Charchapatra

કયારે કાઢી જવાના??

 ‘નામ તેનો નાશ’ એ કહેવત બહુ જાણીતી છે.  જીવન પછી અંતે મૃત્યુએ પણ સનાતન સત્ય છે. માણસ સંસારીક સંબંધોથી ઘેરાયેલો હોય છે. ઘર, પરિવાર, સગા-વ્હાલા, મિત્રો, લાગણીના સંબંધો ધરાવતા હોય છે. સંસારરૂપી પથ પર પતિ, પત્ની, પુત્ર, પુત્રી, ભાઇ-બહેન સાથે મોહ-માયાના તાણાંવાણાં જોડાયેલા હોય છે. ઘરમાં કે સમાજમાં કે દુનિયાદારીમાં વ્યકિત ગમે તેટલો લોકપ્રિય કે માનીતો હોય, પરંતુ બધા સંબંધો જીવતે જીવ રહેતા હોય છે. પરંતુ વ્યકિતનું મરણ થયું, બસ ત્યાર પછી કોઇ તેના મૃતદેહને ઘરમાં રાખવા તૈયાર નથી હોતા.

મિત્રો,સ્નેહીઓ, સદ્‌ગતની અંતિમ યાત્રામાં જોડાવા માટે એક-બીજાને પુછતા હોય છે. ‘કયારે કાઢી જવાના’ આજ સુધી તમે તેની સાથે હર્યા, ફર્યા, આનંદથી જીવન સુખ-ચેનથી વિતાવ્યું એ જ વ્યકિતનું મોત થતાં કેમ ઘરમાંથી જલદી કાઢવાની ઉતાવળ કરો છો? ફિલ્મ ‘સફર’માં કિશોરકુમારના સ્વરમાં સરસ ગીત છે. જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહીં, કોઇ જાના નહીં, જિંદગી કો બહોત પ્યાર હમને કીયા, મૌત સે ભી ગલે લગાયેંગે હમ… આમ જીવનને માણ્યું, તો મોતને પણ સ્વીકારી લો. એજ જીવનની ફિલસૂફી છે. મોત અલ્પ વિરામ છે. કેટલું જીવ્યા તે મહત્વનું નથી કેવું જીવ્યા તેને લોકો યાદ કરે છે.
તરસાડા           – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેખાદેખીમાં ઉભરાતો પ્રભુપ્રેમ કે રાષ્ટ્રપ્રેમ લાંબો ટકતો નથી
થોડા સમય પહેલાં  અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટનને અગત્યના લોકભોગ્ય પ્રસંગમાં ફેરવવા માટે  દેશના પ્રધાનમંત્રી દ્વારા અયોધ્યામાં દેશની અલગ અલગ ક્ષેત્રની જાણીતી હસ્તીઓની હાજરીમાં  પૂજા અર્ચના કરી એનો પ્રચાર–પ્રસાર કરવામાં કોઇ કસર ન છોડાઇ. આ ઉપરાંત શ્રીરામ અને હનુમાન કે જેઓ હિંદુઓનાં સૌથી પ્રિય પાત્રો છે એના માધ્યમથી લોકોને શ્રીરામ અને હનુમાનમય બનાવી પોતાના પક્ષ તરફ વાળવાના મૂળભૂત આશયથી દેશના સત્તાપક્ષે દરેક સ્થળે શ્રીરામ અને હનુમાનના ઝંડા અને પોસ્ટરો લગાવવા પણ અપીલ કરેલ એના પ્રતિસાદ સ્વરૂપે શહેર આખાનાં મકાનો, મહોલ્લા, સોસાયટીઓના દરવાજા અને શોપીંગ સેન્ટર્સ પર આ ઝંડા, પોસ્ટરો ફરકતાં કરવા દરેક ઘરો, મહોલ્લા અને સોસાયટીઓમાં ઝંડા અને પોસ્ટરો પહોંચાડવામાં આવ્યાં.

આ બંન્ને ધાર્મિક પ્રસંગો પતી ગયા પછી આ પોસ્ટરો અને ઝંડા ઉઘરાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલ કરી. લોકોને એ ઝંડા અને પોસ્ટરો નજીકની કોર્પોરેશનની ઓફિસે જમા કરાવવાની અપીલ કરેલી, પરંતુ ભાગ્યે જ કોઇક એવા ઘર, ફ્લેટ કે સોસાયટી હશે, જેમણે આ ઝંડા અને પોસ્ટરો જમા કરાવ્યાં હશે. આજની તારીખે પણ ઘણી સોસાયટીઓના દરવાજા, ઘરો અને ફ્લેટો પર લોકોના આરાધ્ય દેવોના ઝંડા, પોસ્ટરો લટકતાં જોવા મળી રહ્યાં છે.

ઘણી જગ્યાઓએ તો આ મેલા થઇ ગયેલ ઝંડાઓનો રંગ પણ ઝાંખો પડી ગયો છે તેમ છતાં એ ઉતારી લેવાની તસ્દી જે તે ફ્લેટ હોલ્ડર કે મકાનમાલિક લેતાં નથી. શક્ય છે કે ઘણાં લોકોને ભગવાન શ્રીરામ અને હનુમાનમાં એટલી શ્રધ્ધા ન પણ હોય, પરંતુ દેખાદેખીમાં આ ઝંડા લટકાવ્યાં હોય જે હજુ મેલાં થઇ લટકી રહ્યાં હોય. કોઇક જગ્યાએ તો આપણો રાષ્ટ્રધ્વજ પણ મેલો થઇ કાયમ ફરકતો નહીં, પણ લટકતો  દેખાઇ રહ્યો છે. આ હકીકત દર્શાવે છે કે દેખાદેખીમાં ઉભરાતો રાષ્ટ્રપ્રેમ કે પ્રભુભક્તિ બહુ સમય ટકી શકતાં નથી, જેના હજુ પણ મેલા થઇ લટકી રહેલ ઝંડા સાક્ષી છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top