Charchapatra

ક્યારે અટકશે આવા જઘન્ય અપરાધો?

ફરી એક વખત કલકત્તામાં નિર્ભયાકાંડ સર્જાયો. 2012 થી લઈને 2024 વચ્ચે કેટલા બળાત્કાર અને હત્યા થઈ અને એમાં કેટલા ગુનેગારોને સજા થઈ એના આંકડા સરકારે બહાર પાડવા જોઈએ. દિલ્હી નિર્ભયાકાંડના ગુનેગારોને ફાંસીએ લટકાવવામાં આઠ વર્ષ લાગેલાં અને એ પણ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલ્યો છતાંય. કસાબને ફાંસીએ લટકાવવામાં ચાર વર્ષ લાગેલાં. આવા જઘન્ય ગુનાઓ બને છે એની પાછળ મૂળ કારણ આપણી ઢીલીઢાલી, વાહિયાત અને ગોકળગાય ગતિએ ચાલતી ન્યાય પ્રણાલિકા છે.  સજાનો ડર નથી એટલે જ ગુનેગારો બેખૌફ અને બેફામ બન્યાં છે. કેટલાક (દોઢ)ડાહ્યાઓ એવી દલીલ કરતાં હોય છે કે સજાથી માણસ સુધરતો નથી.

એમને કહેવું રહ્યું કે, દુનિયામાં બે દેશો મૃત્યુદંડ આપવામાં મોખરે છે, એક ઈરાન અને બીજો ચીન. ત્યાં જઈને જોઈ આવો કે, કેટલા બળાત્કારો અને હત્યાઓ ત્યાં થાય છે? જે રીતે દેશમાં બળાત્કાર અને હત્યાઓનો વિસ્ફોટ થયો છે એ જોતાં હવે એવું લાગી રહ્યું છે કે હાથમાં મીણબત્તી લઈને રસ્તે ઊતરવાની જરૂર નથી પણ સરકાર અને તંત્ર પર એવું પ્રેશર લાવવાની જરૂર છે કે આવા કેસમાં જલ્દી ન્યાય આપો અથવા પ્રજાને ન્યાય કરવા દો. હમણાં જ આપણા વડા પ્રધાનને બોલતાં સાંભળ્યા કે, બળાત્કારીઓને ફાંસીની સજા થવી જોઈએ. અરે ભાઈ, સત્તા તમારી છે, આખું સરકારી તંત્ર તમારી પાસે છે, તો પછી બળાત્કારીઓને ફાંસીએ લટકાવતાં તમને અટકાવે છે કોણ? આ દેશને બુલેટ ટ્રેનની નહીં, પણ બુલેટ ટ્રેનની ઝડપે ન્યાય મળે એની જરૂર છે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top