SURAT

વરસાદે બ્રેક લેતાં સુરતમાંથી ખાડી પુરના પાણી ઓસર્યા, જનજીવન ફરી ધબકતું થયું

સુરતઃ સુરતમાં ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદમાં ખાડીઓ કાંઠા ઓળંગીને ઓવરફ્લો થઈ હતી. ખાસ કરીને સીમાડા ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જોકે, આજે વરસાદે બ્રેક લેતાં ખાડી પુરના પાણી ઓસરી ગયા છે. રસ્તાઓ ખુલ્યા છે. લોકોના ઘરમાંથી પાણી ઉતરી ગયા છે અને જનજીવન ફરી ધબકતું થયું છે.

સુરત સહિત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ બંધ છે. જેના કારણે ખાડીપૂરમાં ફસાયેલા લોકોને થોડીક રાહત થઈ છે. જોકે વરસાદની આગાહી યથાવત છે, તેથી હજુ માથે સંકટ તોળાઈ રહ્યું છે. સુરતની મધ્યમાંથી પસાર થતી કાકરા, ભેદવાડ અને ભાઠેના ખાડીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

જ્યારે મીઠી ખાડીના લેવલમાં કોઈ ઘટાડો થયો નથી. જ્યારે સીમાડા ખાડી હાલ પણ ઓવરફ્લો વહી રહી છે. સીમાડા ખાડી ઓવરફ્લો હોવાના કારણે સીમાડામાં વાલમ નગર સોસાયટી, સરથાણા વ્રજ ચોક, સણિયા હેમાદ, સારોલી ગામ, ભારત કેન્સર હોસ્પિટલ રોડ પર હજુ પણ પાણી ભરાયેલાં છે. કોઝવે ઓવરફલો હોવાથી વાહનવ્યહાર માટે બંધ છે.

મેઘરાજાએ વિરામ લેતા તંત્ર પણ રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે. સાથે જ સ્થિતિ વિકટ ન બની હોવાથી લોકોનું સ્થળાંતર પણ અટકાવી દેવામાં આવ્યું છે. સવારથી લોકો કામ ધંધે પણ નીકળી ગયા છે. ઘરવખરીના પલળી ગયેલા સામાન્ય પણ સુકવવામાં આવી રહ્યા છે.

સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણી ઓસર્યા હતા. જેના કારણે ખાડીના ગંદા અને કાદવયુક્ત પાણી વચ્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજ વસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યો હતો.

સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ ભરાઈ ગયો હતો. આ પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર સાથે ચાલી રહ્યું છે. ત્યારે કાયમી નોકરી કરતા પોલીસ કર્મચારીઓને ગંદકી અને કાદવ વચ્ચે પણ કામ કરવાની ફરજ પડી હતી. આજે પાણી ઉતરતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર સુરત શહેરમાં વરસાદ ઓછો થતાં જે વિસ્તારોમાં પાણી ઉતરવા લાગ્યા છે ત્યાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પૂર જોશમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમજ મેડિકલ ટીમ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે સઘન સર્વિલન્સ ની ટીમ કાર્યરત કરવામાં આવી રહી છે.

મનપા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરાઈ
રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર હળપતિ વાસ, અવધપુરી સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ઉતરતા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયરશ્રી ડો. નરેન્દ્ર ભાઈ પાટીલ, ભાઈ સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, તેમજ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

Most Popular

To Top