એક યુવાનને ખબર પડી કે હંમેશા મસ્જિદની સામેના ઝાડ નીચે પોતાની મસ્તીમાં મસ્ત રહેતા ફ્કીરબાબા પાસે દરેક સવાલના સાચા જવાબ હોય છે. તેઓ પોતાના એક વાક્યના જવાબમાં ઘણું ઘણું સમજાવી દે છે.યુવાને વિચાર્યું કે હું જઈને જોઉં તો ખરો અને કૈંક શોધીને એવો સવાલ પૂછું કે જેનો જવાબ ફકીર બાબા પાસે હોય જ નહિ. યુવાન તેમની પાસે ગયો. થોડે દૂર ઊભો રહીને તે ફકીરબાબાને જોવા લાગ્યો.એક માણસે આવીને ફકીરને પૂછ્યું, ‘બાબા, જીવન સફળ કરવા માટે શું કરું?’ ફકીરે ઉપર તરફ આંગળી કરીને કહ્યું, ‘તારા ઉપરવાળાની ભક્તિ કર.’ યુવાન થોડી વાર બધું અવલોકન કર્યા બાદ ફકીરબાબા પાસે ગયો અને પૂછ્યું, ‘બાબા, પ્રાર્થના કરવાનો સાચો સમય કયો? જીવનમાં કયારે પ્રાર્થના કરવી જોઈએ?’
ફકીરે કહ્યું, ‘જીવનમાં આપણા મૃત્યુના દિવસે પ્રાર્થના કરવી જોઈએ.’ફકીરબાબાની જાણે ભૂલ કાઢતો હોય તેમ યુવાન બોલ્યો, ‘ફકીર બાબા, આપણા મૃત્યુનો દિવસ તો કયાં કોઈને ખબર હોય છે?મારું મૃત્યુ કયારે થશે તેની મને ખબર નથી.શું તમને ખબર છે કે તમારું મૃત્યુ ક્યારે થવાનું છે? તો પછી પ્રાર્થના ક્યારે કરવાની?’ યુવાનની વાત સાંભળી ફકીર હસવા લાગ્યા અને મોટેથી બોલ્યા, ‘યુવાન, તું મારી કસોટી કરવા આવ્યો હોય તેમ સામો સવાલ પૂછે છે. પોતાને હોંશિયાર સમજે છે, પણ તું મૂર્ખ છે.આ પૃથ્વી પર મૃત્યુ બધાનું નિશ્ચિત જ છે પણ કોનું મૃત્યુ ક્યારે છે તેની કોઈને જ ખબર નથી અને તું મને શબ્દોમાં ગુંચવવાના પ્રયાસમાં સમજ્યો જ નથી કે મેં શું કહ્યું અને તેનો અર્થ શું થાય.’
યુવાન થોડો ડરી ગયો.ફ્કીરબાબાના પગમાં પડીને કહેવા લાગ્યો, ‘બાબા, મારી ભૂલ થઇ. મને માફ કરો અને મહેરબાની કરી મને સમજાવો કે તમે શું કહેવા માંગો છો.’ ફ્કીરબાબા બોલ્યા, ‘યુવાન, તેં પૂછ્યું કે પ્રાર્થના કરવાનો એકદમ સાચો સમય કયો? અને મેં જવાબ આપ્યો કે આપણા મૃત્યુનો દિવસ,એટલે એનો અર્થ થાય કે આપણને ખબર નથી કે આપણું મૃત્યુ ક્યારે છે.આજે પણ હોય.કાલે પણ હોય.વર્ષો પછી પણ હોય અને આ ઘડીએ પણ હોય એટલે આપણે સતત રોજ પ્રાર્થના કરવી જોઈએ, જેથી આપણા મૃર્ત્યુના દિવસે આપણે પ્રાર્થના કર્યા વિના ન મરીએ.મૃત્યુ આવે નહિ ત્યાં સુધી રોજે રોજ પ્રાર્થના કરતાં રહેવું જરૂરી છે.’ફકીરબાબાના જવાબે યુવાનની આંખો ખોલી નાખી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.