સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે મિત્રતા કર્યા બાદ વીડિયો કોલ ઉપર અવાર નવાર વાતો કરી યુવકે પરિણીતા પાસે વીડિયો કોલમાં કપડા કઢાવી તેનું રેકોર્ડિંગ કરી લીધું હતું. બે મહિના પહેલા બંને વચ્ચે ઝગડો થતાં પરિણીતાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી ઉશ્કેરાઇને આ યુવકે પરિણીતાનું રેકોર્ડિંગ તેના ભાઇને મોકલી આપ્યું હતું. આ બનાવની ફરિયાદ થતાં અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- વીડિયો કોલ કરી પરિણીતાના કપડાં કઢાવી અમરોલીની હોસ્પિટલના કેરટેકરે રેકોર્ડિંગ કરી લીધું હતું
- પરિણીતાએ વાત કરવાનું બંધ કરતાં તેને બદનામ કરવા ભાઇને વીડિયો મોકલતા મામલો પોલીસમાં
અમરોલીની ૨૭ વર્ષીય પરિણીતા હાલ તેના પતિથી અલગ થઇને પિયરમાં રહે છે. એક વર્ષ પહેલા તે કતારગામની ખાનગી હોસ્પિટલમાં કેરટેકર તરીકે નોકરી કરતી હતી તે વખતે તેની સાથેના જ કેરટેકર રાકેશ અમૃત ભોજ (રહે, પ્રભુનગર કતારગામ) સાથે તેની ઓળખાણ થઈ હતી. બંને જણા સાથે નોકરી કરતા હોવાથી અવાર નવાર મળવાનું થતું હતું આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
બંને અવાર નવાર મોબાઈલ ફોન ઉપર વાતો કરતા હતા. પાંચ મહિના પહેલા રાકેશે નવો મોબાઈલ લઈ વીડિયો તેને વીડિયો કોલ કર્યો હતો. અને પરિણીતા પાસે તેના કપડા કઢાવ્યા હતા. તે સમયે તેણે રેકોર્ડિંગ કરી લીધું હતું. બે મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ તેની સાથે બોલવાનું બંધ કરી દેતા રાકેશ તેને વાત કરવા માટે દબાણ કરતો હતો અને વાત નહીં કરે તો બદનામ કરવાની ધમકી આપતો હતો.
તેમ છતાં પરિણીતાએ તેને દાદ નહીં આપતા તેણે અગાઉ રેકોર્ડ કરેલો વીડિયો પરિણીતાના ભાઇને મોકલી આપ્યો હતો. તેની આ હરકતના કારણે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.