ડોક્ટરને ધરતી પરના ભગવાન કહેવાય છે. તે દર્દીની સેવામાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે તેમને સમયનું પણ ભાન નથી રહેતું. કોરોના કાળમાં જ્યારે લોકો કોરોના પીડિતને જોઈ દૂર ભાગતા ત્યારે, આ જ ડોક્ટર પ્રેમ અને સેવાભાવથી દર્દીના ઉપચારમાં જોડાઈ જતા. તેમના સમર્પણ અને ઈમાનદારી પ્રત્યે સમ્માન માટે 1st જુલાઈએ નેશનલ ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે. આજ દિવસે 1949માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ હતી. આ દિવસે એટલે કે 1 જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સમ્માન આપવા માટે આ દિવસને CA ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજના ડોક્ટર્સ અને CA ડે નિમિત્તે આપણે મળીએ એવા કપલ્સને જેઓ ડોક્ટર અને CAનંુ કોમ્બિનેશન છે. આમ તો દરેક પ્રોફેશનના પોતાના ફાયદા અને નુકસાન હોય છે. પરંતુ દરેક પરિસ્થિતિમાં બેલેન્સ જાળવવું એ ખૂબ અગત્યનું લછે. ખાસ કરીને કપલ્સમાં બંને પાર્ટનર્સ વર્કીંગ હોય તો એક બીજાને સમય આપવાથી લઇ બાળકો, પરિવાર અને સોશ્યલ લાઇફ બધું મેન્ટેન કરવું ખાસ્સું ચેલેન્જીંગ થઇ જાય છે. તો ચાલો આપણે મળીએ એવા સુરતી ડોક્ટર્સ-CA કપલ્સને અને જાણીએ એ લોકોના જીવન અને પ્રોફેશન વિશેની ઇન્ટરેસ્ટીંગ વાતો…
બધા જ સેલિબ્રેશન રવિવારના દિવસે કરીએ : ડૉ. પાર્થ અને રિદ્ધિ શાહ
ડોક્ટર પાર્થ શાહ ગાયનેકોલોજિસ્ટ છે, જ્યારે તેમના પત્ની રિધ્ધિ CA છે. તેઓ કહે છે મેં હાયર એજ્યુકેશનને મહત્વ આપી લાઈફ પાર્ટનર તરીકે CA રિધ્ધિ સાથે મેરેજ કર્યા. બંનેનું પ્રોફેશન અલગ અલગ હોવાથી અમે 6 મહિના એકબીજાને સમજ્યા અને ત્યાર બાદ મેરેજ કર્યા. મારી પ્રાઇવેટ હોસ્પિટલ છે, જ્યારે વાઈફ રિધ્ધિ ફ્રી લાંસિંગ અને વર્ક ફ્રોમ હોમ કરે છે. મારી લાઈફ કામને કારણે ખૂબ જ વ્યસ્ત રહેતી હોવાથી અમે કોઈ પણ સેલિબ્રેશન રવિવારના દિવસે કરીએ. મેરેજની શરૂઆતમાં હું કામથી વ્યસ્ત રહેતો હતો, ત્યારે મારી વાઈફ મોઢું ફુલાવીને કહેતી કે તમારે તમારી ફિલ્ડની જ ડોક્ટર લાઈફ પાર્ટનર પસંદ કરવી હતી હવે તે મારા પ્રોફેશનને સમજે છે અને મારા પ્રોફેશનને રિસ્પેક્ટ કરે છે. મારા એકાઉન્ટ્સ મારી વાઈફ જ હેન્ડલ કરે છે. ઘરમાં જ CA છે તો પછી તેના પર વધુ ટ્રસ્ટ હોય ને. હું જ્યારે કોઈ ગરીબ દર્દીની ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી આપું તો મારા વાઇફને તે ગમે છે. તેનું કહેવું છે કે ગરીબોની સેવા જેટલી થતી હોય તેટલી કરવી જોઈએ. ડૉ પાર્થના વાઈફ રિધ્ધિ શાહે જણાવ્યું કે હું મેરેજ કરીને મુંબઈથી સુરત આવી. હું પતિ તરીકે ડોક્ટર જ પસંદ કરવા માંગતી હતી અને મને લાઈફ પાર્ટનર તરીકે ડોક્ટર જ મળ્યો. અમે બંને હસબન્ડ – વાઈફ ફર્સ્ટ જુલાઈને સેલિબ્રેટ કરીએ છીએ કેમ કે આ દિવસે અમારા બંનેના પ્રોફેશનનો ડે હોય છે. 6 ડિસેમ્બરે અમારી મેરેજ એનિવર્સરી હતી. મેં અને હસબન્ડે એનિવર્સરી સેલિબ્રેટ કરવાનું નક્કી કરેલું, પણ હસબન્ડને ઇમરજન્સીમાં કામથી જવું પડ્યું હતું. તો અમે મોડી રાતે કોફી બનાવી, કોફીનો ટેસ્ટ લેતાં – લેતાં અલગ અલગ ટોપિક પર ચર્ચા કરી હતી. અમારા બાળક માટે શરૂઆતમાં હું પતિ સાથે વાદ – વિવાદમાં ઉતરી જતી અને કહેતી કે તે CA બનશે ત્યારે મારા હસબન્ડ મને ચિડાવતા કહેતા કે એ તો સમય જ બતાવશે કે દીકરો શું બનશે. હું અને મારા હસબન્ડ એકબીજાના પ્રોફેશનને સપોર્ટ કરીએ છીએ. અમારી લાઈફ હેપી લાઈફ છે.
અન્ડરસ્ટેન્ડીંગ અને પ્રોફેશનને કંઇ જ લાગતું વળગતું નથી : ડો. રાજન અને હેમાલી
ડો. રાજન M.D. ફિઝિશ્યન છે અને એમના વાઇફ હેમાલી C.A. છે. રાજનભાઇ કહે છે કે મારા મમ્મી ડોકટર નહોતા અને મારા માટે ફેમિલી લાઇફ ખૂબ મહત્વની છે અને મને કયારેય અર્નીંગ વાઇફ હોવી જોઇએ એવો મોહ નહોતો એટલે મેં ડોકટર વાઇફ સાથે મેરેજ ન કર્યા. મારા હિસાબે મેરેજમાં અન્ડરસ્ટેન્ડીંગ અને પ્રોફેશનને કંઇ જ લાગતું વળગતું નથી. મારા માટે મારા પાર્ટનરમાં લેવલ ઓફ એજયુકેશન ખૂબ મહત્વનું છે એટલે એ રીતે પાર્ટનર સીલેકટ કરી છે. અમારા બાળકોને પણ અમારે ડોકટર કે C.A. બનાવવું છે એવું કંઇ વિચાર્યું નથી. અમારા બાળકોને અમે ટયુશન પણ નથી રખાવ્યું એ લોકો પોતાની ખુશીથી જે ભણે અને સારા વ્યકિત બને એમાં અમે ખુશ છે. હેમાલી C.A. છે. તેમનું કહેવું છે કે મારા માટે મેરેજનું રાજન તરફથી પહેલું જ પ્રપોઝલ આવ્યું હતું અને એમાં જ હા થઇ ગઇ હતી, એટલે સરખી કરિયરના વ્યકિત સાથે મેરેજ કરવાનો કંઇ ખાસ વિચાર થયો નહોતો. હું અત્યાર સુધી તો હાઉઝ વાઇફ જ રહી છું. મારા ત્રણ બાળકો છે અને મારા માટે ફેમિલી કરિયર કરતા વધુ મહત્વનું હોવાથી મેં કરિયરમાં સ્ટેપ બેક કર્યું છે. રાજન આમ તો એમના પ્રોફેશનમાં ખૂબ બિઝી રહે પરંતુ મહત્વની કોઇ પણ ઇવેન્ટસ તે હાજરી આપવાનું ચૂકતા નથી. રાજન ઘણીવાર કોઇ જરૂરિયાતવાળા પેશન્ટને ફ્રીમાં કે ઓછા પૈસામાં સારવાર આપે છે તેની મને ખુશી છે. સેવાકાર્યની સામે હું પૈસાને એટલું મહત્વ નથી આપતી અને હવે 1-2 વર્ષમાં હું પણ મારા હોસ્પિટલના અકાઉન્ટસમાં રસ લેવાની ઇચ્છા ધરાવું છું.
એક જણે ઓછું બિઝી રહેવું જ જોઇએ તો ‘અભિમાન’ પિકચર જેવી પરિસ્થિતિ ન આવે : યતિશ પારેખ અને ડો. પ્રેરણા પારેખ
યતિશભાઇ C.A. છે અને એમના વાઇફ પ્રેરણાબેન ડોકટર છે. તેઓ કહે છે કે અમારા લવ મેરેજ છે અને જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે અમે વિચાર્યું પણ નહોતું કે અમે ડોકટર અને C.A. થશું. મને એમ લાગે છે કે ઘરમાં એક ડોકટર હોવું એ આખા ફેમિલી માટે ઘણું સારૂં રહે છે. યતિશભાઇ કહે છે કે પ્રેરણાબેન પ્રોફેશનલી વધારે બિઝી રહેતા હતા. મને હંમેશા એમ હતું કે બન્નેમાંથી એક જણે ઓછું બિઝી રહેવું જ જોઇએ તો ‘અભિમાન’ પિકચર જેવી પરિસ્થિતિ ન આવે. યતિશભાઇ કહે છે પ્રેરણાબેને જયારે પણ કોઇ ગરીબ પેશન્ટને સેવાભાવે ટ્રીટમેન્ટ આપી છે તો મેં હંમેશા એમને વધારે એપ્રિશિએટ જ કર્યા છે અને પૈસાને મહત્વ ન આપી સપોર્ટ કર્યો જ છે. તેઓ કહે છે કે પ્રેરણાબેનના પ્રોફેશનલ કમિટમેન્ટસને કારણે તેઓ ધારે એ સમયે ફરવા ન જઇ શકે. પ્રેરણાબેન ગાયનેકોલોજીસ્ટ છે. તેઓ કહે છે કે ઘરમાં C.A. હોવાનો એ ફાયદો મળ્યો છે કે આપણા ફાયનાન્સીસ ઘરના વ્યકિત પાસે જ સારી રીતે મેનેજ થઇ જાય છે. હું પ્રોફેશનલી વધારે બિઝી રહું છું પરંતુ યતિશભાઇ એમના ઓફિસના કલાકો ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં સોશ્યલી ખાસ્સા એક્ટિવ રહ્યા છે અને આજે પણ છે. તેઓએ મારી કોઇપણ ઇમજરન્સી હોસ્પિટલ વિઝિટમાં મને એકલી નથી જવા દીધી. મુવિઝ, પાર્ટીઝ કયાંયથી પણ મને હંમેશા આવવા-જવામાં કંપની આપી છે અને મને ખૂબ સપોર્ટ કર્યો છે. એમની ઓડિટ સીઝનમાં એમને બહારગામ જવું પડે તો મને ચોક્કસ વિચાર આવે કે હું કેવી રીતે મેનેજ કરીશ.
વર્ષમાં 2 વાર 10 દિવસની બહારની ટ્રીપ કરીએ છીએ : મેહુલ અને વિપાશા શાહ
શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે CA 35 વર્ષીય મેહુલ શાહના પત્ની વિપાશા ડૉક્ટર છે. CA મેહુલ શાહે જણાવ્યું કે હું વિપાશાને સ્કૂલ ટાઇમથી ઓળખતો હતો. મેં 12માં ધોરણ પછી CAનો અભ્યાસ શરૂ કર્યો તો વિપાશા મેડિસીન સ્ટડી માટે વડોદરા ગઈ હતી. સ્ટડી પૂરી થયા બાદ અમે લવ મેરેજ ઘરના તમામ મેમ્બરની પરમિશનથી કર્યા. મને પ્રોફેશનલ પાત્ર સાથે લગ્ન કરવા હતા. પછી તે CA હોય કે ડોક્ટર કે પછી આર્કિટેકટ હોય. હું 14 કલાક મારા કામને આપું છું. જ્યારે મારી વાઈફ કામ માટે 8 થી 9 કલાક આપે છે. અમને બંનેને ફરવાનો બહુ શોખ છે. વ્યસ્ત લાઈફ હોવાથી અમે વર્ષમાં 2 વાર 10 દિવસની બહારની ટ્રીપ કરી લઈએ છીએ. આ 2 ટ્રીપમાં વિદેશની પણ ટ્રીપ કરી લઈએ છીએ. વાઇફને મુવી જોવા જવું હોય તો આવા પ્રોગ્રામ માટે હું મારી પ્રેક્ટિસમાથી સમય કાઢી લઉં છું. એટલે બહારના પ્રોગ્રામને લઈને મારી અને વાઈફ વચ્ચે કોઈ વિવાદ નથી થતો. અમારા દીકરો મોટો થઈ ને CA બનશે કે ડોક્ટર તેને લઈને અમારા પતિ – પત્ની વચ્ચે કોઈ વાદ – વિવાદ નથી થતો. CA મેહુલ શાહના પત્ની ડૉ. વિપાશા શાહે કહ્યું કે મારા મમ્મી – પપ્પા બંને ડોક્ટર છે. તેમની વ્યસ્ત લાઈફને મેં જોઈ છે. મને હંમેશા એવું થતું કે મારો લાઈફ પાર્ટનર કોઈ અન્ય ફિલ્ડનો હોવો જોઈએ. અલગ અલગ પ્રોફેશનના હોય તો અલગ અલગ ટોપિક પર ચર્ચા બંને વચ્ચે થઈ શકે. હું અને મેહુલ સ્કૂલ ફ્રેન્ડ હતા. અમે હસબન્ડ – વાઈફ અલગ અલગ રીતે વ્યસ્ત રહીએ છીએ. હસબન્ડ કામની રીતે અને હું બાળકોને લીધે વ્યસ્ત રહું છું. હું કોઈ અન્ય ડોક્ટરને ત્યાંથી રેફરન્સ થઈને આવ્યું હોય તો એ દર્દીની આર્થિક હાલત જોઈને દર્દી ટ્રીટમેન્ટ કે ચેકઅપના જે પૈસા આપે તે લઉં છું અથવા ફ્રીમાં ટ્રીટમેન્ટ આપું છું. મારા હસબન્ડને મારો આવો સ્વાભાવ ગમે છે. મારું એકાઉન્ટ્સ મારા હસબન્ડ જ જુએ છે. તેઓ ખુદ CA છે તો હું તેમને જ મારું એકાઉન્ટન્ટ્સ સોંપુ ને.