Entertainment

હંસિકા છેલ્લી વાર ક્યારે હસી હતી?

આજકાલ ફિલ્મી દુનિયામાં એક મોટા સમાચારે બધાનું ધ્યાન ખેંચી લીધું છે. જાણીતી એક્ટ્રસ હંસિકા મોટવાનીના ડિવોર્સની વાત સામે આવી છે. તેના પતિ સોહેલ ખતુરિયા સાથેના તેના લગ્ન ડિવોર્સમાં પરિણમ્યાં છે. પણ આ વાત ફક્ત ડિવોર્સની નથી, તેની સાથોસાથ તેમના લગ્નની ઝાકમાળ પાછળના વિવાદોની પણ છે.
હંસિકા દક્ષિણ ભારતીય સિનેમાથી ઘણી જાણીતી છે. તેણે તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાની અનેક હિટ ફિલ્મો કરી છે. ‘દેશમુદુરુ’, ‘ઓરુ કલ ઓરુ પોન્નુ’ જેવી ફિલ્મોમાં તેમનો અભિનય યાદગાર છે. તેની હસી અને સુંદરતાએ લાખો ફેન્સ બનાવ્યા છે. પરંતુ આ સાથે તેનું અંગત જીવન પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે. હંસિકા સૌપ્રથમ ટીવી સિરિયલ ‘શકાલાકા બુમ બુમ’માં ચાઇલ્ડ એક્ટરથી જાણીતી થઇ હતી. ત્યારબાદ બોલિવૂડમાં ‘કોઇ મિલ ગયા’ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. તેના થોડા જ વર્ષોમાં તેણે હિમેશ રેશમિયાની હિરોઇન તરીકે ‘આપકા સૂરૂર’માં ડેબ્યુ કર્યું હતું. તે સમયે હંસિકાની ઉંમરને લઇને ઘણાં વિવાદો ઊભા થયા હતા, જેમાં તેની માતા ઉપર એડોલ્સન્સના ઇંજેક્શન આપવાનો આરોપ પણ લાગ્યો હતો કારણ કે ‘કોઇ મિલ ગયા’માં તે ૮-૯ વર્ષની છોકરી લાગતી હતી અને ૫ વર્ષ પછીની ફિલ્મ ‘આપકા સૂરૂર’માં તેનો દેખાવ ૧૮-૨૦ વર્ષની યુવતી જેવો હતો.
તેમ છતાં કેટલીક સફળ ફિલ્મો પછી હંસિકાએ કરિયરની ટોચ પર રહી લગ્ન કરવાનો નિર્ણય લીધો. હંસિકા અને સોહેલ ખતુરિયા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. સોહેલ મુંબઈના મોટા બિઝનેસમેન છે. પહેલા તેમની વચ્ચે મિત્રતા હતી, પછી પ્રેમ થયો. આખરે ૨૦૨૨માં પેરિસમાં સોહેલે હંસિકાને પ્રપોઝ કર્યું! આ બધું રોમેન્ટિક અને સ્વપ્ન જેવું લાગતું હતું.
૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જયપુરના ૪૫૦ વર્ષ જૂના મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં તેમના લગ્ન થયા. આ લગ્ન ખૂબ મોટા અને ભવ્ય હતા, જેમાં લગભગ બધાં જ ફિલ્મી સ્ટાર્સ અને કુટુંબીજનો હાજર હતા. તેમના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. જેને જોઇને લોકોએ કહ્યું કે આ જોડી સાચી ‘પરફેક્ટ કપલ’ છે! આ લગ્ન જેટલાં ભપકાદાર હતા એટલાં જ વિવાદાસ્પદ પણ હતા. લગ્નની ઇવેન્ટમાં હંસિકા ઘણી ડિમાડિંગ જણાતી હતી. જેના કારણે તે ઘણી ટ્રોલ થઇ હતી.
લગ્ન પહેલા એક મોટો વિવાદ થયો હતો. કેટલાક લોકો કહેતા કે સોહેલ હંસિકાની ‘બેસ્ટ ફ્રેન્ડ’ રિંકીના એક્સ હસબન્ડ છે. હંસિકા પર આરોપ આવ્યો કે તેણે મિત્રના પતિને ચોરી લીધો! હંસિકાએ તે વખતે કહ્યું હતું, “આ મારે માટે મોટી કિંમત છે…” પણ સોહેલે તેની પહેલી પત્ની રિંકી સાથે છૂટાછેડા લઇ હંસિકા સાથે લગ્ન કરી લીધા હતા.
ડિવોર્સની વાત કેવી રીતે આવી?
લગ્ન પછી માત્ર ૧.૫ વર્ષમાં જ વાતો બદલાઈ ગઈ. ૨૦૨૪ના જુલાઈ મહિનાથી બંને અલગ અલગ રહેવા લાગ્યા. તેમના સ્વભાવ, વિચારો અને જીવનની રીતમાં મોટો તફાવત આવી ગયો હતો. જાણે બંને એકબીજા માટે કોમ્પેટીબલ જ ન હોય! કોઈ મોટા ઝઘડા કે લડાઈ નહીં પરંતુ બંને એકબીજાથી અલગ થઇ ગયા, બધું શાંત અને સમજી-વિચારીને થયું. આમ માત્ર ત્રણ જ વર્ષમાં બંને એકબીજાથી અલગ થઇ ગયા.
૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટે તેમનો ડિવોર્સ મંજૂર કરી દીધો. આ ડિવોર્સ ‘મ્યુચ્યુઅલ કન્સેન્ટ’થી થયો છે – એટલે કે બંનેની સહમતીથી. હંસિકાએ કોઈ એલિમોની (જાળવણીના પૈસા) પણ ન માંગી! તેમના વકીલે પણ મીડિયાને કહ્યું કે બધું શાંતિથી પતી ગયું છે.
ડિવોર્સ પછી હંસિકાએ પોતાના સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ કરી. તેમણે લખ્યું: “Chardi Kala always” (હંમેશા ચડતી કલા – એટલે હંમેશા ખુશ અને ઉપર જવાની ભાવના). આ પોસ્ટ જોઈને ફેન્સે તેને ખૂબ સપોર્ટ કર્યો. જોકે આ પછી હંસિકાની એક્સ સિસ્ટર-ઇન-લો નેન્સી જેમ્સએ પણ કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ કરી જેમાં “આ વિશ્વ બધું ફેક છે”, “પેઇડ PR” અને “સત્ય બહાર જરૂર આવશે” જેવા વાક્યો હતા. નેન્સી જેમ્સ હાલમાં તેના પતિ સાથે ડિવોર્સ લઇ રહી છે તેથી હંસિકાના મામલામાં પડવા નથી માંગતી. જોકે તેણે એવી પોસ્ટ કરી છે કે ‘આ પરિવારે મને ઘણી હેરાન કરી છે. હવે મારે તેમની સાથે કોઇ પણ પ્રકારના સંબંધો નથી જોઇતા તેથી હું ડિવોર્સ લઇ રહી છું.
હું મારા પતિ, તેની બહેન અને તેની માતાની વિરુદ્ધમાં ઘરેલું હિંસાનો કેસ નોંધાવી ચૂકી છું. હું પોતે આમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહી છું. મને હંસિકાના ડિવોર્સ સાથે કોઇ લેવાદેવા નથી. મને એનાથી દૂર રાખો.’ જેને કારણે લોકોની ક્યોરયોસિટીમાં ‘આગમાં ઘી હોમવા’ જેવું હતું. જોકે, હંસિકા તરફથી કોઇ રિએક્શન જોવા મળ્યો નથી. પતિથી ડિવોર્સ થવા પાછળ હંસિકાએ તેની ફેમેલીમાંથી કોઈને બ્લેમ નથી કર્યું. પરંતુ તેની લીગલ બેટલ હજી ચાલુ જ છે.
ઘણાં માને છે કે હંસિકાએ પોતાની ફ્રેન્ડ રિંકીનું ઘર બરબાદ કરી નાંખ્યું તેથી તેના પણ ડિવોર્સ થઇ રહ્યાં છે. તેનો કર્મા જ તેને આડે આવ્યો છે. જોકે, તેમને રીંકી તરફથી પણ કોઇ રિસ્પોન્સ જોવા મળ્યો નથી. •

Most Popular

To Top