આત્યંતિક હવામાનના વધુ એક પરચારૂપે રણપ્રદેશ એવા દુબઈમાં ગયે મહિને, એટલે કે એપ્રિલ, 2024માં એક જ દિવસમાં વરસી પડેલો 154 મિ.મી. જેટલો અધધ વરસાદ. સામાન્ય રીતે દુબઈમાં આનાથી અડધી માત્રામાં વરસાદ સમગ્ર મોસમ દરમિયાન વરસતો હોય છે. છેલ્લે અહીં આવી ઘટના છેક 1949માં થઈ હતી. આટલો બધો વરસાદ આટલા ટૂંકા ગાળામાં વરસે એટલે જે થવું જોઈએ એ જ થયું.
આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો, કેમ કે, વર્ષ દરમિયાન સાવ ઓછી માત્રામાં વરસાદ પડતો હોવાથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અહીં ઊભી કરાઈ જ નથી. આથી આખેઆખું તંત્ર ખોરવાઈ ગયું. વિમાની સેવાથી લઈને રોજબરોજના જીવન પર ગંભીર અસર થઈ. નુકસાનનો અંદાજ આવવો મુશ્કેલ છે, પણ એ કરોડો ડોલરમાં હોવાનું મનાય છે. આ ઘટનાએ વધુ એક વાર હવામાનની વિપરીતતા અને કુદરતી પરિબળોમાં માનવીય હસ્તક્ષેપ અંગેની ચર્ચા જગાવી છે.
એક ધારણા અનુસાર આવા દેમાર વરસાદના મૂળમાં ‘ક્લાઉડ સીડિંગ’ નામની વરસાદની પ્રક્રિયાને વેગવંતી બનાવવાની ટેક્નોલોજીનો ઉપયોગ છે. આ ટેક્નોલોજી આકાશમાં રહેલાં વાદળને નિયંત્રિત કરે છે અને વરસાદને સમય કરતાં વહેલો કે વિલંબિત કરી શકે છે. હકીકત એ છે કે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું દુબઈ શહેર એક અજાયબ શહેર તરીકે છેલ્લાં થોડાં વર્ષોમાં વિકસી રહ્યું છે.
બહુમાળી ઈમારતો, રસ્તા, વિમાની મથકો તેમજ અન્ય અનેક ક્ષેત્રે તેણે સ્થાપત્યકળાના બેનમૂન નમૂના સર્જ્યા છે અને એ પણ સાવ ટૂંકા ગાળામાં. કહેવાય છે કે ઘણું બધું ઘણી ઝડપથી કરી લેવાની ઉતાવળમાં ઝીણવટભર્યું અનેક આયોજન ધ્યાનબહાર રહી ગયું છે. એ પૈકીનું એક આયોજન એટલે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની પ્રણાલીનો અભાવ. વરસાદના અભાવવાળા અતિશય ગરમ અને સૂકા એવા આ વિસ્તારમાં એની જરૂર જણાઈ નહીં.
સંયુક્ત આરબ અમીરાતમાં ‘ક્લાઉડ સીડિંગ’ દ્વારા વરસાદ વરસાવવાની નવાઈ નથી. છેક 1980ના દાયકાથી અહીંના ‘નેશનલ સેન્ટર ઑફ મીટીયરોલોજી’ (એન.સી.એમ.) દ્વારા ‘યુ.એ.ઈ.રેઈન એન્હેન્સમેન્ટ પ્રોગ્રામ’ (યુ.એ.ઈ.આર.ઈ.પી.) અંતર્ગત ‘નેનો મટિરીયલ’ તરીકે ઓળખાતો, મીઠાના આવરણયુક્ત ટીટેનિયમ ઑક્સાઈડ ધરાવતો ‘સીડિંગ એજન્ટ’ વિકસાવવામાં આવ્યો છે. અલબત્ત, આ દુર્ઘટના માટે ‘ક્લાઉડ સીડિંગ’ જવાબદાર ન હોવાનું સત્તાવાળાઓ તેમજ નિષ્ણાતો ભારપૂર્વક કહી રહ્યા છે. તેઓ આને માટે હવામાન પરિવર્તનને કારણભૂત ગણે છે.
આ પ્રકારના બનાવ એકલદોકલ નથી, બલકે વિશ્વભરના વિવિધ પ્રદેશોમાં જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિને કારણે વરસાદ વરસે તો એનું જોર વધુ હોય છે. સાવ સૂકા પ્રદેશમાં ધોધમાર વરસાદ અને વરસાદી વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ ઘણે ઠેકાણે જોવા મળવા લાગી છે. દુબઈની ઘટના એ હકીકતને વધુ ગાઢ કરે છે કે નાણાં, ટેક્નોલોજી કે સાહસવૃત્તિ ભલે અઢળક હોય, કુદરત રૂઠે ત્યારે એ કશું કામ નથી આવતું.
દુબઈમાં જે ધોધમાર વરસાદ વરસ્યો એ વાવાઝોડાની પ્રણાલી સક્રિય થઈ હોવાને કારણે વરસ્યો, જે અરબી દ્વીપકલ્પ પરથી પસાર થઈને ઓમાનના અખાત તરફ આગળ વધતું હતું. ‘નાસા’ દ્વારા બહાર પાડવામાં આવેલી છબીઓમાં સામાન્ય રીતે સૂકા રહેતા આ પ્રદેશમાં પૂરે સર્જેલી ખાનાખરાબીનું પ્રમાણ જોવા મળ્યું. અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લંડનની ‘ઈમ્પિરીયલ કૉલેજ’ના વરિષ્ઠ વ્યાખ્યાતા ફ્રેડી ઓટ્ટોએ કહ્યું છે, ‘આપણે અશ્મિજન્ય ઈંધણને બાળવાનું બંધ કરવું પડશે અને આપણાં શહેરોનું આયોજન નવેસરથી કરવું પડશે. બધે જ કોન્ક્રીટ પાથરવાનું અટકાવવું પડશે. કેમ કે, આપણે ક્યાંય છિદ્રાળુ સપાટી રહેવા દીધી નથી કે જેને કારણે પાણી જમીનમાં શોષાઈ જાય. આને કારણે સડક સાવ ટૂંકા ગાળામાં નદીમાં પરિવર્તિત થઈ જાય છે. સરવાળે, આ આખું આયોજન મોતની જાળ રચે છે, જેને કારણે મૃતકાંક વધે છે.
આપણે વિચારવાનું એ છે કે દુબઈ જેવા અતિ ધનવાન અને વિકસિત દેશમાં આ સ્થિતિ થઈ શકતી હોય તો આપણા જેવા દેશમાં આવું કંઈક થાય તો શી હાલત થાય? હવામાન પરિવર્તન અનેક સ્વરૂપે પોતાના પરચા દેખાડી રહ્યું છે. આપણા દેશમાં પણ આ પ્રકારે મર્યાદિત સમયમાં વરસાદ વરસી જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે- ખાસ કરીને હિમાલયના પહાડી વિસ્તારોમાં. આમ છતાં, વિકાસની અવનવી યોજનાઓની ઘોષણાઓ થયે જાય છે. જે તીવ્ર દુર્ઘટનાઓ બની ગઈ એમાંથી કશો પાઠ શીખવાનું બાજુએ રહ્યું, એ સિફતપૂર્વક ભૂલાવી દેવામાં આવે છે. પર્યાવરણ પર વિપરીત અસર કરતા અનેક પ્રકલ્પો કે પરિયોજનાઓનો વિરોધ થાય છે તો પણ છેવટે એ ખાસ દબાણ પેદા કરી શકતો નથી.
હિમાલયની જૈવપ્રણાલી આમ પણ અત્યંત નાજુક છે. તેની સાથે છેડછાડ જાનમાલનું ઘણું મોટું નુકસાન પહોંચાડી શકે છે. છેલ્લાં પાંચેક વર્ષમાં આ વિસ્તારમાં આની ઝલક આપતી વિવિધ દુર્ઘટનાઓ બની છે, છતાં એ બાબતે કશું વિચારાયું હોય એમ જણાતું નથી. નાગરિક તરીકે આ મામલે સાવ લાચારી અનુભવવી પડે એવી સ્થિતિ છે. તેમના ભાગે દુષ્પરિણામ ભોગવવા સિવાય ભાગ્યે જ કશું આવે છે. નીતિઘડતરના તબક્કે કશું કામ થતું જણાય તો નાગરિકો અશ્મિજન્ય ઈંધણના વિકલ્પના અમલ બાબતે કશું વિચારી શકે કે અમલ કરી શકે. નાગરિકોના કમનસીબે સરકારને મુખ્ય રસ નાણાંકીય આંકડામાં પડે છે. દુબઈના ઉદાહરણ પરથી એટલો બોધપાઠ લેવાય તોય ઘણું, કે નાણાંના જોર કરતાં કુદરતનું જોર વધુ હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.