરવામાં આવી નથી. તેના લીધે નાસાની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને અન્ય ક્રૂ મેમ્બરો માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ છે.

હવે અવકાશયાત્રીઓની વાપસીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક અઠવાડિયા પછી 13 જૂને પાછા ફરવાના હતા પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ખામીને લીધે અવકાશયાત્રીઓ પાછા આવી શક્યા નથી. એન્જિનિયરોને બોઇંગ અવકાશયાનમાં અનેક ખામીઓ મળી છે.

બંને અવકાશયાત્રીઓ ક્યારે પરત ફરશે તે અંગે નાસા હજુ ફોડ પાડીને કશું કહી શકે તેવી સ્થિતિમાં નથી. ટેસ્ટિંગ અને ટેકનિકલ કારણોસર વિલંબ થયો છે. નાસાએ આ પહેલા અવકાશયાનના પરત ફરવાની તારીખ 26 જૂન નક્કી કરી હતી પરંતુ ત્યારે પણ અવકાશયાત્રીઓ પરત ફરી શક્યા નથી. રાહતની વાત છે કે બંને અવકાશયાત્રીઓ સ્વસ્થ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એલોન મસ્કની માલિકીની સ્પેસએક્સ આઈએસએસ (SpaceX ISS)ની મદદ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને બચાવવા માટે લઈ શકાય છે. નાસા દ્વારા સ્પેસએક્સને ક્રૂ ડ્રેગન અવકાશયાન સાથે તેમને પાછા લાવવાનું કામ સોંપવામાં આવી શકે છે. સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન માર્ચ મહિનામાં ચાર અવકાશયાત્રીઓને ISS પર લઈ ગયા હતા. તેમાં બેથી ચાર મુસાફરો બેસી શકે છે. તે કટોકટીની સ્થિતિમાં વધારાના મુસાફરોને પણ સમાવી શકે છે.

બોઈંગ સ્ટારલાઈનરમાં હિલિયમ લીક થયું
5 જૂને અમેરિકાના સ્થાનિક સમય અનુસાર સવારે 10:52 કલાકે બોઇંગ સ્ટારલાઇનરને લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ક્રૂ સાથે ઉડાન ભરવાનું હતું. તેણે તેના નવ દિવસના મિશનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. હવે હિલીયમ લીક થવાને કારણે તેમની પરત ફરવાની તારીખ અનિશ્ચિત બની ગઈ છે.

એક ચિંતા એ પણ છે કે હાર્મની મોડ્યુલ કે જેમાં સ્ટારલાઇનર જોડાયેલું છે તેમાં મર્યાદિત બળતણ છે. સ્ટારલાઇનર માત્ર 45 દિવસ માટે જ ડોક કરી શકાય છે. હવે સુરક્ષિત રિટર્ન ફ્લાઈટની શક્યતાને ફટકો પડી રહ્યો છે. જો કે, નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું છે કે સામાન્ય સંજોગોમાં તે 45 દિવસ સુધી જોડાયેલ રહી શકે છે, પરંતુ જો જરૂર પડે તો તેની અવધિ 72 દિવસ સુધી વધારી શકાય છે.

વર્તમાન પરિસ્થિતિ પરથી સ્પષ્ટ છે કે અવકાશયાત્રીઓ સુનાતિ વિલિયમ્સ અને વિલમોર ઓછામાં ઓછા 2 જુલાઈ સુધી ISS પર રહેશે. અધિકારીઓ સ્ટારલાઇનરને અસર કરતા હિલીયમ લીકની તપાસ કરી રહ્યા છે, જે સ્ટેશન પર ડોક છે. એન્જીનિયરો અવકાશયાત્રીઓના પરત ફરવા માટે સૌથી સલામત કાર્યવાહી નક્કી કરવા ટેસ્ટિંગ અને સિમ્યુલેશન કરી રહ્યા છે.

સ્ટીવ સ્ટિચે કહ્યું કે તેઓ SOPનું પાલન કરી રહ્યા છે અને ડેટાના આધારે નિર્ણય લઈ રહ્યા છે. મારું માનવું છે કે એક વાર ઉકેલ મળી જશે તો તેઓ (સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર) પાછા આવશે. આ સિવાય ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટની મદદ લેવામાં આવી શકે છે.

સુનિતા વિલિયમ્સે ત્રીજી વખત સ્પેસમાં જઈ રેકોર્ડ બનાવ્યો
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 5 જૂને એક સહકર્મી સાથે ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી હતી. સુનીતા વિલિયમ્સે અવકાશમાં રેકોર્ડ 322 દિવસ વિતાવ્યા છે. તેણી પ્રથમ 9 ડિસેમ્બર 2006ના રોજ અવકાશમાં પહોંચી અને 22 જૂન 2007 સુધી ત્યાં રહી. આ પછી, તે 14 જુલાઈ 2012 ના રોજ બીજી વખત અવકાશ યાત્રા પર ગઈ અને 18 નવેમ્બર 2012 સુધી અવકાશમાં રહી. સુનિતા વિલિયમ્સે 2012માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર દરમિયાન સ્પેસ ટ્રાયથ્લોન પૂર્ણ કરી હતી. આમ કરનાર તે પ્રથમ વ્યક્તિ બની. વિલિયમ્સે મે 1987માં યુએસ નેવલ એકેડમીમાં તાલીમ પૂર્ણ કરી, ત્યારબાદ તે યુએસ નેવીમાં જોડાઈ. વિલિયમ્સની 1998માં નાસા દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી.

Most Popular

To Top