અમદાવાદ: કમોસમી વરસાદ બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. આ સાથે જ અમદાવાદમાં વર્ષનું સૌથી ઊંચું તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
બુધવારની સરખામણીએ ગુરુવારે મહત્તમ તાપમાન ચાર ડિગ્રીનો એકાએક વધારો થતાં અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે શુક્રવારે પારો 44 ડિગ્રી પહોંચી ગયો છે. બપોરે આકાશમાંથી અંગારા વરસ્યા હતા, જેના લીધે લોકો હવે ચોમાસું ક્યારે બેસે તેની રાહ જોવા લાગ્યા છે, ત્યારે આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે આગામી 20થી 22 મે દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ત્રણ દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદી છાંટા વરસી શકે છે. આગામી દિવસોમાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, આગામી 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. જેને લીધે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસી શકે છે. આ વરસાદ જે-તે ભાગોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆત કયારે થશે તેની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 7થી 14 જૂન વચ્ચે રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. આ સાથે જ જૂન મહિનામાં 14થી 18 તારીખ દરમિયાન ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ ચાર દિવસ દરમિયાન એટલો ઝડપથી પવન ફૂંકાશે કે કાચા મકાનનાં છાપરાં ઊડી જાય તે ગતિમાં પવન અને વરસાદ રહેવાની શક્યતા છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું બેસી જશે.
આગામી ચાર દિવસ ગરમી વધશે
જોકે, હાલ ગરમીમાંથી રાહત મળે નહીં. હવામાન વિભાગની જેમ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આગામી ચાર-પાંચ દિવસ ગરી વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મુખ્યત્વે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓ એટલે કે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ રહેશે.