Comments

જીવાદોરી જ કપાવા લાગે ત્યારે..

પ્રાચીન કથાઓમાં જાતભાતના દૈત્યોની વાત આવે છે. ક્યાંક તેઓ ફૂંક મારીને આગ લગાવે, તો ક્યાંક જળાશયને સૂકવી દે. આવી અમાપ વિનાશક શક્તિઓ ધરાવતા વિવિધ દૈત્યો આખરે દેવતાઓના હાથે જેર થાય, પણ ઍ પહેલાં તેઓ ઘણું બધું નુકસાન કરી ચૂક્યા હોય. બાળપણમાં લાગતું કે આ કથાઓ અને એમાં આવતા દૈત્યો કાલ્પનિક હશે, પણ હવે સમજાય છે કે એ વાસ્તવિક છે, એટલું જ નહીં, તેની વિનાશક શક્તિઓ વાર્તામાં વર્ણવાઈ હોય એના કરતાં અનેકગણી વધુ છે.

પ્રવર્તમાન સમયના આવા એક દૈત્યનું નામ છે જળવાયુ પરિવર્તન, જેને અંગ્રેજીમાં ‘ક્લાઈમેટ ચેન્જ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દૈત્ય કંઈ આકાશમાંથી નથી ટપકેલો. તે પૂર્ણપણે માનવીની ગતિવિધિઓનું પરિણામ છે, એટલે કે તે માનવસર્જીત છે. માનવની જરૂરિયાત અને એ માટેની મહત્ત્વાકાંક્ષાઓએ તમામ પ્રકારની હદ વટાવી દીધી તેને પરિણામે પેદા થયેલો આ દૈત્ય છે. તે કયા ક્ષેત્રે, કેવો વિનાશ વેરશે એનો પૂરો અંદાજ આવવો હજી મુશ્કેલ છે, કેમ કે, રોજબરોજ અવનવાં વિપરીત પરિણામ નજર સામે આવી રહ્યાં છે. વિશ્વ બેન્કના એક અહેવાલ અનુસાર, આગામી વીસેક વર્ષમાં ભારતની તેમજ વિશ્વભરની નદીઓ સૂકાતી જશે. ભારતના ભૂગર્ભ જળના સ્રોતની સ્થિતિ કટોકટીયુક્ત હશે, જે નદીમાંના પાણીના પ્રવાહને અસર કરશે. આમ થવાનું કારણ? કારણ એક જ, જળવાયુ પરિવર્તન!

આસામની બ્રહ્મપુત્રા નદીમાં જળ સ્તરનો ઘટાડો અતિશય ચિંતાજનક છે અને તેના ભાવિ પરિણામ અંગે વિચારીને પરિસ્થિતિની ગંભીરતાની ચિંતા થાય એવું છે. ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં નદીના કેટલાક ભાગમાં ફેરી સેવાને સ્થગિત કરી દેવામાં આવી. અલબત્ત, તે પછી ચાલુ કરાઈ. પણ એક હોડી નદીની રેતમાં કલાકો સુધી ફસાઈ ગઈ અને લોકો ગભરાઈ ઊઠ્યા. ચોમાસા પછી આમ તો નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતો હોય છે, પણ આ વર્ષે નોંધાયેલો ઘટાડો અભૂતપૂર્વ છે. કેવળ બ્રહ્મપુત્રામાં આ સ્થિતિ છે એમ નથી. દેશના અન્ય ભાગની નદીઓમાં પણ જળસ્તર ઘટ્યું છે. એ માટે અનેક પરિબળો જવાબદાર છે, જેમાં સિંચાઈ, ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો, વન્ય આવરણ ઓછું થવું વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લાં ઘણાં વરસોથી કૃષ્ણા અને વરહી જેવી નદીઓમાં જળપ્રવાહ ઘટી રહ્યો છે. આ તમામનો ટોપલો જળવાયુ પરિવર્તનના માથે નાખવામાં આવ્યો છે, જે સાચું પણ છે.

આ મામલે આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય એમ છે કે આવી સ્થિતિએ કેવળ ભારત પૂરતી મર્યાદિત નથી, બલકે વિશ્વભરમાં વ્યાપેલી છે. ઠેરઠેર નદીઓના જળપ્રવાહ ઘટી રહ્યા છે અને તેનાથી અનેક રીતે ગંભીર નુકસાન થઈ રહ્યું છે.  અમેરિકાની કોલોરાડો નદીની જળરાશિ ઘટી રહી છે અને અમેરિકન સરકારે તેને બચાવવા માટે કટોકટીનાં પગલાં લેવાં પડ્યાં છે. ચીનની યાંગત્સે નદીનો પ્રવાહ પાતળો પડી રહ્યો છે, જેને કારણે ચીનના અમુક ભાગમાં વિપરીત અસર પડી રહી છે. યુરોપની હાઈન અને ડાન્યુબ નદીઓમાં વહાણવટાના વ્યવસાયને ગંભીર અસર પહોંચી છે.

નદીઓનો પ્રવાહ એવી વિચિત્ર રીતે અસરગ્રસ્ત થાય છે કે નવાઈ લાગે. હિમપર્વતમાંથી નીકળતી નદીઓમાં ભારે પૂર આવી રહ્યાં છે, કેમ કે, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે હિમનદીઓ પીગળી રહી છે. તો બીજી બાજુ હિમપર્વતમાંથી ન નીકળતી હોય એવી નદીઓ સૂકાઈ રહી છે, જેને કારણે તેના કાંઠા પરના જીવનને વિપરીત અસર થાય છે. આગામી વરસોમાં નાઈલ નદીના પ્રવાહમાં પચાસ ટકા જેટલું પરિવર્તન આવશે એવી ધારણા છે. એ પૂરસ્વરૂપે પણ હોઈ શકે કે પછી દુષ્કાળ તરીકે પણ હોઈ શકે. વિશ્વની મોટા ભાગની નદીઓ ઉચ્ચતમ અને નિમ્નતમ જળસ્તરના નવા વિક્રમ સર્જી રહી છે. ઘણી બધી નદીઓમાં અગાઉ કદી ન આવ્યું હોય એવું ભારે પૂર અથવા જળસ્તરમાં અભૂતપૂર્વ રીતે ઘટાડાની સ્થિતિ સર્જાઈ રહી છે. બ્રહ્મપુત્રા થોડા મહિના અગાઉ બેય કાંઠે હતી અને હવે ઘણી જગ્યાએ તે સૂકાઈ ગઈ છે.

એક વાત સમજી લેવા જેવી છે કે ફક્ત જળવાયુ પરિવર્તનને દોષ આપીને બેસી રહેવું આ સમસ્યાનો ઉકેલ નથી. સ્થાનિક સ્તરે પણ નદીમાં અનેક જાતનું પ્રદૂષણ ફેલાતું રહે છે. તેમાં આડેધડ ફેંકાતો પ્લાસ્ટિકનો કચરો તેમજ અન્ય સામગ્રી નદીના પ્રવાહને અવરોધે છે, તેમજ તેની જૈવપ્રણાલીને વિપરીત અસર કરે છે. આપણે નદીને ‘લોકમાતા’નું બિરુદ તો આપી દીધું અને માની લીધું કે તે પોતાનાં બાળ એટલે કે માનવજાતનાં સઘળાં દુષ્કૃત્યો માફ કરી દેશે. આપણે તેને પહેલાં ‘જીવાદોરી’ગણતા હતા, પણ એ પછી તેનો ઉપયોગ ખેતી, વ્યાપાર, પીવાનું પાણી, ગંદુ પાણી છોડવા, પ્રવાસન અને પરિવહન માટે વધતો રહ્યો. તેને કારણે આપણે કદાચ સમૃદ્ધ બન્યાં હોઈશું, પણ નદીને મૃતઃપ્રાય અવસ્થામાં આપણે લાવી મૂકી.

હજી આપણને એનું ભાન નથી પડતું. નદી કાંઠાના સૌંદર્યીકરણની કે નદીઓને એકમેક સાથે સાંકળવાની યોજનાઓનું આયોજન થઈ રહ્યું છે. એ દર્શાવે છે કે નદીઓને તે શી રીતે વિપરીત અસર કરશે એ આપણે સમજવા માગતા જ નથી. પ્રત્યેક નદીનો જળમાર્ગ આગવો છે, એમ તેની જૈવપ્રણાલી પણ આગવી છે. આથી તેની સમસ્યાને અલાયદી રીતે ઉકેલવી જરૂરી છે. જળવાયુ પરિવર્તનનો જીન શીશીમાંથી બહાર નીકળી ચૂક્યો છે. તેને નાથીને પાછો શીશીમાં પૂરવો હવે અશક્ય જણાય છે. સરકાર કે સંબંધિત સંસ્થાના પક્ષે જ્યારે અને જે આયોજન થાય ત્યારે ખરું, એક નાગરિક તરીકે વ્યક્તિગત સ્તરે આપણે નદીને પ્રદૂષિત કરતાં અટકવાની પહેલ કરવા જેવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top