Comments

આપણી સંવેદનાઓ ક્યારે જાગશે? કોઈક જગાડશે ત્યારે કે આપણું પોતાનું કોઈ મારશે ત્યારે?

ભલે પુલ તૂટે અને માણસ મરે કે ભલે છોકરા ભરેલી નાવ ડૂબે
ભલે કોઈ ખુલ્લી ગટરમાં પડી મરે કે ભલે કરન્ટમાં તડપી તડપી મરે
સ્કૂલોમાં લુંટાઈશું અને દવાખાનામાં પણ બરબાદ થઈશું
આગથી બળીએ કે પાણીમાં ડૂબીએ ,બેકારીથી મરીએ કે મોંઘવારીથી   
પણ ફટ છે જો મારી જીભ વિરોધનો એક શબ્દ બોલે!

ગુજરાત.એક સમજદાર રાજ્ય. એક સમજ સાથે લડત આદરનારું રાજ્ય. ગાંધીની દાંડી કૂચ હોય, સરદારનો બારડોલી સત્યાગ્રહ હોય કે નવનિર્માણ આંદોલન હોય.ગુજરાતમાં સત્તા સામે લડવાની, સત્તાને સવાલ પૂછવાની એક પરમ્પરા હતી અને હવે ના જાણે ગુજરાતને શું થયું છે કે તેના પર ગમે તેટલા અત્યાચાર થાય તેના મોઢામાંથી ઉંહ નથી નીકળતું. હા, જ્ઞાતિવાદી આંદોલનો થાય છે પણ નાગરિક હક માટે એક નાનો અવાજ નથી આવતો. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી જે રીતે સામાન્ય નાગરિકો મરે છે એ જોઈને પ્રશ્ન થાય કે શું આપણી સંવેદના સાવ મરી ગઈ છે?સાવ આવું ના હોય! દુનિયાની પાંચ મોટી આર્થિક મહાસત્તાઓમાં માત્ર ભારત જ એવો દેશ છે અને એમાંય ગુજરાત જ એવું સમૃદ્ધ રાજ્ય છે, જ્યાં બાળકીઓને  કૂતરાં ફાડી ખાય છે, રસ્તે જતાં માણસને રખડતું ઢોર ઉલાળી મૂકે છે. ગેમ જોન હોય કે ટ્યુશન ક્લાસ યુવાનો ભડકે બળે છે. પુલ તૂટી પડે છે અને તે પણ એકાદ નહિ સત્તર સત્તર પુલ તૂટ્યા છે. ગુંડાઓ ખુલ્લેઆમ તલવારો સાથે આતંક મચાવે છે. અંદરોઅંદરના વ્યક્તિગત ઝઘડામાં જાહેર હત્યાઓ થાય છે અને અત્યંત આઘાતજનક તો એ છે કે ખુલ્લી ગટરમાં પડીને  કે વરસાદી પાણીમાં કરંટ આવવાથી નાગરિકો મોતને ભેટે છે. શું આવા દર્દનાક મૃત્યુના સમાચારોથી આપણને કાંઈ ના થાય? શું મહાસત્તા આવી હોય? શું આ વિકાસ છે કે મરવામાં પણ વૈવિધ્ય મળ્યું? એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીની હત્યા કરી તો હિન્દુવાદી સંગઠનોએ બંધનું એલાન આપ્યું. સરઘસ કાઢયાં અને એટલાં હિંદુઓ કમોતે મર્યાં તો કોઈ બોલ્યું જ નહિ!  આમને હિંદુઓની ખરેખર ચિંતા છે? 

આપણે ભારતીયો લાગણીશીલ છીએ કે આવેગશીલ તે હવે  સંશોધનનો વિષય છે. જો કે છેલ્લાં વર્ષોમાં આપણું એક સામુહિક લક્ષણ એ છે કે કોઈ પણ ઉત્સવ કે આક્રોશ માટે આપણે નર્યા પરાવલંબી છીએ. કોઈનું કોઈ કેમ્પેન કરીને આપણને ઉજવણી કે બોયકોટ માટે ઉશ્કેરવામાં ના આવે તો આપણે તો સાવ અસંવેદનશીલ! જુવો ને, કોરોના વખતે  મે મહિનામાં તો સ્મશાનગૃહમાં શબની લાંબી લાઈનો હતી, દવાખાનાંઓમાં અરાજકતા હતી, સાવ અકાળે મૃત્યુ પામતાં લોકોના સમાચાર હતા અને છાપાંનાં પાનાં ભરાઈ જાય એટલી શ્રધ્ધાંજલિ છપાતી. અમને તો એમ કે આ વખતે જબ્બર મેસેજ ચાલશે કે આ દિવાળી મૃતકોની યાદમાં માત્ર દીવા જ અને તે પણ દિવાળીના દહાડે જ.ના ફટાકડા, ના ઉજવણી, દરેક પોળ કે સોસાયટીમાં કોઈ મા ગુમાવી ચૂક્યું હોય, કોઈને દીકરો ગુમાવ્યાનો આઘાત હોય અને આપણાથી નફફટ થઇ

મઠિયાં, સુંવાળી ઝાપટી શકાય? આવા મેસેજો આવવાની રાહ હતી, પણ રે નસીબ! આમાંનું કાંઈ ના થયું. આપણા લાગણીશીલ નેતાઓ જેઓ કોઈના રાજ્યસભા કે વિધાનસભાના કાર્યકાળ પતવા સમયે પણ રડી પડે છે. તે તો આ બેસતા વર્ષે ધ્રુસકે ધ્રુસકે રડશે એમ ધાર્યું હતું  પણ ખોટું પડ્યું. કાંઈ જ ના થયું. લાગે છે આપણે હવે દુ:ખી થવા અને સુખી થવા કોન્ટ્રાક્ટ આપતાં થઇ જઈશું. કોઈક રાખવું પડશે જે યાદ કરાવે કે યાર દુ:ખી થાવ.દેશમાં અકાળે મોત થયાં છે. અરે, આમ નિરસ કેમ છો?  ઉત્સવ મનાવો. આપણે કરોડો લોકોને રસી આપી દીધી છે. આપણે જાતે તો નક્કી જ નથી કરી શકતા કે શેનો બહિષ્કાર કરવો અને શેનું સ્વાગત કરવું! શું આપણને આપણી શક્તિઓ માટે કે નબળાઈઓ માટે ખબર પડતાં વાર લાગે છે?

હા, આમ તો એવું લાગે છે, જુવો ને ભારતમાં વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં 1600 માં આવી. પછી 157 વર્ષ તો એણે માત્ર વેપાર કર્યો. તેને આ વર્ષોમાં સમજાયું કે આ દેશમાં માત્ર વેપાર નહીં, શાસન ન પણ થઇ શકે છે અને તેણે જે તે રાજ્યના જ ગદ્દારો ,લાલચુઓનો સાથ લઈ ૧૭૫૭ માં પલાસીનું યુદ્ધ જીતી લીધું પછી તો ફટાફટ વિસ્તાર થયો. એક પછી એક રાજ્યો જીતતાં ગયાં તો છેક 1857 માં પહેલી વાર ભારતીય રાજાઓ ભેગા મળીને આ વિદેશી શાસકો સામે યુદ્ધ કર્યું.જરા જુવો, 1757 થી 1857 કેટલા વર્ષ થયાં 100. હા આપણે ગુલામ છીએ તે ખબર પડતાં આપણને 100 વર્ષ થાય છે  અને ગુલામી રાજકીય કે ભૌતિક હોય તે કરતાં માનસિક હોય એ વધારે ખરાબ ગણાય.

ધોળે દિવસે સુરતમાં એક દીકરીની છેડતી કરનારાને રોકવા જતાં એક વૃદ્ધની વીસથી વધુ ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવે છે. પણ આપણે ઉશ્કેરાતાં નથી કારણ આપણને કોઈ કહેતું નથી કે અરેરે, જુવો જુવો, આ કેવું થયું. રામાયણમાં સીતા માતાની  શોધમાં નીકળેલા વાનરો સમુદ્ર કાંઠે આવી અટકી જાય છે.  હવે સમુદ્ર પાર તપાસ કોણ કરે? કેવી રીતે જાય? ત્યારે જાંબુવાનને યાદ આવે છે કે આ કાર્ય હનુમાન કરી શકે! પણ હનુમાનજી તો એક ચટ્ટાન પર બેઠા છે. પછી જાંબુવાન હનુમાનજીને તેમની શક્તિઓ યાદ અપાવે છે. હનુમાનજીને જુસ્સો આવે છે અને તે સમુદ્ર પાર કરી દે છે. મહાભારતમાં પણ નિરાશ થયેલા અર્જુનને ભગવાન કૃષ્ણ તેનું કર્તવ્ય યાદ અપાવે છે પછી અર્જુન ગાંડિવ ઉઠાવે છે.

આપણને આપણી શક્તિઓ હમેશાં બીજાએ યાદ અપાવવી પડે છે તેવું આ પ્રસંગોમાંથી જાણવા મળે છે. લાગે છે આ કામ હવે સોશ્યલ મિડિયામાં કેટલાંક લોકો કરે છે. પણ આ લોકો જાંબુવાન કે ભગવાન શ્રીકૃષ્ણ જેવા નિષ્ઠાવાન નથી. આ લોકો પગારદાર નોકરો છે. જે પોતાના આકાઓના લાભાર્થે  તમને ઉશ્કેરે છે કે ઉજવણીમાં સામેલ કરે છે. વાંક એમનો નથી. વાંક આપણો છે. આપણે આપણી સમજણથી આનંદ  અને ગુસ્સો નક્કી કરવો જોઈએ. કોઈક પકડાવે એ ઘૂઘરા વગાડવા ના મંડાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top