સુરત શહેરમાં મેટ્રો ટ્રેન માટેનું કામ આજના છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. પ્રજાને મુસાફરીમાં રાહત થાય તે જ તેનો હેતુ હોઈ શકે અને એટલે સારૂ પણ કહેવાય. પરંતુ આ કામ ચાલુ થયા પછી પ્રજાને અવરજવરમાં જે હાલાકી ભોગવવી પડી રહી છે તેનાથી બધા જ વાકેફ છે. મેટ્રોના કામનો નિકાલ ક્યારે આવશે તેનો કોઈ અંદાજ બાંધી શકાય એમ નથી કારણ જે ગતિએ કામ ચાલી રહ્યું છે તે જોતાં બીજા ત્રણ ચાર વર્ષ નીકળી જાય તો કહેવાય નહી એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે અને ખરેખર જો બીજો એટલો સમય લાગે તો આ શહેરની પ્રજાની દયા જ ખાવી રહી. બાકી હતું તે એક જગ્યાએ તેના ગર્ડરનો સ્લેબ તૂટી પડ્યો, મતલબ મેટ્રો ચાલુ થયા પછી જો આવુ જ બાંધકામ હોય તો અકસ્માતોની હારમાળા સર્જાયા વગર રહે નહી. હાલની પરિસ્થિતિમાં મેટ્રોના નિર્માણ કાર્યને લીધે શહેરની પ્રજાએ જે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હકીકતમાં અસહ્ય છે, પરિણામે પ્રજાની હાલત બિચારી બાપડી જેવી થઈ ગઈ છે.
આ કામ સાથે જોડાયેલા લાગતા વળગતા તંત્રો આ કામનો અંત ક્યારે આવશે તેનો જો ફોડ પાડશે તો પ્રજા તેટલે અંશે રાહતનો દમ લઇ શકશે તેમાં બેમત ન હોય શકે. અત્યારની હાલતમાં મેટ્રોનું કામ આશીર્વાદ ને બદલે અભિશાપ પુરવાર થઇ રહ્યું હોય તેવો આભાસ થયા વગર રહેતો નથી. બીજી બાજુ BRTSની સેવા ઘણી ઉપયોગી હોવા સાથે તેના બસ ડ્રાઇવરોની લાપરવાહી અને સાથે સાથે રાહદારીઓની લાપરવાહીને લીધે અકસ્માતો થતા રહેતા હોય છે અને એ અકસ્માતો ક્યારેક જીવલેણ સાબિત થતા જાય છે. શહેરની પ્રજાને અત્યંત કઠિણાઇભરી જીંદગીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.