એક દ્રષ્ટાંત કથા છે.એક યાત્રી જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો.ત્યાં અચાનક ત્રણ ડાકુઓએ યાત્રીને ઘેરી લીધો અને તેનું બધું ધન લૂંટી લીધું.યાત્રીને લૂંટી લીધા બાદ એક ડાકુએ કહ્યું, ‘આ યાત્રીને હવે મારી જ નાખીએ. તેને જીવતો રાખવાની શું જરૂર છે?…’આટલું બોલી તેણે મ્યાનમાંથી તલવાર કાઢી અને યાત્રીને મારવા માટે હાથ ઊંચો કર્યો.પણ બીજા ડાકુએ તેનો હાથ રોકતાં કહ્યું, ‘શું કામ આ યાત્રીને મારે છે?
આપણે તેનું બધું ધન તો લૂંટી લીધું છે.મારવાથી કોઈ લાભ થવાનો નથી.આપણે તેને અહીં બાંધી દઈએ અને જતાં રહીએ. તેનું ભાગ્ય સાથ આપશે તો છૂટીને બચી જશે અને નસીબ ખરાબ હશે તો કોઈ જંગલી જાનવર તેનો શિકાર કરી તેને ખાઈ જશે.આમ નક્કી કરી યાત્રીનું બધું ધન લૂંટી તેને ઝાડ સાથે બાંધીને ત્રણે ડાકુ જતા રહ્યા.યાત્રી અફસોસ કરતો પોતાના નસીબને કોસતો છૂટવા માટે ફાંફા મારી રહ્યો હતો અને કોઈ જંગલી જાનવર આવીને તેને ખાઈ ન જાય તેની ચિંતા તેને સતત સતાવી રહી હતી.
થોડી વાર થઇ. કોઈ જાનવર તો ન આવ્યું, પણ ત્રણ ડાકુમાંથી એક ડાકુ આવ્યો અને બોલ્યો, ‘ભાઈ અમે તને લૂંટી લીધો, ઘણો પજવ્યો..લાવ હું તને બંધનમાંથી મુક્ત કરી જંગલમાંથી ગામ તરફ જવાનો સાચો માર્ગ બતાવી દઉં.’આટલું કહી ત્રીજા ડાકુએ યાત્રીને બંધનમાંથી મુક્ત કર્યો અને જંગલમાંથી ગામનો રસ્તો બતાવ્યો.યાત્રીએ તેને કહ્યું કે, ‘તમે મારી સાથે મારા ઘરે ચાલો.મને તમારો આભાર માનવાનો મોકો આપો.’ ત્રીજો ડાકુ બોલ્યો, ‘આજે નહિ, હું પછી ક્યારેક તને મળીશ.’
યાત્રી ‘જાન બચી તો લાખો પાયે’એમ વિચારતો વિચારતો ઘરે જતો હતો કે ભલે પૈસા લુંટાયા પણ પોતે બચી તો ગયો તે માટે ભગવાન તારો ખૂબ ખૂબ પાડ.ઘરે જઈ તેના આશ્ચર્ય વચ્ચે તેણે જોયું કે તેના લુંટાયેલા પૈસાની પોટલી તેના ઘરની બહાર જ પડી હતી.અને જોડે એક ચિઠ્ઠી હતી તેમાં લખ્યું હતું કે ‘આ દુનિયા એક જંગલ છે ..એમાં ત્રણ ડાકુ રહે છે, તેમનાં નામ સત્ત્વ –રજસ્-તમસ્ છે.તમસ્ મનુષ્યને ઘેરી વળી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.રજસ્ તમને સંસારની મોહમાયામાં બાંધી રાખે છે અને ધીમે ધીમે પતન તરફ લઇ જાય છે.જયારે સત્ત્વ મનુષ્યને તમસ્ અને રજસથી છોડાવે છે અને જીવનના સાચા માર્ગ પર આંગળી ચીંધે છે જ્યાં કોઈ ભય નથી … અને જે માર્ગ સાચા જીવન અને ઈશ્વર તરફ દોરી જાય છે.’