ગુજરાતનું એસ.ટી.તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે, દિનપ્રતિદિન જૂની,ખખડધજ અને ભંગાર બસો રૂટ ઉપર ફરતી જોવા મળે છે. બસોની પૂરતી મરામત અને સાફસફાઈ નિયમિત કરવામાં આવતી નથી. ક્યારેક અપૂરતા ડીઝલને કારણે તો બ્રેક ફેલ થવાને કારણે ,ગમે ત્યાં,ગમે તે સમયે બસો ખોટકાઈ જાય છે. આથી ઉતારુઓને હાલાકી પડે છે. ડ્રાઈવર, કંડકટરો ઉતારુઓને સરખો જવાબ દેતાં નથી.આ ઉપરાંત જ્યારે પણ કોઈ સરકારી સભા, સમારોહ, સરકારી મિટીંગો, નેતાઓનાં ભાષણો કે ચૂંટણી જેવા કાર્યક્રમો યોજાય છે ત્યારે , સરકારી કર્મચારીઓ તથા તેમના ટેકેદારોને અહીંતહીં ફેરવવા માટે એસ.ટી.બસની સેવાઓ લેવામાં આવે છે.
આમ કરવાને કારણે એસ.ટી.તંત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરતું નથી કે નથી અગાઉથી જાહેર જનતાને જાણ કરવામાં આવતી અને એકાએક અમુક રૂટો કેન્સલ કરીને ઉતારુઓની લાગણી સાથે રીતસરનો ખિલવાડ કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની બસોના રૂટો કેન્સલ કરવાથી ગ્રામ્ય પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડે છે. ખરેખર તો એસ.ટી.તંત્ર લોકોની સેવા કરવા માટે બંધાયેલું છે, પરંતુ વાડ જ ચિભડાં ગળે એ ન્યાયે એસ.ટી.તંત્ર જ લોકોની વ્યવસ્થા જાળવવામાં ઊણું ઊતરે તો સામાન્ય નાગરિક ક્યાં જઈને ફરિયાદ કરે? એસ.ટી.તંત્રની ઊંઘ ઉડાડવા માટે, દરેક પ્રજાજનોએ જાગૃત થવાની જરૂર છે અને સામુહિક રીતે લડત લડવી પડશે તો જ આ પ્રશ્ન હલ થઈ શકશે, નહિંતર આવા પ્રકારની બાબતનું પુનરાવર્તન થતું રહેશે.
હાલોલ – યોગેશ આર. જોષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.