આપણા વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે 5 લાખ સુધીની તમારી બેંકોમાં મૂકેલી ડિપોઝીટ સલામત છે . 5 લાખથી વધારે રકમ બેંકોમાં જમા હોય તો કેમ થશે? મારા ધારો કે 45 લાખની ડિપોઝીટ બેંકોમાં જમા હશે તો શું મને 5 લાખ જ રિફંડ મળશે? મારા 40 લાખની ડિપોઝીટનું શું થશે? શુ મારા 40 લાખ ડૂબી જશે? શું મારે 40 લાખ ભૂલી જવાના? સરકારે અને રિઝર્વ બેંકે પહેલાં એ જાહેર કરવું જોઈએ કે હમણાં સુધી ડિસેમ્બર 2021 સુધી બેંકો પાસે કેટલી ડિપોઝીટ હતી. એમાંથી કેટલી લૉન આપવામાં આવી છે?
કેટલા લોનધારકો નિયમિત હપ્તા ભરે છે. કેટલા હપ્તા ભરતા નથી? બેંકોએ એવા ડિફોલ્ટરો સામે શું પગલાં લીધાં? એવા ડિફોલ્ટરોને કોની ભલામણ કોના ફોનથી લૉન આપવામાં આવી હતી? એ જાહેર કરવું જોઈએ. બેંકોએ મોટી લોનોના કેટલા લોનધારકો હપ્તા ભરતા નથી . કેટલી લોનો પાછી આવવાની શક્યતા જ નથી તે તાત્કાલિક જાહેર કરવું જોઈએ. જે લોનો પાછી આવવાની જ નથી તે કુલ કેટલા કરોડ છે તે જાહેર કરવું જોઈએ. આ લોનોમાં કોણ કોણ જામીનદાર છે.
એમની સામે બેંકોએ શું પગલાં લીધાં? કેટલી મિલકતો જપ્ત કરી? બેંકના ક્યા અધિકારી કે મેનેજરોએ આમાં શુ ભૂમિકા ભજવી હતી? લૉન પાસ કરવા લાંચ લીધી હતી કે નહીં? બેંકો બરાબર ચાલતી રહે એવાં પગલાં ભરવાં જોઈએ નહિ તો બેંકો દલા તરવાડીની જેમ લોનો આપ્યા કરશે અને મહેનતકશ નાના ખાતેધારકોના રૂપિયા ડૂબતા જશે. કેટલી બેંકોમાં ઘણાં બધાં નિષ્ક્રિય ખાતાંઓમા અબજો રૂપિયા જમા છે એ રૂપિયા દેશના વિકાસમાં ઉપયોગ કેમ કરતા નથી?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.