12 ઓગસ્ટ ગુજરાતમિત્રના અંતિમ પૃષ્ઠના ચોંકાવનારા અહેવાલ મુજબ એક વર્ષમાં વીસ હજારથી વધુ રખડતા કૂતરાઓ દ્વારા કરડવાની ઘટના બને છે! અને રખડતા કૂતરાઓને કારણે સુરતમાં મૃત્યુની સંખ્યા પણ વધુ પ્રમાણમાં છે. સામાન્ય રીતે કૂતરા કરડે એટલે હડકવા નામના જીવલેણ રોગનો જ વિચાર આવે! રખડતા કૂતરાઓને કોણ હડકવા વિરોધી રસી મુકાવે? એ પણ એક યક્ષ પ્રશ્ન છે જ. રાત્રિ સમય દરમિયાન દ્વિચક્રીય વાહનો પાછળ દોડતા શ્વાન વાહનચાલકનું ડરના માર્યા સંતુલન અવશ્ય ગુમાવડાવે! જ્યાં સુધી શ્વાનની વસતીમાં ઓટ ન આવશે ત્યાં સુધી શ્વાનની વસતી વધતી જ રહેવાની એમાં બેમત નથી!
જીવદયા પ્રેમીઓને શ્વાન વહાલા હોય તો એમણે શ્વાન સેવા કરવા રખડતા કૂતરા સ્વગૃહે લઇ જઇ એમનું પાલનપોષણ કરવું જોઇએ. પણ માનવીના જીવને જોખમમાં મૂકે એવા શ્વાનની આળપંપાળ શું કામની? શ્વાન વફાદાર છે. લાગણીશીલ હોય બધી વાત બરાબર પણ આખરે એ પ્રાણી છે. કરડવુ એની તાસીર છે, સ્વભાવ છે. નાના બાળકોના અવારનવાર શ્વાન દ્વારા ભોગ લેવાય છે. એ બાબત પણ વિચારવી જ રહી! દિલ્હીમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકારદાયક ગણી જ શકાય. સુરતમાં વારંવાર થતા આ શ્વાન ત્રાસથી છૂટકારો મેળવવા તંત્રએ વહેલી તકે વિચારવું જ રહ્યું.
રાંદેરરોડ, સુરત- નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.