Comments

સરકાર ભરતી જ ન કરે ત્યારે બધી જ્ઞાતિઓને અન્યાય થાય છે

ગુજરાતમાં જી.પી.એસ.સી. દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બાબતે ફરીથી વિવાદ ઊભો થયો છે. દુ:ખની વાત એ છે કે રોજગારી કરતાં જાતિવાદનો મુદ્દો વધારે પ્રબળ બન્યો છે. લેખિત પરીક્ષામાં વધારે માર્કસ સાથે પાસ થયેલાં ઉમેદવારોને મૌખિક ઈન્ટરવ્યુમાં ઓછા માર્કસ આપી નાપાસ કરવામાં આવે છે તેવા આક્ષેપો થયા છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં ચોક્કસ જ્ઞાતિનાં યુવાનોને પસંદ કરાય છે. ચોક્કસ જ્ઞાતિનાં યુવાનોને નાપાસ કરાય છે તેવા આક્ષેપ થયા છે અને મૌખિક ઈન્ટરવ્યુમાં ચોક્કસ જ્ઞાતિનાં યુવાનોને પસંદ કરાય છે. ચોક્કસ જ્ઞાતિનાં યુવાનોને નાપાસ કરાય છે તેવા આક્ષેપો સાથે શ્રી હસમુખ પટેલને હોદ્દા પરથી દૂર કરવાની માંગણી થઇ છે.

સમગ્ર વિવાદમાં કોંગ્રેસે ઉપયોગી સૂચન કર્યું છે કે મૌખિક ઈન્ટરવ્યુના ગુણ ઘટાડી દેવામાં આવે તો ઈન્ટરવ્યુ દ્વારા પક્ષપાતની શકયતા ઘટી જાય! જો કે આખો વિવાદ લેખિત પરીક્ષા પછી મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા ભરતી થાય છે તેવા ગુજરાત સરકારના વર્ગ એક અને બેના કર્મચારીની ભરતી પ્રક્રિયા પૂરતો જ છે. વર્ગ ત્રણ અને ચારમાં તો માત્ર લેખિત પરીક્ષાના મેરીટના આધારે જ ભરતી થાય છે અને ત્યાં મૌખિક ઈન્ટરવ્યુના પક્ષપાતનો પ્રશ્ન જ નથી. હા, એક જ હેતુલક્ષી પરીક્ષા દ્વારા મેરીટ કેવી રીતે નક્કી થાય તે ગુણવત્તાના પ્રશ્નો અહીં છે જ પણ મુદ્દો જાતિવાદી નથી માટે તેના માટે કોઇ બોલતું નથી.

મુદ્દો જાતિનો ના હોય તો કોઇ બોલે નહીં તે વાત વર્ગ એક અને બેની ભરતી પ્રક્રિયામાં ગુજરાતી વિષયના માર્કસ મેરીટમાં ન ગણવા બાબતે નિર્ણય થવો. જે તમામ ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ મૂળ તો ગુજરાતી યુવાનોને અન્યાયકર્તા છે. તે સમયે જ સ્પષ્ટ થઇ ગયું અને સૌથી અગત્યનો મુદ્દો તો એ કે સરકાર વિવિધ સરકારી સ્થાનો પર ભરતી કરે તો આ જ્ઞાતિનાં યુવાનોને નોકરી મળી.

પેલી જ્ઞાતિનાં યુવાનોને અન્યાય થયો તેવી તુલનાત્મક ફરિયાદ થાય! પણ સરકાર ભરતી જ ના કરે તો ગુજરાતનાં તમામ નોકરીયોગ્ય ઉમેદવારોને અન્યાય થાય તે કોઇ જોતું નથી! માટે શ્રી હરિભાઈ ચૌધરી કે આપના ધારાસભ્યશ્રી ચૈતર વસાવા માત્ર કલાસ વન-ટુની ભરતીમાં OBC, SC, ST વર્ગનાં ઉમેદવારોને અન્યાય થયાની વાત કરે છે. પણ ગુજરાતમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારનાં કર્મચારીઓની લાખો જગ્યાઓ પર છેલ્લાં વીસ વર્ષમાં ભરતી જ નથી થઇ જેમાં સૌથી વધુ નબળાં સામાજિક, આર્થિક વર્ગનાં યુવાનોને જ નોકરી મળવાની હતી. તે વિષે પણ બોલે તે ઇચ્છનીય છે.

આપણે અગાઉ અનેક વખત આ કોલમમાં લખી ચૂકયાં છીએ કે ગુજરાતમાં વ્યાપક બનેલું કોન્ટ્રાકટ પ્રથા અને આઉટ સોર્સિંગનું દૂષણ ત્રીજા અને ચોથા વર્ગની નોકરીઓ ખાઈ ગયું છે અને આ ત્રીજા અને ચોથા વર્ગની નોકરીઓ એટલે સામાજિક, આર્થિક નબળા વર્ગની જ નોકરીઓ. ગુજરાતની શાળા-કોલેજોમાં કારકૂન-પટાવાળાની ભરતી જ નથી થતી. સફાઈ કામદારો અને ચોકીદારોની ભરતી જ ન કરવાનો નિર્ણય જાણે કે લેવાઈ ગયો છે. દુ:ખની વાત તો એ છે વડાપ્રધાનશ્રીના વિચારમાંથી જન્મેલું ‘સ્વચ્છ ભારતનું સ્વચ્છતા અભિયાન સફાઈ કામદારો વગરનું છે. ડોર ટુ ડોર કચરાના કલેકશન માટે આવતી ગાડીઓ નેતાઓના મળતિયાના કોન્ટ્રાકટ છે.

રાજ્યની તમામ ગ્રામ-તાલુકા પંચાયતો, નગર પાલિકા કે મહાનગરપાલિકામાં લાખો સફાઈ કર્મચારીની જગ્યા જ ભરવામાં નથી આવતી. આ કોન્ટ્રાકટ પ્રથાએ આ સફાઈ કર્મચારીની કાયમી રોજગારી કાયમી ધોરણે છીનવી લીધી છે. પણ સફાઈ કામદારો તો SC, ST વર્ગનાં જ હોય’ તેવી માન્યતા એ ઉચ્ચ વર્ગના નેતાઓ કશું બોલતા નથી. ચારે SC, ST અનામત સીટ પર જીતનારા ધારાસભ્યો, સાંસદોને પણ ખબર નથી પડતી કે આ લાખો જગ્યાઓ તો નબળાં અને ગરીબ વર્ગનાં યુવાનોની રોજગારી હતી. સવર્ણ વર્ગના ઉચ્ચ શિક્ષણ મેળવતા કે ઓ.બી.સી. વર્ગનાં સમૃદ્ધ પરિવારોનાં યુવાનો આ નોકરીઓ માટે વિચારતા જ નથી!

ખરો અન્યાય તો આ છે! જો સરકાર શાળા-કોલેજો મામલતદાર કચેરીઓ, સરકારી હોસ્પિટલો કે તમામ જાહેર જગ્યાઓ પર ચાલતી કોન્ટ્રાકટ પ્રથા બંધ કરીને ત્રીજા-ચોથા વર્ગની ખાલી જગ્યાઓ પર ભરતી કરે તો દર લાખ જગ્યામાં પચાસ હજારથી વધારે જગ્યાઓ ઓબીસી, એસટી, એસસી વર્ગનાં યુવાનો દ્વારા જ ભરાશે! પણ ના જે સૌનું એ કોઈનું નહીં! તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે વ્યાપક રોજગારીના સર્જન માટે નહીં બોલવાનું માત્ર મારી જ્ઞાતિનાં યુવાનોને નોકરી મળે અને તે પણ મામલતદાર, કલેકટર કે પી.એસ.આઈ.માં મળે તે માટે જ બોલવાનું માટે જ કહેવાય છે ને કે ‘જાતિ વો હૈ જો કભી નહીં જાતિ!’

શ્રી હસમુખ પટેલ ત્યારથી જી.પી.એસ.સી. દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંભાળે છે ત્યારથી પરીક્ષાના પેપર ફૂટવાની કે અન્ય અનિયમિતતાની ઘટના ઓછી થઇ ગઇ છે! વળી તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ સરકારને પોલીસ બેડામાં મોટા પાયે ખાલી રહેલી જગ્યાઓ સમયબદ્ધ રીતે કાર્યક્રમ જાહેર કરીને ભરતી કરવા સૂચના આપી છે ત્યારે આવનારા સમયમાં પોલીસ ખાતામાં મોટે પાયે ભરતી થવાની છે અને ગુજરાતના ઓ.બી.સી. વર્ગનાં ખડતલ, સાહસી યુવાનો આ ભરતી માટે જોર લગાવશે ત્યારે ભરતી પ્રક્રિયામાં પણ જ્ઞાતિવાદી રાજકારણ રમવાનો તકાજો ગોઠવાઈ રહ્યો હોય તેમ લાગે છે.

આમ તો શ્રીમતી આનંદીબહેન પટેલના રાજીનામા પછી ગુજરાતમાં ક્રમશ: સરકારી ભરતી ઓછી ને ઓછી જ થતી ગઇ છે. પણ છતાં, છેલ્લાં વીસ વર્ષમાં સરકારે જે કોઇ ભરતી કરી છે તેનું જ્ઞાતિ-જાતિનું પૃથક્કરણ કરશો તો ખબર પડશે કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગમાં સમાવિષ્ટ લગભગ 144 જ્ઞાતિઓ માટેની 27 અનામતની જગ્યાઓમાં લગભગ 22 થી 25 ટકા જગ્યા એક જ જ્ઞાતિથી ભરાઈ છે.

144 જ્ઞાતિમાંથી લગભગ 140 જ્ઞાતિ તો હજુ પણ પાછળ જ છે. માત્ર બે કે ત્રણ જ્ઞાતિ જ 27ની અનામતનો લાભ લે છે! માટે જ સુપ્રિમો અનામતમાં પણ કવોટા પ્રથા રાખવાની વાત કરી હતી કે અન્ય પછાત વર્ગ માટે 27 ટકા અનામત ભલે હોય પણ એક જ્ઞાતિથી 27 ટકાની ભરતી ન થાય તે પણ જોવું પડે! ખેર, જેઓ રોજગારીના સાર્વત્રિક મુદ્દાને ચર્ચે છે તેમને રાજ્યમાં કુલ રોજગારી સાથે જ લેવાદેવા હોય છે! સરકારી નોકરીઓ યોગ્ય પ્રમાણમાં વધે અને સમયબદ્ધ રીતે તેમાં ભરતી થાય તે આપણો મૂળ પ્રશ્ન છે. ભરતી થાય જ નહીં તો પક્ષપાત જ થતો નથી એમ ન વિચારશો. ભરતી નથી થતી એ જ મોટો પક્ષપાત છે એ સમજો. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top