આગ લાગે ત્યારે કૂવો ખોદાય આ ઉકિતને આપણા શાસનકર્તાઓ બખૂબી સાચી પાડી રહયા છે. તાજેતરમાં અશ્વિનીકુમારની મિલમાં આગ લાગી હતી. આ પહેલાં પણ હોસ્પિટલોમાં, ટયુશનકલાસિસ કે અન્ય સ્થળોએ આગ લાગવાના ઘણા બનાવો બન્યા છે અને તેમાં ઘણાં માસુમોએ જીવ ગુમાવ્યા છે.
વારંવાર આવી ઘટનાઓ બને છે ત્યારે તપાસ સમિતિઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલી હોય છે. આગની ઘટનાઓ બન્યા પછી આ તપાસ સમિતિઓ નિદ્રામાંથી બેઠી થઇ કામે લાગે છે. આગ લાગી જાય, તે બુઝાઈ પણ જાય, અનેક લોકોના જીવ જાય અને પછી ત્યાં ફાયર સેફટીનાં સાધનોની તપાસ કરવા તપાસ સમિતિઓ દોડી જાય છે.
આવી તપાસ સમિતિઓ નીમવાનો શો અર્થ? જે આગ લાગ્યા પછી કૂવો ખોદે!? તપાસ સમિતિનું કામ જ તપાસ કરવાનું હોય તો તેઓ આગોતરી તપાસ ન કરી શકે? જયાં ફાયર સેફટીનાં સાધનો નથી અથવા જયાં આવી ઘટના બનવાનાં ભયસ્થાન છે ત્યાં આગોતરી તપાસ ચલાવીને અન્ય લોકોના જીવ બચાવવા અને દુર્ઘટના ટાળવામાં શું એમને રસ નથી?
અમરોલી -પાયલ બી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.